નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમની ધરપકડને પડકારતી ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કેસની વિચારણા કરવા સામે વાંધો વ્યક્ત કર્યા બાદ સોરેનના વકીલોએ અરજી પાછી ખેંચી લીધી હતી. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે સોરેનના વકીલોએ હકીકતો છુપાવી હતી અને સ્પષ્ટતા સાથે કેસ રજૂ કર્યો ન હતો.
તમને જણાવી દઈએ કે કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં હેમંત સોરેનનો કેસ લડી રહ્યા હતા અને તેમણે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એસસી શર્માની બેન્ચની સામે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે (હેમંત સોરેન) રાહત માટે એક સાથે બે કોર્ટનો સંપર્ક કર્યો. આ યોગ્ય નથી. એક કેસમાં તમે જામીન માંગ્યા અને બીજા કેસમાં તમે વચગાળાના જામીન માંગ્યા. તમે સમાંતર પગલાં અપનાવતા રહ્યા. તમે અમને ક્યારેય કહ્યું નથી કે તમે નીચલી કોર્ટમાં જામીન અરજી કરી છે. તમે આ હકીકત અમારાથી છુપાવી છે. અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. સોરેનના વકીલ કપિલ સિબ્બલે માફી માંગી અને પોતાની ભૂલ સ્વીકારી લીધી. પરંતુ કોર્ટ પર તેની કોઈ અસર થઈ ન હતી.
સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણીના બીજા દિવસે EDએ એફિડેવિટ દ્વારા ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની વચગાળાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચ સમક્ષ સોરેને માંગ કરી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેમ તેમને પણ ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવે. EDએ પોતાની દલીલમાં કહ્યું કે ચૂંટણી પ્રચાર ન તો મૂળભૂત અધિકાર છે, ન તો બંધારણીય કે કાયદાકીય અધિકાર.
કપિલ સિબ્બલે પોતાની ભૂલ સ્વીકારી
સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું, ‘આ મારી અંગત ભૂલ છે, મારા અસીલની નથી. અસીલ જેલમાં છે અને અમે વકીલ છીએ અને તેનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. અમારો હેતુ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો નહોતો. અમે આ ક્યારેય કર્યું નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે યોગ્યતાઓને ધ્યાનમાં લીધા વિના તમારી અરજીને ફગાવી શકીએ છીએ. પણ જો તમે દલીલ કરશો તો અમારે યોગ્યતાઓ જોવી પડશે. આ તમારા માટે નુકસાનકારક બની શકે છે. તેને તમારા પર ન લો, તમે આટલા વરિષ્ઠ વકીલ છો.