વાંસદા-સાપુતારા રોડ (Vasda Saputara Road) ઉપર આવેલું મોટી ભમતી ગામ ધીમી ગતિએ આજે પ્રગતિના (Progress) પંથે જઈ રહ્યું છે. આશરે ૨૦૦૦ની વસતી ધરાવતું મોટી ભમતી ગામ જેમાં ધોડિયા, કુંકણા, ગામીત, હળપતિ, કોટવાળિયા, કોળચા, પારસી, કણબી વગેરે જાતિના લોકો વસવાટ કરે છે, જેમાં મુખ્ય ધોડિયા અને કુંકણા જાતિના લોકો રહે છે. અહીં વસતા ગ્રામજનોનો (Villagers) મુખ્ય ખોરાક ડાંગર છે. જ્યારે તેઓ દ્વારા ડાંગર, ભીંડા, શેરડી, તુવેર, ચણાની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, જેમાં ડાંગરનો ઉપયોગ વધુ પ્રમાણમાં હોવાથી તેમની મુખ્ય ખેતી પણ ડાંગર જ છે. મોટી ભમતી ગામના ૨૦૦૦ની વસતીમાં ૧૪૭૫ જેટલા મતદારો મતદાન કરે છે.
ત્યારે ગામના સાક્ષરતાનું પ્રમાણ જોવા જઈએ તો ૭૫.૩૩ % છે. જેમાં ૮૪.૩૮ % પુરુષ અને ૬૬.૪૯ % મહિલાઓ સાક્ષરતા ધરાવે છે. ગામમાં સાક્ષરતાના કારણે ઘણી મહિલાઓ ગૃહ ઉદ્યોગ ઉત્પાદનમાં જોડાઈ સારી આવક મેળવી રહી છે. મોટી ભમતી ગામના લોકો ખેતી સાથે સાથે પશુપાલન સાથે પણ સંકળાયેલા હોય પશુપાલન થકી પણ સારી આવક મેળવી લે છે. જેમાં ગાય, ભેંસ, બકરાં અને મરઘાં વધુ પ્રમાણમાં પાળતા હોય છે, મોટી ભમતી ગામમાં મોટા ભાગના રસ્તાઓ પાકા ડામરના હોય અને જે વાંસદા તાલુકાના મુખ્ય માર્ગને જોડતા હોવાથી અહીંના લોકો સરળતાથી તાલુકાના અગત્યના કામકાજ માટે અવરજવર કરી શકે છે. તેમજ મોટી ભમતી ગામના રહેવાસી જેઓ દેશ માટે એસ.આર.પી.એફ. અને બી.એસ.એફ.માં પોતાની ફરજ બજાવી સમાજ અને મોટી ભમતી ગામનું નામ રોશન કરનાર એવા પંકેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને નરેન્દ્રભાઇ પટેલ પર ગ્રામજનો ગર્વ અનુભવે છે.
