Latest News

More Posts

રાજ્યમાં વધતા પ્રદૂષણને રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકારે નોઈડા અને ગાઝિયાબાદમાં ડીઝલ ઓટોરિક્ષા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ આવનાર સમયમાં NCRના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રતિબંધ લાગુ થશે.

ઉત્તર પ્રદેશ સરકારે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવે નોઈડા અને ગાઝિયાબાદ જિલ્લામાં ડીઝલ ઓટોરિક્ષા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એનસીઆર વિસ્તારમાં વાહન પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે થોડા સમય પહેલા જ તબક્કાવાર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. હવે એ આદેશનો અમલ શરૂ થઈ ગયો છે એટેલે હવે ડીઝલ ઓટો ચાલકોને પોતાના વાહન રસ્તા પર ઉતારવાની મંજૂરી નહીં રહે.

આ જિલ્લાઓમાં પણ પ્રતિબંધ લાગશે
સરકારની નવી માર્ગદર્શિકા મુજબ તા. 31 ડિસેમ્બર 2025 પછી બાગપતમાં પણ ડીઝલ ઓટોરિક્ષાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે. આ સાથે મેરઠ, હાપુડ, બુલંદશહેર, મુઝફ્ફરનગર અને શામલીમાં પણ આગામી વર્ષના અંત સુધી પ્રતિબંધ લાગુ કરાશે. મેરઠ RTOએ તો પહેલાથી જ આવા ઓટો માટે નવી પરમિટ અને રિન્યુઅલ બંધ કરી દીધું છે.

સંકલિત અમલ માટે ટીમો તૈયાર
નોડલ અધિકારી તરીકે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગના મુખ્ય સચિવને નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ રાજ્ય સ્તરે પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ (PMU) બનાવવામાં આવ્યું છે. જેમાં શહેરી વિકાસ અને નગર યોજનાના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

યુપી સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલી કાર્યયોજનામાં જણાવાયું છે કે NCRમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ રસ્તાની ધૂળ છે. તેથી રસ્તાના પુનઃવિકાસ, ધૂળ ઘટાડવા માટે સ્માર્ટ સિસ્ટમ્સ, મિકેનિકલ સ્વીપર્સ અને સફાઈ અભિયાનો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ નોઈડા અને ગાઝિયાબાદમાં ડીઝલ ઓટો પર પ્રતિબંધના પગલે એર ક્વોલિટી સુધરશે તેવી અપેક્ષા છે.

નોઈડા અને ગ્રેટર નોઈડામાં અધિકારીઓએ રસ્તાની બાજુની ધૂળ ઘટાડવા માટે એન્ટી-સ્મોગ ગન, સ્પ્રિંકલર્સ અને મિકેનિકલ સ્વીપિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાનું શરૂ કર્યું છે. અધિકારીઓનું માનવું છે કે આ પગલાંથી NCR વિસ્તારમાં હવાના ગુણવત્તામાં મોટો સુધારો થશે.

To Top