Latest News

More Posts

અમદાવાદમાં “ખ્યાતી” હોસ્પિટલનો મોટો કાંડ અત્યારે ચર્ચાનો વિષય છે. દર્દીઓનાં ખોટા ઓપરેશન અને આયુષ્યમાન કાર્ડનાં નાણાં પડાવી લેવાનો કિસ્સો સૌ ચર્ચે છે. હજુ ગાંધીનગરમાં નકલી કોર્ટ અને નકલી ન્યાયાધીશનો પર્દાફાશ ભુલાયો નથી ત્યાં આ કાંડ થયો છે. વિક્રમ સંવત નવુ શરુ થયું છે પણ ગુજરતમાં આવા કાંડ જુના છે. સુરતના તક્ષશિલા કાંડને પાંચ વર્ષ થયા અને રાજકોટમાં ગેમ ઝોનમાં મોતનું તાંડવ સર્જાયું હમણાં વડોદરા રીફાઈનરીમાં આગ લાગી. પહેલા અમદાવાદ જી.આઈ.ડી.સી.માં આગ લાગી હતી. ગુજરતમાં હવે આવા ઘટનાક્રમની નવાઈ નથી લાગતી, હા એટલું ચોક્કસ છે કે ભૌતિક અને મોટા કાંડ થાય તો જ એ ચર્ચા વિષય પણ બને છે. બાકી કારખાનમાં બોઈલર ફટવાથી બે મોત, ગટરમાં સફાઈ કામદારના મોત, બિલ્ડીંગ સાઈટ પર મજૂરનાં મોતનો સિલસિલો ચાલુ જ છે. અને શિક્ષણ આરોગ્ય જેવી જાહેર સેવાઓમાં વ્યાપક અરાજકતાની તો ચર્ચા જ નથી.

મૂળ વાત એ છે કે ગુજરાતમાં સત્તામાં તો ભાજપ છે પણ શાસનમાં કોઈ નથી. નકલી નાકુ ઉભુ કરી રૂપિયા ઉઘરાવો, કોઈ બોલતું નથી. નકલી કચેરીઓ ચલાવી સરકારી ગ્રાન્ટ લઈ લો કોઈ બોલશે નહિ. હોટલો, સિનેમાઘરો, સ્કૂલો, કોલેજો ક્યાંય પણ જાહેર જીવનના કોઈ નિયમો પાળતા નથી. માત્ર જ્યારે દુર્ઘટના થાય છે ત્યારે થોડી હો-હા થાય છે. આવા સમયે બે મહાન ગ્રંથો ટાંકવાનું મન થાય છે- મહાભારત અને રામાયણ.

મહાભારત અને રામાયણ ભારતીય પ્રજાનું માર્ગદર્શન કરનારા મહાન સાહિત્ય ગ્રંથ છે. અત્યંત સૂચક રીતે આ ગ્રંથોમાં પાત્રો, ઘટનાઓ લખાયા છે. ઘણું બધું સિમ્બોલિક છે. રૂપકો વપરાયા છે. જો ધ્યાનથી આ સૂચકો, રૂપકોનાં અર્થ ઉકેલીએ તો આપણને આજના ભારતમાંના ઘણા પ્રશ્નો સમજવામાં અને ઉકેલવામાં મદદ મળે. જેમ કે ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એ દીકરાના અવગુણો માટે આંખ મીંચામણા કરતા પિતાનું પાત્ર છે. અંધ પુત્રપ્રેમ અને એમાંથી ઉદ્ભવતા વિનાશની કથા છે. તો ભીષ્મ એ અત્યાચારી અને અન્યાયી શાસક માટે આંધળી નિષ્ઠાનું પ્રતિક છે.

ભારતમાં અત્યારે રામાયણના આદર્શ પાત્રો કરતા મહાભારતના વાસ્તવિક પાત્રો જોવા મળે છે. ભારતમાં અત્યારે જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. અંબાજીમાં નકલી ઘીનો મુદ્દો હોય કે અમદાવાદમાં હાટકેશ્વર નજીક બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર, મોરબીના પુલની દુર્ઘટના હોય કે નકલી અધિકારીઓના પરાક્રમો. વર્તમાન સરકાર પર અનેક મુદ્દે પ્રશ્નો થયા છે. સરકાર પણ પ્રવચન તો એવા જ કરે છે કે અમે ભ્રષ્ટાચાર દુર કરીશું પણ હકીકત તો કઈ જુદી જ છે. તો આ હકીકત શું છે?

આ દેશની હકીકત એ છે કે દેશમાં થોડાક ભ્રષ્ટ અને અન્યાયી લોકોનું શાસન પુરબહાર ખિલ્યું છે. કારણ કે એમને ભીષ્મ જેવા નિષ્ઠાવાન, પ્રમાણિક લોકો મળી ગયા છે. આ દેશમાં અપ્રામાણિક લોકોનો કારોબાર પ્રામાણિક લોકો નિષ્ઠાથી ચલાવે છે. એટલુ જ નહિ અન્યાય સહન કરવામાં નિષ્ઠા સમજે છે તથા દુખ તો એ વાતનું છે કે, કોઈ આ અન્યાય અત્યાચાર સામે અવાજ ઉઠાવે- ભ્રષ્ટાચારને ખુલ્લો પડે તો એને પેલા અપ્રામાણિક લોકો પહેલા આ પ્રમાણિક નિષ્ઠાવાન લોકોનો ાસામનો કરવો પડે છે. જેમ દુર્યોધનને બચાવવા ભીષ્મ મેદાને પડ્યા હતા તેમ આ પ્રમાણિક લોકો અત્યાચારીઓને બચાવવા મેદાને પડે છે.

