નવો ઉત્સાહ અને નવી ચેતના વડે માનવીના મનને તરબતર કરીને જિંદગી જીવવાનું પ્રેરક બળ આપે એવા તહેવારો સંસ્કૃતિનું પણ રક્ષણ કરતા હોય છે. આજના મોટા ભાગના તહેવારમાં ધાર્મિકતા ઓછી અને વ્યાપારિકતા વધુ જોવા મળે છે. આજના તહેવારોમાં ધાર્મિક દેખાડો વધારે જોવા મળે છે. તહેવારો વધુ ને વધુ ખર્ચાળ બની રહ્યા છે. રક્ષાબંધન, નવરાત્રિ, ધનતેરસ-દિવાળી, નાતાલ, મકરસંક્રાંતિ વગેરે ધંધાદારી બની ગયા છે!
જાણે કે ધર્મનો વેપાર!? ભગવાન, ભગવતીને દિલમાં રાખવાને બદલે આપણે એમને દુકાનમાં ગોઠવી દીધા! પ્રભુ તારી મંડાણી દુકાન! માનવી અજ્ઞાનતા તેમજ ધાર્મિકતાનો અંચળો ઓઢીને મોટી મોટી ડંફાસો મારે છે ત્યારે દુનિયાને ભ્રમ સિવાય બીજું કશું દેખાતું નથી. કોઇ કહી શકશે ખરૂં કે કયા દેવ અને કયાં માતાજી માઇક અને કાનફાડ ડીજે વગાડવાથી જ ખુશ થાય છે? મગજ અને સમગ્ર ચેતાતંત્રને છિન્નભિન્ન કરી નાંખનાર ઘોંઘાટિયું ડીજે કોઇ પણ એંગલથી ફાયદાકારક નથી. સિવાય કે એના માલિકને માલામાલ કરે છે.
અતિ સર્વત્ર વર્જયેત. એના પર અંકુશ આવવો જરૂરી છે. બારી બારણાને ધ્રુજાવતા, ઊંઘને ભગાવતા ડીજેને જાકારો આપીએ. રાત્રિનો અંધકાર વેઠીને જ ફૂલ ખીલતું હોય છે. આપણે સૌ દંભી સમાજનાં વારસદારો છીએ, પરંપરાને છોડી શકતા નથી તેમજ નવા ચીલે ચાલનારને સહન કરવું પડે છે. 50-60 વર્ષ પહેલાં માત્ર શેરી ગરબા જ રમાતા (માઇક પણ ભાગ્યે જ જોવાતું!) યુવતીઓ સ્ત્રીઓને ગરબો અધધ બજેટવાળો પડે છે. (દસ હજારથી એક લાખનો પડી શકે છે!) ડીજે વગરના ગરબાને ઇનામ આપીએ, પ્રોત્સાહન આપીએ. આપણે સાચી ધાર્મિકતા કેળવીએ અને સાંસ્કૃતિક સૂર્યોદય માણીએ.
સુરત – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.