હનુમાનજી મંદિર
મોટી ભમતી ગામના મેદાન ફળિયામાં આવેલા હનુમાનજી મંદિર સાથે ગ્રામજનોની અખૂટ શ્રદ્ધા અને આસ્થા બંધાયેલી છે. આ મંદિરની સ્થાપના આશરે ૬૦ વર્ષ પહેલાં કરવામાં આવી હોય એવું મંદિરના પૂજારી દ્વારા જાણવા મળ્યું હતું. મોટી ભમતી ગામના નીચલા ફળિયા ખાતે આવેલ કાહડોળ નામના ઝાડ નીચે આ હનુમાનજીનો ચમત્કાર સૌપ્રથમવાર થયો હતો. ત્યારબાદ મંદિરના પૂજારી અને ગ્રામજનો દ્વારા હનુમાનજીની પ્રતિમાને બળદગાડીમાં રાખી ત્યાંથી અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરતાં બળદ ગાડું પણ તૂટી ગયું હતું એવું સ્થાનિક અને પૂજારી દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારબાદ હનુમાનજીની વિધિ વિધાનપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ ત્યાંથી લઈ જઈ મોટી ભમતી ગામના જ મેદાન ફળિયા ખાતે હનુમાનજીનું મંદિર બનાવી તેમાં સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરની સ્થાપના કરતી વખતે મંદિરમાં મુખ્ય ફાળો વઘઈ ગામના વિઠ્ઠલભાઈ જેમણે મંદિરના બાંધકામ માટે સિમેન્ટ આપી હતી, અને મોટી ભમતી ગામના આગેવાન લાલજીભાઈ (ડ્રાઈવર) જેમણે રેતીની મદદ કરી હતી. તેમજ મોટી ગામના ગ્રામજનોએ પણ ઇંટ અને બાકીની તમામ વસ્તુઓનો યોગદાન આપી મંદિરના બાંધકામમાં પૂરતો સહયોગ આપ્યો હતો. મંદિરની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે સમગ્ર ગામજનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. વર્ષ દરમિયાન શ્રાવણ માસમાં ગ્રામજનો દ્વારા મંદિર ખાતે સપ્તાહનું સુંદર આયોજન પણ કરવામાં આવે છે, જેમાં દર શનિવારે મંડળી બેસાડવામાં આવે છે. આ મંદિરની સ્થાપના થઈ ત્યારથી તેના પૂજારી તરીકે પોતાની સેવા ભક્તિ પૂરી પાડનારા પૂજારી વિઠ્ઠલભાઈ ભાઈજુભાઈ ગાયકવાડ આજે ૮૭ વર્ષની ઉંમરે પણ મંદિરના દરેક પ્રસંગમાં હાજર રહી સેવા આપવા હંમેશાં તત્પર રહે છે.
હનુમાનજીના મંદિરની બાજુમાં જ ગામમાં હવાન દેવની સ્થાપના
મોટી ભમતી ગામના મેદાન ફળિયા ખાતે હનુમાનજીના મંદિરની બાજુમાં જ ગામની હવાન દેવની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં મોટી ભમતી ગામના ગ્રામજનો વર્ષ દરમિયાન દિવાળી, હોળી અને અને દશેરા જેવા
મેદાન ફળિયા ખાતે મોટી ભમતી વર્ગશાળા
મોટી ભમતી ગામે એક વર્ગ શાળા મેદાન ફળિયા ખાતે આવેલી છે. જેની સ્થાપના તા.૧૩/૮/૧૯૮૪ના દિને થઈ હતી. આ વર્ગ શાળાનાં મુખ્ય શિક્ષક તરીકે ગીતાબેન એન. પટેલ ફરજ બજાવી રહ્યાં છે. તેમજ શાળામાં 3 વર્ગખંડ આવેલા છે, જેમાં ત્રણ શિક્ષકોના નેજા હેઠળ કુલ ૫૨ જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. આ વર્ગ શાળામાં બાળકોને શિક્ષણની સાથે સારું મધ્યાહન ભોજન પણ પૂરું પાડવામાં આવે છે. જ્યારે મોટી ભમતી ગામે નીચલા ફળિયા ખાતે આવેલ આ વર્ગ શાળાની ફરતે કમ્પાઉન્ડ વોલ, મધ્યાન ભોજન માટે નો શેડ, સંગીતનાં સાધનો તેમજ કેટલાક વર્ગખંડોના રિપેરિંગની પણ જરૂરિયાત ઊભી થઈ છે. મોટા તહેવારો પર અહીં આવી પૂજા-અર્ચના કરી ગામની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.
આંગણવાડી
મોટી ભમતી ગામે બાળકો માટે ભણતરનું પહેલું પગથિયું કહેવાય એમ બે આંગણવાડી આવેલી છે, જેમાં એક આંગણવાડી પટેલ ફળિયા ખાતે અને એક આંગણવાડી મંદિર ફળિયા ખાતે આવેલી છે. મોટી ભમતી ગામની બે આંગણવાડીમાં આશરે ૧૦૫ જેટલાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, તેમજ બાળકોની તંદુરસ્તી માટે નિયમિત પૌષ્ટિક આહાર પણ પીરસાય છે. અહીં આવતાં નાનાં બાળકો માટે રમતગમતનાં સાધનો ખૂબ જ જૂનાં થઈ ગયાં હોવાથી સરકાર દ્વારા નવાં રમતગમતનાં સાધનોની જરૂરિયાત પૂરી પાડવામાં આવે એ જરૂરી બન્યું છે.
