તા. 21-06-2022 ના અંકમાં ટુ ધ પોઈન્ટ કોલમમાં એના લેખક દ્વારા અગ્નિપથ યોજના વિશેના વિચાર વાંચી દુ:ખદ આંચકો લાગ્યો. બિલકુલ સમજ્યા વિના રોડ પરના યુવાનો જેવા વિચાર! ખેર, એ એમનો વ્યક્તિગત અભિપ્રાય છે. આજની તારીખે લશ્કરમાં 46 લાખ સૈનિક છે અને એ 46 વર્ષે નિવૃત્ત થાય છે. તેમને અંદાજે 30 વર્ષ સુધી પેન્શન આપવું પડશે. જે લાખો – કરોડોનું થાય. આ પૈસા આખરે તો પ્રજાએ ચૂકવેલા કરવેરામાંથી આવે છે. એટલે જ આપણા દેશની આવકનો સારો એવો ભાગ એમાં વપરાય છે. એવી જ રીતે વિધાનસભ્યો ને સાંસદોને પણ આજીવન પેંશન મળે છે. તે પણ સત્વરે બંધ કરવાની જરૂર છે.
જેથી દેશના વિકાસ અને પાયાની જરૂરિયાત માટે એનો ઉપયોગ થઈ શકે પણ દુ:ખદ આંચકો ત્યારે લાગ્યો કે લેખકને આમાં પણ અદાણી, અંબાણી અને બીજા મોટા ઉદ્યોગપતિને ફાયદો થશે એવી એમની માન્યતા છે. એમને કદાચ ખબર નથી કે એ લોકો કેટલા રોજગાર આપે છે અને હજારો કરોડો રૂપિયા કરવેરા પેટે આપે છે. કોઈ પણ દેશ ઉદ્યોગપતિઓ વિના ચાલી ન શકે. આજે ચીનમાં આટલા ઉદ્યોગો વિકસ્યા છે, એટલે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં એની ગણના થાય છે. આપણે તો પોરસાવું જોઈએ કે આપણા ઉદ્યોગપતિઓ દુનિયાના પહેલા 10 મા સ્થાન ધરાવે છે. એમને લશ્કરમાં કોઈ ઈન્ટરેસ્ટ નથી કે એમાંથી થતી કોઈ આવકમાં.
હૈદરાબાદ – જીતેન્દ્ર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.