Dakshin Gujarat

ઓલપાડના બરબોધનના ખેતરોમાં લીલી જીવાતનો આતંક: ડાંગરનો પાક નષ્ટ થતાં ખેડૂતો દુ:ખી

સુરતના ઓલપાડ તાલુકાના ખેતરોમાં લીલા અને ભૂખરા રંગની તડતડીયા (તીડ/ચૂસ્યા) એ આતંક મચાવ્યો છે. અહીં ડાંગરના (Paddy)ઉભા પાકને આ જીવાતો નુકસાન પહોંચાડી રહી છે, જેના લીધે ભારે નુકસાન થતાં ખેડૂતો દુ:ખી થયા છે. ખેડૂત અને સહકારી આગેવાન તથા સુરત જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષના નેતા દર્શન નાયકે તંત્રનું આ તરફ ધ્યાન દોર્યું છે. નાયકે કહ્યું કે, તાકીદે તડતડીયાને નાશ કરવાના પગલાં નહીં લેવાય તો આ આખાય ઓલપાડ પંથકમાં ફેલાઈને પાકને મોટું નુકસાન પહોંચાડશે.

ઓલપાડ તાલુના કાંઠા વિસ્તારના મોટાભાગના ગામોમાં ખેડૂતો મુખ્ય પાક ડાંગર છે અને મોટા પ્રમાણમાં ખેડૂતો ડાંગર જ પકવે છે અને પોતાના પરિવારનુ પાલનપોષણ કરે છે.પરંતુ ઓલપાડ તાલુકાના બરબોધન ગામ ખાતે ડાંગર પકવતા ખેડૂતના માથા ઉપર આફતનું આભ તૂટી પડ્યું છે. ઓલપાડ તાલુકાના બરબોધન ગામમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં ભૂખરા અને લીલા તડતડિયા (ચૂસ્યા) નામની જીવાતો ખેડૂતોએ અથાક પરિશ્રમ કરીને ઉભા કરેલા મહામુલા ડાંગરના ઉભા પાકને નષ્ટ કરી રહી છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બરબોધનના ખેતરોની મુલાકાત લીધી

નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,સુરતના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા ગત અઠવાડિયે બરબોધન ગામની મુલાકાત લેવામાં આવી હતી. તે દરમ્યાન તેમના દ્વારા ડાંગરમાં ભૂખરા તથા લીલા તડતડિયાની કિટકોનો વ્યાપક પ્રમાણ ઉપલબ્ધ હોવાનું જોવા મળ્યું હતું. કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ બરબોધન ગામના ડાંગર પકવતા ખેડૂતો દ્વારા આ ભૂખરા અને લીલા તડતડિયા(ચૂસ્યા)જીવાતના રોગને નિયંત્રિત કરવા માટે જંતુનાશક દવા છાંટી તેને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ જીવાતનો કહેર દિવસે અને દિવસે વધી જ રહ્યો છે. જો આ ભૂખરા અને લીલા તડતડિયાની જીવાતો પર સમયસર કાબુ કરવામાં આવશે નહીં તો આવનારા થોડા દિવસોમાં આ ભૂખરા અને લીલા તડતડિયા (ચૂસ્યા) ની જીવાતો સમગ્ર ઓલપાડ તાલુકામાં પ્રસરી ને ખેડૂતોના મહામુલા ઉભા ડાંગરના પાકને નુકશાન કરી શકવાની પુરે પુરી સંભાવના રહેલી છે.

જીવાતથી પાકને નુકસાન થયું, ખેડૂતોને વળતરને આપવા માંગ

એક બાજુ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને બીજી બાજુ ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા અને હવે ઉપરથી આવી ભૂખરા અને લીલા તડતડિયા ( ચૂસ્યા) જીવાતના રોગના કહેરને કારણે ખેડૂતોની હાલત કફોડી બનતી જઇ રહી છે. ગુજરાત સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તત્કાલ ખેતીવાડી અધિકારી, કૃષિ રોગના નિષ્ણાત વૈજ્ઞાનિકો અને તજજ્ઞો પાસે ભૂખરા અને લીલા તડતડિયા(ચૂસ્યા) રોગના કીટકોને રોકવા ખેડૂતોને અસરકારક યોગ્ય પગલાં લેવા જોઈએ તેમજ ખેડૂતોને યોગ્ય સલાહ અને મદદ કરવી જોઈએ તથા જે ખેડૂતોના પાકને ભૂખરા અને લીલા તડતડીયા(ચૂસ્યા) જીવાતના રોગથી નુકશાન થયું હોય તેમને આર્થિક સહાય ચૂકવવી જોઈએ કે જેથી ખેડૂતો ફરી પગભર થઈ શકે છે.

Most Popular

To Top