નડિયા: બોરસદ તાલુકાના મોટી શેરડી ગામમાં લગ્નપ્રસંગના વરઘોડા વચ્ચેથી પસાર થતી ગાડી એક ઈસમને અડી જતાં ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં વરઘોડામાં હાજર ટોળાએ ગાડી ઉપર હુમલો કરી, કાચ તોડી નાંખી, તેના ચાલકને મારમાર્યો હતો. જે બાદ વિફરેલાં ટોળાંએ ગાડીચાલકના ઘરે જઈને પણ હુમલો કરતાં મામલો ગરમાયો હતો. દરમિયાન બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો પણ થયો હતો. આ સમગ્ર ધીંગાણામાં બંને પક્ષના મળી કુલ ૯ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે ભાદરણ પોલીસે બંને પક્ષોની ફરીયાદ લઈ કુલ ૩૫ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બોરસદ તાલુકાના મોટી શેરડી ગામમાં આવેલ ઈન્દિરાનગરી વિસ્તારમાં રહેતાં અરવિંદભાઈ દીપસીંગ મકવાણા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમના પત્નિ મંજુલાબેન ઉર્ફે જ્યોત્સનાબેન અને પુત્ર મહેશ ગત શનિવારના રોજ બપોરના સમયે ગાયો-ભેંસો માટેનો ઘાસચારો લેવા માટે પોતાની ઈકો ગાડી લઈને ગામની સીમમાં ગયાં હતાં. ઘાસચારો લીધાં બાદ તેઓ મોડી સાંજના સમયે ગાડી લઈને પરત ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે વખતે દુધની ડેરી પાસે રસ્તા વચ્ચે વરઘોડો પસાર થઈ રહ્યો હતો. વરઘોડામાં સામેલ લોકો ડી.જેના તાલે ગરબે ઘુમી રહ્યાં હોવાથી અવરજવરનો રસ્તો રહ્યો ન હતો. જેથી મહેશે પોતાની ગાડી સાઈડમાં ઉભી રાખી હતી. તે વખતે વરઘોડામાંથી ધનરાજસિંહ ભુપેન્દ્રભાઈ ઝાલાએ ગાડી આગળ લઈ જવા જણાવ્યું હતું. જેથી મહેશે પોતાની ગાડી ધીમી ગતિએ આગળ જવા દીધી હતી.
દરમિયાન વરઘોડામાં સામેલ એક ઈસમને ગાડી અડી જતાં મામલો બિચક્યો હતો અને ટોળાએ ગાડી ઘેરી લીધી હતી. આ ટોળા પૈકી ધવલ યોગેન્દ્રસિંહ ઝાલા અને જયદિપસિંહ અશોકભાઈ ઝાલાએ ગાડીના ડ્રાઈવર સાઈડનો કાચ તોડી ચાલક મહેશ ઉપર હુમલો કર્યો હતો. જે દરમિયાન ગાડીનો તુટેલો કાચ વાગવાથી ધવલને ઈજા પહોંચી હતી. બીજી બાજુ ટોળાએ ગાડીનો પાછળનો કાચ પણ તોડી નાંખ્યો હતો. જેથી મહેશે ગાડી ચાલું કરી ઘર તરફ હંકારી મુકી હતી. જોકે, ઉશ્કેરાયેલું ટોળું લાકડીઓ, ડંડા, તલવાર જેવા હથિયારો લઈને ગાડીની પાછળ-પાછળ ઘર સુધી પહોંચી ગયું હતું. જ્યાં મહેશ, તેની માતા મંજુલાબેન અને કાકા સુરેશભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
જેથી વાતાવરણ તંગ બન્યું હતું અને બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં બંને પક્ષના મળી કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થિતી કાબુમાં લીધી હતી. આ બનાવ અંગે ભાદરણ પોલીસે મંજુલાબેન મકવાણાની ફરીયાદને આધારે જયદિપસિંહ ઝાલા, મિતેષ ઝાલા, મહિપતસિંહ ઝાલા, બળવંતસિંહ ઝાલા, જનુભાઈ ઝાલા, જયદીપભાઈ ઝાલા, ગૌતમભાઈ ઝાલા, અશોકભાઈ ઝાલા, કમલેશભાઈ ઝાલા, નરેન્દ્રભાઈ ઝાલા, સુરપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, નિકુંજસિંહ ઝાલા, મુકેશભાઈ ઝાલા, મહેશભાઈ ઝાલા, અલ્પેશભાઈ ઝાલા અને ધવલ ઝાલા સામે તેમજ સામેપક્ષે સુરપાલસિંહ ઝાલાની ફરીયાદને આધારે જગદીશભાઈ મકવાણા, હર્ષદભાઈ, મહેશભાઈ ઉર્ફે શનો મકવાણા, ગુલાબસિંહ મકવાણા, ભરતસિંહ મકવાણા, સુરેશભાઈ મકવાણા, ગીરવતભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, પંરજભાઈ મકવાણા, અર્જુનભાઈ મકવાણા, કરણભાઈ મકવાણા, ગુલાબસિંહ મકવાણા, જગદીશભાઈ સરપંચનો ભાણો પપ્પુ, ધવલભાઈ પરમાર, ઘનશ્યામભાઈ મકવાણા, જીગ્નેશભાઈ ઝાલા, મીતરાજ મકવાણા અને ઘનશ્યામભાઈ મકવાણા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.