નર્મદા: (Narmada) તિલકવાડા તાલુકાના પહાડ ગામનો 19 વર્ષીય યુવાન છેલ્લા 22 દિવસથી ગુમ હોવાથી પિતાએ પુત્રની શોધ માટે નર્મદા જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી છે. પિતાએ (Father) જણાવ્યું છે કે, મારા પુત્રને (Son) જેની સાથે પ્રેમસંબંધ હતો એને મળવા ગયા બાદથી એ ગુમ છે. તો એ યુવતી તથા યુવતીના પિતાની પૂછતાછ હાથ ધરાય એવી માંગ કરાઈ છે. યુવરાજના ગુમ થયા બાદ એને કોઈએ બંદી બનાવી રાખ્યો હશે કે કોઈ પ્રેમસંબંધની (Love Affair) વાત છે કે પછી એ જાતે ભાગી ગયો છે સહિત અનેક બાબતો ચર્ચાનો વિષય બન્યો છે.
- પ્રેમિકાને મળવા ગયેલો પહાડનો યુવરાજ ગુમ, પિતાને પ્રેમિકાના પરિવાર ઉપર શંકા
- 22 દિવસથી ગુમ પુત્રના કોઈ સગડ નહીં મળતાં પિતાએ નર્મદા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી
તિલકવાડાના પહાડ ગામના જગદીશ શના બારિયાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ હું મારા એક કામે જાઉં છું એમ જણાવી મારો 19 વર્ષીય પુત્ર યુવરાજ તા.7/7/2022ના રોજ રાત્રે 8 વાગે ઘરેથી નીકળ્યો હતો. ઘરે પરત ન આવતાં એની સાથે ગયેલા એના મિત્રને પૂછ્યું તો એણે જણાવ્યું હતું કે અમે રાત્રે 11થી 12 વાગ્યાની આસપાસ યુવરાજ સાથે જેનો પ્રેમસંબંધ છે એને મળવા યુવતીના ઘરે ગયા હતા. રાત્રે 1 વાગ્યાની આસપાસ પોલીસ પેટ્રોલિંગની ગાડી આવતાં બહાર ઊભેલો મિત્ર ત્યાંથી પોતાના ઘરે જતો રહ્યો હતો. ત્યાર બાદથી એ ગુમ છે. મારા પુત્રની ગુમ થયા બાબતની અરજી તા.9/07/2022ના રોજ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં અમે આપી છે, પરંતુ આજે 22 દિવસ થયા છતાં મારા પુત્રનો કોઈ પત્તો નથી.
મારી એવી માંગ છે કે એ યુવતી અને યુવતીના પિતાની પોલીસ પૂછતાછ કરે તો મારો પુત્ર ક્યાં છે એ ચોક્કસ જાણી શકાય. અમને એવી શંકા છે કે મારા પુત્રને જાનથી મારી નાંખી ક્યાંક સગેવગે કરી દીધો છે. મારો પુત્ર રહસ્યમય સંજોગોમાં ગુમ થવા મામલે તાત્કાલિક તપાસ નહીં થાય તો પુરાવાઓનો નાશ થશે એવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવારનો કમાતો દીકરો રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં તેની તપાસ માટે પરિવારના લોકો પોલીસ સ્ટેશનોના ધક્કા ખાઈ રહ્યા છે. હવે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકનાં દ્વાર ખખડાવ્યાં છે ત્યારે યોગ્ય તપાસ થાય છે કે કેમ એ જોવું રહ્યું.