કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાના પગલે મોટા શહેરો તબાહ થઇ ગયા છે. આ યુદ્ધના પગલે લોકો યુક્રેન છોડીને અન્ય દેશોમાં પલાયન કરી રહ્યા છે. યુદ્ધના ૧૭માં દિવસે રશિયાની સેનાએ યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયર ઇવાન ફેડોરોવનું અપહરણ કર્યું હતું. યુક્રેનની સંસદના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપવામાં આવી છે. ઇવાને રશિયાના સૈન્યને સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો.
ISISના આતંકીઓ જેવું કૃત્ય : ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું- આ ISISના આતંકીઓ જેવું કૃત્ય છે. આ રશિયાની સેનાની નબળાઈની નિશાની છે. તેઓ યુક્રેનિયન અધિકારીઓના પ્રતિનિધિઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેલિટોપોલના મેયરનું અપહરણ કરવું એ સમુદાય વિરુદ્ધ ગુનો છે. રશિયાની સેના ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ જેવું કૃત્ય કરી રહી છે.યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે શુક્રવારે હ્યુમન કોરિડોર દ્વારા કુલ 7,144 યુક્રેનિયનોને ચાર શહેરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રશિયા છેલ્લા 17 દિવસથી કિવ પર હુમલો કરી રહ્યું છે.
યુક્રેનમાં રહેણાક વિસ્તારો પર હુમલાના આરોપ
રશિયાના સૈન્ય પર હવે યુક્રેનને શક્ય એટલી વહેલી તકે આત્મસમર્પણ કરવા દબાણ કરવાના પ્રયાસમાં રહેણાક વિસ્તારોને નિશાન બનાવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. યુક્રેનના અધિકારીઓએ રશિયાના સૈન્ય પર મારિયુપોલમાં રહેણાક વિસ્તારો પર બોમ્બમારો કર્યા પછી બંદર શહેર માયકોલેવમાં નાગરિકોનાં ઘરો પર રોકેટ હુમલાનો આરોપ લગાવ્યા છે. રશિયન આર્મી દ્વારા યુક્રેનની રાજધાની કિવની બહારના એક નાનકડા શહેર મોશચુનમાં ઘરોમાં આગ લગાવવામાં આવી હતી.
બ્રોવરીમાં રશિયન સૈનિકોનો હવાઈ હુમલો
યુદ્ધ વચ્ચે રશિયન સેના હવે કિવને ઘેરવાની તૈયારી કરી રહી છે. ઓડેસામાં સવારથી ગોળીબાર ચાલુ છે. બીજી તરફ રશિયન સૈનિકોએ પણ કિવ પર બોમ્બમારો કર્યો હતો. રશિયા હવે કિવને ઘેરી લેવા માટે બ્રોવરીમાં હુમલા વધારી રહ્યું છે. રશિયન સૈનિકોએ બ્રોબરીમાં જોરદાર ગોળીબાર કર્યો હતો. જેના કારણે ફૂડ સ્ટોરેજના ગોડાઉનમાં આગ લાગી હતી.
રશિયાને ઘેરવા માટે અમેરિકાએ મોકલા 12 હજાર સૈનિક
બીજી તરફ અમેરિકાએ રશિયાને ઘેરવા માટે 12,000 સૈનિકો મોકલ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે અમે નાટોના દરેક ક્ષેત્રના દરેક ઇંચની સુરક્ષા કરીશું. આ સાથે જ તેમણે યુક્રેનમાં ત્રીજું વિશ્વ યુદ્ધ ન લડવાનો પણ આગ્રહ કર્યો હતો. રશિયન સેનાએ યુક્રેનના લુત્સ્કમાં ગોળીબાર કર્યો. જેમાં 4 જવાનો શહીદ થયા હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.