Charchapatra

નામ સાર્થક કર્યું

ચંદ્ર માટે પ્રયોજાતો એક શબ્દ ‘‘સોમ’’ પણ છે. યોગાનું યોગ અવકાશ વિજ્ઞાનની ભારતીય સંસ્થા ‘‘ઈસરો’’ના વડાનું નામ ‘‘સોમનાથ’’ છે. જે તેમના સફળ પરિશ્રમયુક્ત કર્મથી સાર્થક થયું છે. ચંદ્રની ધરતી પર સિદ્ધિ મેળવવાનો આ ત્રીજો પ્રયાસ હતો પણ ચંદ્રના વિકટ દુર્ગમ દક્ષિણ ભાગ પર પહોંચવામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ લાગણીશીલ મહાન વૈજ્ઞાનિક બીજા પ્રયત્ને સિદ્ધિ વંચિત રહી જતાં રીતસર રડી પડ્યા હતા. ગઈ સદીથી ચંદ્રયાત્રાના પ્રયાસો આરંભાઈ ગયા હતા અને બાસઠની સાલથી ભારતીય અવકાશ વિજ્ઞાનીઓએ કાર્યવાહી આરંભી દીધી હતી અને બેહજાર આઠની સાલમાં તો પ્રથમ ચંદ્રયાનનું લોન્ચીંગ પણ થઈ ગયું.

‘‘ઈસરો’’ના વડાની સાથે અન્ય વૈજ્ઞાનિકો અને કર્મીઓ દેશપ્રેમની ભાવનાથી રાત દિવસ લાગી પડ્યા હતા, તે ત્યાં સુધી કે છસો પંદર કરોડનો પ્રોજેક્ટ પૂરો કરવા પોતાના માસિક વેતનની પણ પરવાહ નહીં કરી. સત્તર સત્તર મહિનાથી પગાર મળ્યો ન હતો. કેન્દ્ર સરકારે આટલા ભવ્ય, જંગી પ્રોજેક્ટમાં નાણાંકીય ફાળવણીમાં બત્રીશ ટકા ઘટાડો બજેટમાં કરી દીધો હતો, છતાં વિદેશની સહાય વિના જ રાષ્ટ્રપ્રેમી કર્મીઓએ સફળતાપૂર્વક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. આ ત્રીજા ચંદ્રયાન પ્રોજેક્ટના સંદર્ભમાં સુરત પણ ગર્વ સહભાગી બની રહે છે. ‘‘ઈસરો’ના મિશન મુન ચંદ્રયાન-ત્રણને સફળ બનાવવામાં સુરતની એલ.એન્ડ ટી તથા હિમસન કંપનીનો ફાળો પણ મહત્ત્વનો છે.

સુરતની કંપનીઓએ ચંદ્રયાન-થ્રીના પાર્ટસ બનાવી રાષ્ટ્રને ગૌરવ અપાવવામાં ભૂમિકા ભજવી છે. લાર્સન એન્ડ ટુબ્રો કંપની પાંચ દાયકાથી વધુ સમયથી ભારતના સ્પેસ પ્રોગ્રામ સાથે સંકળાયેલી છે. વળી ચંદ્રયાન-થ્રીની ડિઝાઈન બનાવવામાં પણ સુરતના મિતુલ ત્રિવેદીએ મહત્ત્વની ભૂમિકાનો દાવો કર્યો છે. આમ તો ચંદ્ર અમાસની રાતે દેખાતો નથી. પણ તેનો દક્ષિણધ્રુવ પ્રદેશ તો અંધકારમય જ રહે છે.

પાણી પણ બરફ સ્વરૂપે જ ઉપલબ્ધ છે. અને ત્યાં ગુરુવાકર્ષણ પણ પૃથ્વીની તુલનામાં છઠ્ઠા ભાગ જેટલુ જ છે તેથી ક્યારેક તો ભરાયેલું પાણી ઉર્ધ્વગામી બની ગગનગામી વર્ષાના દર્શન કરાવે છે. અમેરિકા તો ચોપન વર્ષ પૂર્વે જ તેની આત્યાધુનિક સંશોધાનાત્મક યાંત્રિક સામગ્રી સજ્જ હતુ પણ કોઈ દેશને પણ તેની માહિતી, તેનો અભ્યાસ, વગેરેની સહાય કરી નથી. ચંદ્રયાન-થ્રીની સંપૂર્ણ સિદ્ધિ માત્ર ભારતના વૈજ્ઞાનિકોની જ છે. હવે અન્ય ગ્રહો તથા સૂર્ય તરફ સંશોધનાત્મક પ્રયાસોનો સંકલ્પ છે જેને પ્રોત્સાહન આપવું જરૂરી ગણાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રોટલો શેકવા લાકડાં નથી
બાપુએ મનુબહેન ગાંધીને કહ્યું, મોં ધોવા પણ જો ગરમ પાણી જોઇએ તો તે વિચાર કર્યો છે કે એ કેવી સાહ્યબી હોય? આજે જયાં રોટલો શેકવા લાકડાં નથી મળતાં ત્યાં મારે માટે મોં ધોવા પાણી ગરમ કરીને તું આપે છે તે તારા માટે અને મારા માટે આશ્ચર્યની વાત નથી! નાહવા માટે તો સમજી શકાય છે, પણ હાથ ધોવા ય ગરમ પાણી તેં કર્યું એ મારાથી સમજી જ નથી શકાતું.
વિજલપોર – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top