Charchapatra

દેખો, દેખો કુતુબમિનાર દેખો

84 વર્ષ પહેલાં અમારું સૌથી પહેલું ટી.વી. (??) હતું, હાલતું ચાલતું ફરતું દૂરબીનવાળું ટી.વી.! ગામડાંઓ માટે અદ્‌ભુત મનોરંજન હતું એ ગામડિયું ટી.વી.! બૂમ સાંભળતાં જ અમે દોડી જતાં. ચાર પૈસા (એક આનો)નું મનોરંજન! આજે પણ યાદ આવતાં હૃદય અને મન તરોતાજા થઇ જાય છે. નૈસર્ગિક આનંદ હતો એ… ત્રણેક ખાનાવાળું, એક સાથે ત્રણેક છોકરા-છોકરીઓ જોઇ શકતાં. દિલ્હીનો કુતુબમિનાર, આગ્રાનો તાજમહેલ, ચેતક સવાર રાણાપ્રતાપ, શિવાજી મહારાજ વગેરેના ફોટા જ તો! પણ એ બધું જોવાની ખૂબ જ મઝા પડતી.

એવા તો મનોરંજનનાં બીજાં પણ અનેક પાત્રો હતાં. આજે એ બધાં ભૂતકાળમાં સરી ગયાં? પિત્તળના વાસણમાં કલાઇ કરવાવાળો, મદારી, વાંદરા-વાંદરીના ખેલવાળો, કથપૂતળીવાળો, નટ બજાણીઓ, શરણાઇવાળો વગેરે. આ બધાં અમારા મનોરંજનના સાવ સસ્તા ઘરે આવનારાં પ્રિય પાત્રો હતાં. વર્તમાન મનોરંજનની સરખામણી કરવી કદાચ, અળખામણી બની જાય! હવે તો દુનિયા મેરી મુઠ્ઠીમેં શાબાશ ટેકનોલોજી શાબાશ!
ચીખલી   – રમેશ એમ. મોદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top