મોટી ભમતી ગ્રામ પંચાયત બોડી
સરપંચ : વિનોદભાઈ એન. પટેલ
ડે. સરપંચ : ભરતભાઈ એસ. ભોયા
સભ્યો
(૧) હિરેનભાઈ આર.પટેલ
(૨) રાજેશભાઈ પી. પટેલ
(૩) જ્યોત્સ્નાબેન એન. પટેલ
(૪) જીજ્ઞાબેન બી. ભોયા
(૫) રેખાબેન એસ. ગાંવિત
(૬) સુશીલાબેન બી. પટેલ
તલાટી કમ મંત્રી :
પ્રવીણભાઈ એસ. ગાવીત
પીવાના પાણીની સુવિધા
જીવનનિર્વાહ માટે સૌ કોઈની મુખ્ય જરૂરિયાત એટલે પીવાના પાણીની વાત કરીએ તો પેન્ટેસન ફળિયા, પટેલ ફળિયું, વચલું ફળિયું, મેદાન ફળિયું અને નીચલું ફળિયું એમ કુલ પાંચ ફળિયાં મળી આશરે 2000ની વસતી ધરાવતા મોટી ભમતી ગામના લોકોને પંચાયત દ્વારા શુદ્ધ પીવાના પાણી માટે બે મોટી ટાંકી તેમજ 10 જેટલી સિન્ટેકસ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટાંકી મારફતે લોકોને ઘરઆંગણા સુધી પાણીની પાઇપલાઇન કરી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે, જેનો લાભ ગ્રામજનો સહિત પોતાના પાલતુ પશુઓ માટે પણ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.
ડાંગી હોટલ એટલે સ્વાદરસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર
દક્ષિણ ગુજરાતના દંડકારણ્ય વન પ્રદેશના પોષણમૂલ્યો ધરાવતા ધનધાન્ય, શાકભાજી, અને તેલ મસાલાનાં વેલ્યૂ એડેડ વ્યંજનો, ભોજનનો રસથાળ તૈયાર કરીને, સ્વાદરસિયાઓને મઝા કરાવતી રેસ્ટોરેન્ટ એટલે ‘ડાંગી રેસ્ટોરેન્ટ’. વાંસદા-વઘઇ રોડ ઉપર રજવાડી નગર વાંસદાને અડીને આવેલા મોટી ભમતી ગામે તમને ડાંગી ભોજનની સોડમ અને સ્વાદ માણવા મળે તેવો સાહસિક પ્રયોગ સ્થાનિક યુવાન ધર્મેશભાઈ ભીવસેન અને ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ તેમના ‘ડાંગી ગ્રુપ’એ કર્યો છે. ધર્મેશભાઈ અને ભૂપેન્દ્રભાઈ તથા તેમનું ‘ડાંગી ગ્રુપ’ છેલ્લાં પાંચ-સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંકળાયેલા હતા. તેવામાં રાજ્ય સરકારે ડાંગ જિલ્લા સહિત પાડોશી મૂળ જિલ્લાની એકસરખી ભૂપૃષ્ઠ ધરાવતા વાંસદા, ધરમપુર, અને કપરાડાને પણ પ્રાકૃતિક ખેતી કરતા વિસ્તાર તરીકે જાહેર કરીને આ પ્રદેશને અનોખી ગરિમા પ્રદાન કરવા સાથે સમાજને સ્વાસ્થ્યપ્રદ ધનધાન્ય પૂરા પાડવાની નવી દિશા પ્રદાન કરી છે. ત્યારબાદ ખેડૂતો જૂથો અને ક્લસ્ટર બનાવી વધુમા વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. સાથે સાથે તેમના દ્વારા ઉત્પન્ન થતા અનાજ, શાકભાજી, મસાલા પાક ખરીદીને તેનુ મૂલ્યવર્ધિત ઉત્પાદન, બ્રાન્ડિંગ, આકર્ષક પેકેજિંગ કરીને, અનેકવિધ વેરાઈટીઓ પ્રજાજનોની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે. જેમાં મોટી ભમતી ગામે કાવેરો નદીના પુલ પાસે આવેલ ડાંગી હોટલ જે નળિયાવાડી છત, વાસ, ઘાસના પૂળેટિયા, લાકડાના દાંડા અને માટીનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. આ હોટલમાં સંપૂર્ણ રસોઈ ઓર્ગેનિક અને આદિવાસીઓમાં મોટે ભાગે લેવાતો આહાર પીરસવામાં આવે છે. આ આહાર દેશી ચૂલા પર બનાવવામાં આવે છે તેમજ ખૂબ જ પૌષ્ટિક અને ગુણવત્તાભર્યો હોય છે. જે આજના યુગમાં વિવિધ પ્રકારના તેલ મસાલાથી બનતા ચટાકેદાર આહારથી ખૂબ જ અલગ પડી જાય છે. વાંસદા-વઘઇ રોડ ઉપર આવેલી આ હોટલમાં પીરસાતી વિવિધ પ્રકારની વાનગીઓની મજા માણવા નવસારી, સુરત અને બરોડા જેવાં શહેરોમાંથી આવતા ટુરિસ્ટો અહીં અચૂક મુલાકાત લેતા હોય છે. ઓર્ગેનિક આહારની સાથે સાથે ડાંગી હોટલની અંદર વિવિધ પ્રકારની આદિવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વાનગીઓને સેલ પણ કરવામાં આવે છે. ત્યારે આ હોટલ પર શનિ-રવિની રજાઓમાં ખૂબ જ વધુ પડતી ભીડ જોવા મળે છે. આ હોટલની ખાસિયત એ છે કે અહીં સંપૂર્ણ વાનગી ચૂલા પરજ બનાવવામાં આવે છે. આ હોટલમાં કામ કરતો ૯૫ % સ્ટાફ મહિલા વર્ગનો જ રહે છે. જેના કારણે આ હોટલ થકી અહીં ઘણી મહિલાઓને રોજગારી પણ મળી રહે છે. ડાંગી હોટલમાં પીરસાતી વાનગી જેમાં અડદની દાળ, તુવેર દાળ, નાગલી, ચોખાના રોટલા, પાપડી તેમજ અન્ય વસ્તુઓ પણ દેશી જ હોવાના કારણે સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવતા પાકની માંગ પણ વધતાં તેમની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વધુમાં આ સ્થળ નજીક અન્ય હોટલો, પેટ્રોલ પંપ, સિનેમા ગૃહ, દુકાનો હોવાથી સ્થાનિકો દ્વારા પણ પોતાની શાકભાજીની અને ફળફળાદીની દુકાનો લગાવી બજાર જેવો માહોલ બની રહેતાં સ્થાનિકોને પણ સારી એવી રોજગારી મળી રહે છે.
સેટેલાઈટ સિનેમા
મોટી ભમતી ગામે વાંસદા-વઘઇ રોડ ઉપર એક સેટેલાઈટ સિનેમા ગૃહ આવેલું છે, જ્યાં વાસદા તાલુકા સહિત નજીક આવેલ ડોલવણ તાલુકા અને વઘઈ આહવા તાલુકાના લોકો પણ મનોરંજન માટે અહીં પિક્ચર જોવા આવતા હોય છે. મોટી ભમતી ગામમાંથી સુરત-નાશિક હાઇવે પસાર થતો હોવાથી અહીં વિવિધ પ્રકારની હોટલો, દુકાનો, પેટ્રોલ પંપ તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેની તમામ સુવિધાઓ ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહી છે. વાંસદા તાલુકામાં વર્ષો પહેલાં ત્રણ સિનેમાગૃહ કાર્યરત હતાં. જે સમય જતા ધીમે ધીમે બંધ થઈ જવા પામ્યા હતા. ત્યારે વાંસદા સહિત આજુબાજુના લોકોએ મનોરંજન માટે પિક્ચર જોવા વલસાડ નવસારી કે વ્યારા સુધી જઈ રહ્યા હતા. ત્યારે લોકોનો સમય અને ત્યાં સુધી જવાનો ખર્ચ પણ વધુ થતો હતો. પરંતુ જ્યારથી મોટી ભમતી ગામ ખાતે આ સેટેલાઈટ સિનેમાગૃહનું નિર્માણ થયું છે ત્યારથી લોકોને ઘરઆંગણે મનોરંજનનો લાભ મળી રહે છે, જેમાં લોકોના બહારગામ જવાથી ખર્ચાતા વધુ રૂપિયા અને સમયનો પણ બચાવ થઈ જાય છે.