જરા ધ્યાનથી જુઓ સમાજ જીવનમાં રાજકીય પાર્ટી હોય, ધાર્મિક સંગઠન હોય, શિક્ષણ સંસ્થા હોય, આરોગ્યની સંસ્થાઓ હોય, બધે જ મૂળ માલિક સત્તા વળાં ભ્રષ્ટ અન્યાયી હોય પણ એમનો વહીવટ કરનારા અત્યંત પ્રમાણિક રીતે વહીવટ કરે. બધા જ ભ્રષ્ટાચાર છુપાવે એટલે આ સંસ્થાનો કોઈ કર્મચારી કે અન્યાયનો ભોગ બનેલો માણસ જ્યારે આ સંસ્થા સામે આવાજ ઉઠાવે તો એને પહેલા પેલા દુરાચારીનો સામનો કરવો નથી પડતો એને પહેલા પ્રામાણિક લોકોનો સામનો કરવો પડે છે.

નકલી અધિકારીઓ અને નકલી નિમણુંકોના કાંડ ખુલે છે તો કોઈને પ્રશ્ન થાય છે કે આટલું બધું આટલો લાંબો સમય કેવી રીતે ચાલ્યું? આ કિસ્સાઓમાં કોઈ ફરિયાદ થઈ મામલો સામે આવ્યો. પણ આપણું મીડિયા, આપડા પત્રકારો આ બાબતો સામે લાવી શક્યા નહિ. આ આશ્રમોમાં જે ચાલે છે તે જ બધું ઘણી શિક્ષણ સંસ્થાઓમાં ચાલે છે. આરોગ્યધામોમાં ચાલે છે. છાપાની ઓફિસો અને ચેનલોના ધંધામાં ચાલે છે. ક્રિકેટમાં ચાલે છે, ફિલ્મોમાં ચાલે છે, પણ આ બધું જ બહાર નથી આવતું. કારણ કે આ બધી જ જગ્યા એ પ્રમાણિક લોકો આ બાબતોની આડે ઊભા છે. ક્યારેય તમે જોયું કે દેશ દુનિયાના ભ્રષ્ટાચાર ખોલનાર પત્રકારે પોતાના અખબાર કે ચેનલમાં થતા શોષણની વાત કરી.

કોઈ શિક્ષણ સંસ્થાના શિક્ષકે પોતાની સંસ્થામાં ચાલતા શોષણની વાત કરી કોઈ ક્રિકેટરે સામેથી ખોટા કામો ખુલ્લા પડ્યા. એકલ દોકલ કિસ્સા સિવાય આવું ક્યાંય થયું નથી અને જ્યાં આવો કોઈ અવાજ ઉઠ્યો ત્યાં એ એકલો પડી ગયો અને માટે જ તે દબાવવો સહેલો થઈ ગયો. જરા નજર દોડાવો આપણી આસપાસ એવા હજારો લોકો છે જે ઘરનાં રોટલા ખાઈ વર્ષોથી અન્યાયી શાસકોનું ભલું કરી રહ્યા છે. થિયેટરના મેનેજરો બહુ ઓછા પગારમાં વર્ષોથી ખોટા હિસાબો સાચવી રહ્યા છે. શિક્ષકો અને આચાર્યો નિષ્ઠાપૂર્વક ટ્રસ્ટીઓનાં ખિસ્સા ભરી રહ્યા છે. રાજકીય પાર્ટીના સભ્યો પોતાના નેતાના ભ્રષ્ટાચાર અને અન્યાયો બચાવવા મહેનત કરી રહ્યા છે. ધર્મ ગુરુઓના શિષ્યો જ અધર્મને બચવી રહ્યા છે.

જ્યાં જુઓ ત્યાં ધૃતરાષ્ટ્ર છે. ભીષ્મ છે. પણ જટાયુ અને વિભીષણ ક્યાય નથી. મહાભારતમાં કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે, તે ખરેખર તો ભીષ્મને સમજવાનો છે કે ધર્મના (ફરજના) પાલનમાં સંબંધો વચ્ચે ન આવે. આપણી નિષ્ઠા વ્યક્તિ માટે નહિ વિચાર માટે હોવી જોઈએ. કલ્યાણ માટે હોવી જોઈએ. આ દેશની વર્તમાન સ્થિતીમાં તે આ અપ્રામાણીક લોકોની નિષ્ઠાપૂર્વક સેવા કરનારા વધારે જવબદાર છે. આપણે અર્જુન અને વિભીષણમાંથી પ્રેરણા લેતા થઈએ અને ભીષ્મે કરેલી ભૂલ ના કરીએ તો જ કંઈ વાત બને.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top