Latest News

More Posts

વર્ષ 2016-17માં 1800 રહેવાસીઓને મકાન આપવાનું વચન હજી અધૂરું

સંજયનગર ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સંજય નગર આવાસ મામલે આરટીઆઇના માધ્યમથી માહિતી માંગી છે. તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વર્ષ 2016-17માં 1800 વિસ્થાપિત રહેવાસીઓને 18 મહિનામાં મકાન પૂરાં કરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વચન હજુ સુધી પૂરું થયું નથી.

સંજયનગર આવાસ યોજનાની વિગતો માટે ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરટીઆઈ અરજી કરી છે. આ આરટીઆઈમાં તેમણે કોન્ટ્રાક્ટની તમામ પ્રક્રિયા, સમયગાળો અને કોન્ટ્રાક્ટરના કાર્યની કામગીરી અંગે વિસ્તૃત માહિતી માગી છે.

ચંદ્રકાંત શ્રીવાસ્તવે સંજયનગર આવાસ યોજનાના વિવિધ મુદ્દાઓ પર માહિતી માંગી છે જેમાં કોન્ટ્રાક્ટની જાહેરાત ક્યારે કરવામાં આવી અને એગ્રીમેન્ટ બાદ કામગીરી શરૂ થવામાં કેટલો સમય લાગ્યો ? કોન્ટ્રાક્ટર સમયસર કામ ન કરે તો તેને બ્લેકલિસ્ટ કરવા માટે શું નીતિ અથવા નિયમો છે ? શું 1800 પરિવારોને દર મહિને 2000 રૂપિયાનું વચન પૂરું કરવામાં આવ્યું છે ? સાથે જ તેમણે હયાત જંત્રીના ભાવ અને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારના જંત્રીના ભાવ વિશે પણ અહિતી માંગી છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય સભામાં કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે તીવ્ર વિરોધ કર્યો હતો અને કોન્ટ્રાક્ટરને તરત જ બ્લેકલિસ્ટ કરવા માગ કરી હતી. ચંદ્રકાંત શ્રીવાસ્તવે સભામાં જણાવ્યું કે આ યોજનામાં ઘણી ગેરરીતિઓ થઈ છે, અને વિસ્થાપિત રહેવાસીઓ આજે પણ પોતાના ઘરના હક્ક માટે સંઘર્ષ કરી રહ્યા છે. વિપક્ષના નેતાઓએ દાવો કર્યો હતો કે સત્તાધીશો જનતાના હિતને અવગણીને કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવાનું કાવતરૂ કરી રહ્યા છે. તેઓએ આ મુદ્દે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી.

To Top