આરોગ્ય કેન્દ્ર
મોટી ભમતી ગામ એ આશરે 2000 જેટલી વસ્તી ધરાવતું ગામ હોવાથી શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુમાં ગામની મધ્યમાં આવેલું આરોગ્ય કેન્દ્ર ખૂબ જ ફાયદાકારક બની રહે છે. આ આરોગ્ય કેન્દ્રમાં જ્યારે ગામના કોઈપણ વ્યક્તિને બીમારીમાં સારવારની જરૂર પડતા લોકોને તાવ, શરદી, ખાંસી વગેરે બીમારીની તપાસ કરી દવાઓ આપવામાં આવે છે તેમજ કોઈ વ્યક્તિને સારવારની વધુ જરૂર પડતા માત્ર દસ મિનીટમાં વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે સરળતાથી પહોંચી વધુ સારવાર મેળવી શકે છે.
પશુપાલન થકી દૂધનો વ્યવસાય ફળદાયી
મોટી ભમતી ગામનો લોકો મુખ્યત્વે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ કેટલાક ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી પશુપાલન કરી સારી એવી આવક મેળવી રહ્યા છે, જેમાં મુખ્યત્વે ગાય અને ભેંસના દૂધનું ઉત્પાદન વધુ જોવા મળે છે. મોટી ભમતી ગામમાં બે દૂધડેરી આવેલી છે, જેમાં એક પટેલ ફળિયા ખાતે ધી મોતી ભમતી સહકારી દૂધમંડળી અને બીજી ઈટોળ ફળિયા ખાતે મહિલા દૂધ મડળી આવેલી છે. આ બંને દૂધમંડળી ખાતે ગામના આશરે ૧૮૦ જેટલા સભાસદો દૂધ ભરી સારી આવક મેળવી રહ્યા છે.
(૧) ધી મોટી ભમતી સહકારી દૂધમંડળી
પ્રમુખ : મગજીભાઈ કાકડિયાભાઈ પટેલ
મંત્રી : દિનેશભાઈ મંગુભાઈ ભોયા
સભાસદ : 120
(૨) મહિલા દૂધમંડળી :
પ્રમુખ : ઇન્દુબેન મહેન્દ્રભાઈ ચવધરી
મંત્રી : ભાનુભાઈ જીવલભાઈ ચવધરી
સભાસદ : 60
આંગણવાડીનાં બાળકો માટેનાં રમતગમતનાં સાધનો જર્જરિત
મોટી ભમતી ગામ વિકાસને વળી રહ્યું છે. પરંતુ મોટી ભમતી ગામની આંગણવાડીનાં બાળકો માટે રમતગમતનાં સાધનો જે જર્જરિત અવસ્થામાં હોય, નવાં સાધનોની જરૂરિયાત ઊભી થઈ છે.
