નવી દિલ્હી: ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ ગુરુવારે તા. 8 ફેબ્રુઆરીના રોજ તેના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. LICએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 49% ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નફામાં જંગી વધારાનું સૌથી મોટું કારણ એ છે કે LICએ શેરધારકોના ફંડમાં વધુ નાણાં રોક્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં તેણે રૂ. 9,444 કરોડનો સિંગલ ચોખ્ખો નફો મેળવ્યો છે, જ્યારે એક વર્ષ અગાઉના ગાળામાં તે રૂ. 6,334 કરોડ હતો.
LICના ચેરપર્સન સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું હતું કે બહેતર સુવિધાઓ પૂરી પાડવા માટે અમારો સતત અને કેન્દ્રિત અભિગમ અને અમારી વ્યૂહરચના બદલતા સારા પરિણામો મળી રહ્યા છે. કંપનીએ કહ્યું કે નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર સુધીમાં બિઝનેસમાં LICનો હિસ્સો વધીને 14.04% થઈ ગયો છે. જ્યારે VNB માર્જિન સ્તર 200 bps વધ્યું છે.
જંગી નફો કર્યા બાદ સરકારી વીમા કંપનીએ પણ ડિવિડન્ડની જાહેરાત કરી છે. PSU કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 4ના ડિવિડન્ડને મંજૂરી આપી છે. કંપનીએ ક્વાર્ટર માટે તેના બિન-ભાગીદારી ફંડમાંથી શેરધારકોના ફંડમાં રૂ. 7,692 કરોડ ટ્રાન્સફર કર્યા છે. એક વર્ષ પહેલા LICએ 5,670 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એલઆઈસી બિન-ભાગીદારી નીતિઓમાંથી પ્રીમિયમ એકત્રિત કરે છે, જેમાં નિશ્ચિત વળતર હોય છે અને તેને બિન-ભાગીદારી ભંડોળમાં રાખે છે.
LICના શેરમાં મજબૂત વધારો
ગુરુવારે BSE પર LICના શેર 6.5% વધીને રૂ. 1,112 પર બંધ થયા હતા. શુક્રવારે LICનો શેર 5.08% વધીને રૂ. 1,161.35 પર ટ્રેડ થયો છે. કંપનીના શેરે પાંચ દિવસમાં 17.72% વળતર આપ્યું છે. એક મહિનામાં 33.58% રિટર્ન આપ્યું છે. તેમજ 6 મહિનામાં તેમાં 72.68%નો વધારો થયો છે. આ વીમા કંપનીનો સ્ટોક એક વર્ષમાં 81 ટકાથી વધુ વધ્યો છે.
વડાપ્રધાને LICના વખાણ કર્યા
જણાવી દઈએ કે બુધવારે સંસદમાં વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જીવન વીમા નિગમના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિપક્ષ હંમેશા સરકારી કંપનીઓ વિશે વાત કરે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં LIC જેવી કંપનીઓ વધુ સારું પ્રદર્શન કરી રહી છે.