નવી દિલ્હી: કોરોના (Corona) વાયરસે ફરી એકવાર ચીનમાં (China) માથું ઊંચક્યું છે. ઓમિક્રોનના (Omicron) આ નવા વેરિયેન્ટના લીધે ચીનમાં ટપોટપ લોકોના મોત થઈ રહ્યાં હોવાની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે. લોકો સારવાર માટે તબીબો સમક્ષ આજીજી કરતા હોય તેવા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. ચીનમાં સર્જાયેલી આવી તબાહીને પગલે ભારત સહિત આખું વિશ્વ ચિંતામાં મુકાયું છે. ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાબડતોબ એક બેઠક બોલાવી અને લોકોને સાવધાન રહેવા તાકીદ પણ કરી દીધી છે. નિષ્ણાત તબીબોએ પણ કોરોના ભારતમાં ફરી ત્રાટકશે કેમ તે અંગે પોતાના મંતવ્યો આપવા માંડ્યા છે, તો ચાલો જાણીએ નિષ્ણાતો આ મામલે શું કહે છે…
ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ઝીરો-કોવિડ પોલિસીના અંત પછી, ત્યાં કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. 20 ડિસેમ્બર સુધીમાં, ચીનમાં ચેપના 10,72,004 કેસ નોંધાયા છે જ્યારે સત્તાવાર ડેટા અનુસાર મૃત્યુની સંખ્યા 31,309 હતી. આવી સ્થિતિમાં ભારત (India) માટે શું ખતરો છે. તેના પર નિષ્ણાતો કહે છે કે ભારત અત્યાર સુધીમાં ત્રણ કોવિડ-19 લહેર સામે સંઘર્ષ કરી ચુક્યું છે. ગયા વર્ષે, ડેલ્ટા વેરિઅન્ટને લઈને પરિસ્થિતિ બગડવાની સંભાવના હતી, પરંતુ તેમ થયું ન હતું. 20 ડિસેમ્બરના રોજ ભારતમાં સક્રિય કેસ 3,559 કરતા ઓછા હતા.
આ કારણોના લીધે ચીનમાં ફરી કોરોના વકર્યો
જાણીતા વાઈરોલોજિસ્ટ ડૉ. ગગનદીપ કેંગ કહે છે, “એવો અંદાજ છે કે ચીનમાં ચેપની કુલ સંખ્યા 800 મિલિયન સુધી પહોંચી શકે છે અને આગામી ત્રણ મહિનામાં પાંચથી 20 લાખ લોકોના મોત થઈ શકે છે. જેના ઘણા કારણો છે, જેમાંથી પહેલું કારણ એ હતું કે ત્યાં વૃદ્ધોની વસ્તીમાં રસીકરણ ઓછું થયું હતું. બીજું કારણ એ છે કે બૂસ્ટર ડોઝ લોકોમાં અસરકારક રીતે આપવામાં આવ્યો ન હતો. ત્રીજું કારણ એ છે કે ચીન અત્યાર સુધી મોટા પાયે પ્રતિબંધો લાદી રહ્યું હતું પરંતુ તાજેતરમાં વધી રહેલા જાહેર વિરોધને પગલે તે પ્રતિબંધો દૂર કરવા પડ્યા હતા, જેના પગલે લોકો મોટી સંખ્યામાં ભેગા થવા માંડ્યા અને તેની પરિણામે ફરી સંક્રમણ વધ્યું છે. તમિલનાડુના વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ સાથે સંકળાયેલા જૂડી કંગે જણાવ્યું હતું કે, “ચોથું કારણ એ છે કે સામાન્ય રીતે શિયાળામાં હોસ્પિટલો અન્ય વાયરલ ચેપથી ભરેલી હોય છે, અને તે જ સમયે ત્યાં કોવિડ-19 કેસોમાં વધારો થયો છે.” છે. તેથી સ્થિતિ વધુ બગડી રહી છે.
ભારતમાં સ્થિતિ બગડવાની શક્યતા ઓછી છે
ભારતમાં કોરોના ફરી ત્રાટકશે કે કેમ તે અંગેની તપાસ ભારતમાં પણ ચાલી રહી છે અને ભારતના SARS CoV 2 જીનોમિક સર્વેલન્સ પ્રોગ્રામ અથવા INSACOG ના ડેટા દર્શાવે છે કે BF.7 પણ અહીં મહિનાઓથી હાજર છે. આ જ કારણ છે કે નિષ્ણાતો ભારતમાં આ સ્થિતિઓને લઈને વધુ ચિંતિત નથી. ડૉ. અનુરાગ અગ્રવાલે, જેઓ INSACOG સાથે સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ- ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (CSIR-IGIB), નવી દિલ્હીના ડાયરેક્ટર તરીકે સંકળાયેલા છે, તેમણે કહ્યું, “ભારતમાં ફરી કોરોનાના લીધે સ્થિતિ બગડે તેવું હું માનતો નથી ભારતની વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઊંચી છે અને અમારું સંશોધન સૂચવે છે કે મોટાભાગના લોકો પહેલાથી જ ઓમિક્રોનથી સંક્રમિત થઈ ચૂક્યા છે.