રીટાયર્ડ આર્મીમેન : પટેલ અરવિંદભાઈ વસનજીભાઈ
મોટી ભમતી ગામના રહેવાસી પટેલ અરવિંદભાઈ જેવો ભારતીય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં ફરજ બજાવી હાલ રિટાયર્ડ થઈ ગામનું નામ રોશન કર્યું છે. આર્મી અરવિંદભાઈએ ૧ જાન્યુઆરી-૧૯૮૮માં દિલ્હી ખાતેથી પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવવા નોકરી જોઈનિંગ કરી હતી. અરવિંદભાઈએ ૧૯૯૧થી ૧૯૯૨ દરમિયાન અયોધ્યા કાંડ વખતે ત્યાં ફરજ બચાવી હતી. ત્યારબાદ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ વખતે ફરજ બજાવી હતી. બાદ ૨૦૦૪માં આવેલી સુનામી વખતે પણ તેઓ અંદમાન નિકોબાર તથા ઇન્ડોનેશિયા બોર્ડર પર ફરજ બજાવી રહ્યા હતા. તેમજ ૨૦૦૮માં તેઓ જમ્મુ-કાશ્મીરમાં ફરજ બચાવી રિટાયર્ડ થયા હતા. આમ મોટી ભમતી ગામના અરવિંદભાઈ પટેલે પોતાના જીવનકાળ દરમિયાન દેશ માટે ખૂબ જ અહેમ દેશભક્તિ દાખવી પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.
રિટાયર્ડ આર્મીમેન : પટેલ નરેન્દ્રભાઈ રમણભાઈ
મોટી ભમતી ગામના પટેલ ફળિયામાં રહેતા નરેન્દ્રભાઈ પટેલે તા.૨૭/૧૦/૧૯૯૩ના દિવસે (BSF) બોર્ડર સિક્યુરિટી ફોર્સ તરીકે ફરજ બજાવવા જોઇનિંગ થયા હતા. જેઓ પોતાની ફરજ દરમિયાન કાશ્મીર બોર્ડર પર નવ વર્ષ, પંજાબ બોર્ડર પર ત્રણ વર્ષ, બાંગ્લાદેશ બોર્ડર પર છ વર્ષ, દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ચાર વર્ષ અને કચ્છ-ભુજ-પાકિસ્તાન બોર્ડર પર બે વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ નરેન્દ્રભાઈ પટેલ તા. ૩૧/૧૨/૧૬ના રોજ પોતાની ફરજ પરથી નિવૃત્ત થયા બાદ પોતાનું જીવન સુખમય રીતે વિતાવી રહ્યા છે.
એસ.આર.પી.એફ. પંકેશભાઈ લાલજીભાઈ પટેલ
મોટી ભમતી ગામના રહીશ પંકેશભાઈ લાલજીભાઈ પટેલનો જન્મ તા.૦૬/૦૫/૧૯૮૩ના રોજ થયો હતો. તેઓ હાલ એસ.આર.પી.એફ.માં નોકરી બજાવી રહ્યા છે. પંકેશભાઈએ બરોડા ખાતે ટ્રેનિંગ પૂરી કરી તેમની પહેલી પોસ્ટિંગ વર્ષ-૨૦૧૪માં અમદાવાદમાં મળી હતી. ત્યારબાદ તેમણે ગાંધીનગર ખાતે વડાપ્રધાન તથા રાજ્યપાલ દ્વારા સન્માન ગાર્ડ ડ્યૂટીમાં ઇનામ અને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. બાદ ૨૦૧૯માં જ્યારે સમગ્ર દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો તે દરમિયાન પંકેશભાઇને શ્રેષ્ઠ કામગીરી બદલ સેનાપતિ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ૨૬ જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટ નિમિત્તે બેસ્ટ પરેડ માટે પણ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ લોકશાહીના મહાપર્વ ચૂંટણી દરમિયાન તેઓ મહારાષ્ટ્ર, ગઢ ચિલોડી, ગોવા, પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારે છત્તીસગઢ રાજ્ય ચૂંટણી ફરજ દરમિયાન નક્સલવાદ અને ગરીબી શું છે તેનો અનુભવ પણ થયો હતો. આમ, પંકેશભાઈએ પોતાની ફરજ દરમિયાન અનેક સન્માનપત્રો મેળવી પોતાના ગામ મોટી ભમતી અને સમગ્ર આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે. જેવો હાલ સુરત ખાતે ફરજ બજાવી રહ્યા છે.
