મુંબઈ: મંગેશકર પરિવાર માટે આવનારી 24 એપ્રિલ ખૂબ જ ખાસ બનવાની છે. કારણ કે આ દિવસે તેઓ એક ખાસ પુરસ્કાર (Awards) શરૂ કરવા જઈ રહયા છે. સ્વર કોકિલા અને ભારત રત્ન સ્વ.લતા મંગેશકરની યાદમાં તેમના પરિવારે સોમવારે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારની શરૂ કરવા અંગેની જાહેરાત કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા એવા વ્યક્તિ બનશે જે લતા દીનાનાથ મંગેશકર પુરુસ્કાર મેળવશે.
લતા મંગેશકર અને તેમના પિતા દીનાનાથ મંગેશકરની યાદમાં તેમના પરિવારે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર અંગેની જાહેરાત કરી છે. જાણવી દઈએ કે આ પુરસ્કાર દર વર્ષે 24મી એપ્રિલે માસ્ટર દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ પર દેશની એવી વ્યક્તિને આપવામાં આવશે કે જેમણે પોતાનું સમગ્ર જીવન સમાજ અને દેશની સેવામાં સમર્પિત કર્યું હોય. આ પુરસ્કારની શરૂઆત આ વર્ષથી થવાની છે. આ વર્ષે આ પહેલો પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવશે. મંગેશકર પરિવારના જણાવ્યા અનુસાર 24 એપ્રિલે ગુરુ દીનાનાથ જીનો 80મો સ્મૃતિ દિવસ છે અને તે અવસર પર તેઓ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારની સ્થાપના કરવા જઈ રહ્યા છે. તેઓએ આ પુરસ્કાર વિશે વધારે જણાવતા કહ્યું હતું કે આ પુરસ્કાર દર વર્ષે માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે. જેણે રાષ્ટ્ર અને સમાજ માટે માર્ગદર્શક તરીકે સેવા આપીને અનુકરણીય યોગદાન આપ્યું હોય.
મંગેશકર પરિવારે વધુમાં જણાવ્યું હતું કે તેમને એ જાહેર કરતાં આનંદ અને સન્માન અનુભવાય છે કે આ એવોર્ડના પ્રથમ વિજેતા અન્ય કોઈ નહીં પણ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. જે આપણા સૌના આદરણીય નેતા છે. તેઓ એક આંતરરાષ્ટ્રીય રાજકારણી છે જેમણે ભારતને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર મૂક્યું છે. આપણા પ્રિય રાષ્ટ્રમાં દરેક પાસાઓ અને પરિમાણમાં જે અદ્ભુત પ્રગતિ થઈ રહી છે તે તેમનાથી પ્રેરિત છે અને આ પુરસ્કાર સ્વીકારવા બદલ તેમનો પરિવાર અને ટ્રસ્ટ નરેન્દ્ર મોદીનો આભાર માનશે.
આ કાર્યક્રમ રવિવાર 24 એપ્રિલે સનમુખાનંદ હોલ, સાયન, મુંબઈ ખાતે યોજાશે. જેમાં મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સંગીત, નાટક, કલા, તબીબી વ્યાવસાયિકો અને સામાજિક કાર્ય ક્ષેત્રના દિગ્ગજ લોકોને સન્માનિત કરશે. આ કાર્યક્રમના મહેમાનોના લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રાહુલ દેશપાંડે, આશા પારેખ અને જેકી શ્રોફના નામ સામેલ છે. આ ઉપરાંત નૂતન મુંબઈ ટિફિન બોક્સ સપ્લાયર્સ ચેરિટી ટ્રસ્ટનું નામ પણ સામેલ છે. આ કાર્યક્રમમાં એક કોન્સર્ટ છે જેનું નામ સ્વર લતાંજલિ છે. જેમાં લતા મંગેશકર દ્વારા ગાયેલા યાદગાર ગીતોની રજૂઆત કરવામાં આવશે.