Columns

ચાલો શોધીએ

એક દિવસ એક પ્રોફેસરે ક્લાસમાં આવીને કહ્યું, ‘ચાલો એક ગેમ રમીએ.આ વર્ગમાં તમને જ્યાં જ્યાં કાળો રંગ દેખાય છે તે શોધો અને કાળા રંગની વસ્તુઓ શોધીને એક લીસ્ટ બનાવો. એક મીનીટમાં જે સૌથી વધુ વસ્તુઓ શોધીને લખી શકશે તેને ઇનામ મળશે. ચાલો,કાગળ પેન લઈને તૈયાર થઇ જાવ.વન…ટુ…થ્રી યોર ટાઇમ સ્ટાર્ટ નાઉ.’ બધા આજુબાજુ નજર દોડાવીને જે કંઈ પણ કાળા રંગનું દેખાય તે વસ્તુ લખવા લાગ્યા.કાળું ટીશર્ટ,બ્લેક બોર્ડ,બ્લેક પેન ,પેન્સિલ,બ્લેક દુપટ્ટો, કાળી બેગ , કાળાં મોજાં, કાળા બુટ.આમ ઘણું શોધાયું અને લખાયું.

એક મિનીટ થઇ ગઈ.પ્રોફેસર બોલ્યા ‘સ્ટોપ , હવે કોઈ લખતા નહિ.બસ મારી વાત શાંતિથી સાંભળજો.’એક વિદ્યાર્થીએ કહ્યું, ‘સર , હું બધાના પેપર ભેગા કરી લઉં અને પહેલાં તમે કહો તો ખરા કોણ જીત્યું છે.’પ્રોફેસર બોલ્યા, ‘ના, ના, હવે તેની કોઈ જરૂર નથી.જરૂરી છે મારી વાત.તમે બધાએ કાળી વસ્તુઓ શોધીને લીસ્ટ બનાવ્યું.કોઈએ દસ વસ્તુ લખી હશે તો કોઈએ પંદર તો કોઈએ વીસ…બરાબર’એક છોકરી બોલી ઊઠી, ‘સર, મેં ટોટલ બાવીસ વસ્તુ લખી છે.’

પ્રોફેસર હસ્યા અને બોલ્યા, ‘હા, તો હવે મારા એક સવાલનો જવાબ આપ કે તેં આ બાવીસ વસ્તુઓ શોધી ત્યારે તને લાલ રંગની વસ્તુઓ કેટલી મળી કે કેટલી પીળી વસ્તુઓ તેં જોઈ?’ છોકરી બોલી, ‘સર, તમે કાળા રંગની વસ્તુઓનું લીસ્ટ બનાવવા કહ્યું હતું એટલે હું કાળા રંગની વસ્તુઓ શોધતી હતી અને એટલે બીજા કોઈ રંગની વસ્તુઓ પર મેં ધ્યાન જ નથી આપ્યું એટલે લાલ રંગ કે પીળા રંગની કેટલી વસ્તુઓ હતી તે મને ખબર જ નથી.મારું પૂરું ધ્યાન કાળા રંગની વસ્તુઓ શોધવા પર જ હતું…એટલે મને આટલી બધી વસ્તુઓ દેખાઈ.’

પ્રોફેસર બોલ્યા, ‘યાદ રાખજો કે આપણે જીવનમાં જે શોધીએ તે જ આપણને દેખાય અને તે જ આપણને મળે …તમે કાળા રંગની વસ્તુઓ શોધતા હતા એટલે તે જ તમને દેખાઈ ..આજુબાજુ બીજા રંગોની વસ્તુઓ હતી પણ તે તમને દેખાઈ નહિ …તેની પર તમારું ધ્યાન ગયું જ નહિ ….આ નિયમ બધે જ લાગુ પડે છે. જીવનમાં પણ તમે જે શોધશો તે જ તમને દેખાશે અને તે જ મળશે. કોઈની ખામીઓ શોધશો તો ખામીઓ દેખાશે.ભૂલો શોધશો તો ભૂલો દેખાશે અને …કામ શોધશો તો કામ મળશે …ખૂબી શોધશો તો ખૂબીઓ દેખાશે …તક શોધશો તો તક મળશે …સાથ શોધશો તો સાથી દેખાશે અને સાથ મળશે… પ્રેમ શોધશો તો પ્રેમ દેખાશે અને પ્રેમ મળશે.’પ્રોફેસરે સરળ રીતે બહુ મહત્ત્વની વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top