ડો.હસમુખભાઈ બી.ખારેચા
વાંસદા તાલુકાના મોટી ભમતી ગામે આવેલ લોક સેવા ટ્રસ્ટ, આદિજાતિ વિકાસ અને તાલીમ કેન્દ્રમાં અહેમ યોગદાન આપી હજારો ખેડૂતો અને ગરીબ આદિવાસી પ્રજાને જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપી વિકાસ તરફ આગળ લઈ જનાર એવા ડો. હસમુખભાઈ બી.ખારેચા જેઓ લોક સેવા ટ્રસ્ટના સેક્રેટરી અને પ્રોગ્રામ ડાયરેક્ટર પણ છે. જેઓએ B.A.M.S. (બેચલર ઓફ આયુર્વેદ મેડિસીન એન્ડ સર્જરીના સ્નાતક) ની ડિગ્રી 1988 પ્રાપ્ત કરી તેમજ રૂરલ ડેવેલપમેન્ટ ટ્રેનિંગ આણંદ ઈરમાં ખાતે 1997માં લીધી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કૃષિ કેન્દ્ર ખાતે ખોરાક, પોષણ અને કૃષિ વિસ્તરણ વિષય પર હોલેન્ડ ખાતે અભ્યાસ 1997 કર્યો છે. માર્કેટિંગનો અભ્યાસક્રમ લંડન (યુ.કે.) ખાતે 2000માં કર્યો હતો.
જ્યારે હાલમાં તેઓ લોક સેવા ટ્રસ્ટના પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ BAIF NGO-ધ્રુવામાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ધ્રુવા દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં સંકલિત આદિવાસી ગ્રામીણ વિકાસ કાર્યક્રમો અમલમાં મૂકી રહી છે. તેમણે ઓક્ટોબર-1988થી નવેમ્બર-2005 સુધી BAIFમાં સેવા આપી હતી. અને અનેકવિધ પ્રોજેક્ટમાં મુખ્ય કાર્યપાલક અધિકારી તરીકે પણ સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ સંસ્થામાં તેમની જવાબદારીઓ વિવિધ વ્યવસ્થાપક ક્ષમતાઓ તરીકે બહુવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. તેમજ 2005થી લોક સેવા ટ્રસ્ટમાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે છે. તેમણે તેમના ૩૨ વર્ષના કાર્યકાળમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી અને ડાંગ જિલ્લાના આદિવાસી બ્લોકનાં 200 ગામમાં વ્યાપક આદિજાતિ વિકાસ કાર્યક્રમના વિસ્તરણ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેમણે સંસ્થા દ્વારા આદિવાસી ગરીબોના જીવનની ગુણવત્તા માટે જિલ્લાના લગભગ 20,000 જેટલા આદિવાસી પરિવારોને લાભ આપ્યો છે. ડો.હસમુખભાઈ ખારેચા અન્ય વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ માટે બર્જેટિંગ અને પ્રોજેક્ટ દરખાસ્તો બનાવવા, કેન્દ્ર અને રાજ્ય મંત્રાલયો, જિલ્લા અને બ્લોક સ્તરની સરકારી સંસ્થાઓ જેવા સરકારી સત્તાવાળાઓ સાથે સંપર્ક કાર્ય સાથે સંકળાયેલા રહે છે. ત્યારે તેઓ 50થી વધુ ટેક્નિકલી લાયકાત ધરાવતા કર્મચારીઓના કર્મચારી સ્ટાફના મુખ્ય વહીવટી વડા રહ્યા છે.
આમ, છેલ્લાં ૩૨ વર્ષથી તેઓ ગ્રામીણ વિકાસના વિવિધ પાસાં ખાસ કરીને ટકાઉ આજીવિકાના ક્ષેત્ર અને કુદરતી સંસાધનોના સંચાલન સાથે સંકળાયેલા હોય, તેમની સેવાઓ દરમિયાન આજે તેઓ સફળ કાર્યકાળમાં સારી પ્રગતિ કરી અને એવાર્ડ પણ મેળવ્યા છે. જેમાં 2015માં બરોડા ખાતે એફ.જી.આઈ. (ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ) એવોર્ડ, નાબાર્ડ-અમદાવાદ દ્વારા 2017માં લોક સેવા ટ્રસ્ટ દ્વારા ઉત્કૃષ્ટ આદિજાતિ વિકાસ કાર્યો માટે પુરસ્કાર, નાબાર્ડ-અમદાવાદ દ્વારા વર્ષ-2017-18માં ચીખલી બ્લોકમાં ઉત્કૃષ્ટ SHG કાર્યો માટેનો એવોર્ડ, નાબાર્ડ-અમદાવાદ દ્વારા વર્ષ-2018 માટે લોક સેવા ટ્રસ્ટને વાડી પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ વિકાસ કાર્યોમાં શ્રેષ્ઠ કામગીરી માટેનો એવોર્ડ, લોક સેવા ટ્રસ્ટને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ઓર્ગેનિક સેલ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા નવસારી અને ડાંગ જિલ્લાઓ માટે ઓર્ગેનિક સેવા પ્રદાતા માટે નામાંકીત કરવામાં આવ્યું છે.
ચેકડેમ થકી સિંચાઈથી ખેડૂતોને લાભ મળ્યો
ગામમાં ખેડૂતો સિંચાઈ માટે સાત જેટલા ચેકડેમોના પાણીનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે. જેમાં પેન્ટેસન ફળિયામાં- 1, ઝાડી ફળિયામાં- 2, મેદાન ફરિયામાં 2 અને નીચલા ફળિયામાં 2 ચેકડેમ આવેલા છે. તેમજ ગામમાંથી કાવેરો નદી પસાર થતી હોવાથી તેના દ્વારા પણ ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવામાં ખૂબ જ મદદરૂપ થઈ રહે છે. આ ચેકડેમોમાં વર્ષ દરમિયાન માર્ચ મહિનાથી જૂન મહિના સુધી ખેડૂતોને પાણીની થોડી તંગી વર્તાય છે, ત્યારે કેટલાક ખેડૂતોએ કાવેરો નદી પરજ નિર્ભર રહી ખેતી કરવી પડે છે.
વિનોદભાઈ પટેલ : મોટી ભમતીના સરપંચ
મોટી ભમતી ગામના રહેવાસી વિનોદભાઈ પટેલ જેવો વાંસદા તાલુકાના ખાનપુર/ બારતાડ ગામે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે વર્ષ-2013થી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન ડિસેમ્બર-2021માં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં મોટી ભમતી ગામના યુવાનો અને વડીલો દ્વારા વિનોદભાઈને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવવા પ્રોત્સાહિત કરતા વિનોદભાઈએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે ગ્રામજનોના સહકાર થકી વિનોદભાઈ ગામના ચાર ઉમેદવાર સામે બહુમતીથી જીત મેળવી હતી.
આમ ગામના યુવા સરપંચ તરીકે વિનોદભાઈ પહેલીવારમાં જ મોટી ભમતી ગામના સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા હતા. વિનોદભાઈના જણાવ્યા મુજબ તેઓ પોતાના ગામના વિકાસ માટે શિક્ષક તરીકેની નોકરી પરથી રાજીનામું મૂકી સરપંચ પદ રહી ગામની અનેક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમજ વિનોદભાઈ શિક્ષિત હોવાથી સરકારની અનેક યોજનાઓથી પોતાના ગામમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને માહિતગાર કરી તેનો પૂરતો લાભ પ્રજાને મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. તથા મોટી ભમતી ગામના વધુ વિકાસ માટે સરકારને જરૂરી ગ્રાન્ટ ફાળવવા માટે પણ રજૂઆત કરી જેમ જેમ સરકાર દ્વારા ગામને ગ્રાન્ડ ફાળવવામાં આવશે તે પ્રમાણે વધુ વિકાસના કામો થશે એવું મોટી ભમતી ગામના સરપંચ વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું.