સુરત: વેસુ (Vesu)ની કીમતી જમીન વેચવા કારસો (Land scam) ઘડનારાઓને ખુદ જમીન માલિકે ખરીદીના બહાને મીટિંગ (meeting)માં બોલાવી છટકું (trap) ગોઠવી ઉમરા પોલીસ (Umra police)ને હવાલે કર્યા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં કાર લે-વેચનું કામ કરતા વધુ એકની ધરપકડ (Arrest) કરી હતી. જફરખાનને બોગસ સહીઓ અને ફોટો યૂઝ કરવા માટે 50 હજાર રૂપિયા મળ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ સુરત (Surat)ના વેસુ વિસ્તારની કરોડોની કીમતી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચવા માટે ફરી રહેલા અને પોતાની ઓળખ વડોદરા આઈ.બી.ના પીઆઈ તરીકે આપનાર એચ.બી.ગોહિલ (હિતેષભાઈ બઘાભાઈ ગોહિલ) (રહે.,મકરપુરા, વડોદરા તથા જૂનાગઢ) અને તેના બે સાગરીત ઈક્ષિતસિંહ કિરણપાલસિંહ પરમાર (રહે.,જુનાગઢ) અને નાથાભાઈ રત્નાભાઈ ભરવાડ (રહે.,ભાવનગર)ને ખુદ જમીન માલિક વિમલભાઈ પટેલે ખરીદીના બહાને મીટિંગમાં બોલાવી છટકું ગોઠવી ઉમરા પોલીસને હવાલે કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ટોળકીએ વિમલભાઈ પટેલ તથા શીલાબેન ઈશ્વરભાઈ જરીવાલાની માલિકીની વેસુના સરવે/બ્લોક નં.153/2થી નોંધાયેલી ખેતીની જૂની શરતની જમીનના બાના પેટે રૂ.21 લાખની બોગસ સોદા ચિઠી તથા ચૂંટણી કાર્ડ બનાવી સોદા ચિઠ્ઠીમાં વિમલભાઈની સહી, અંગૂઠો તથા ફોટો બોગસ બનાવી દીપક ચંદુલાલ મિસ્ત્રીને રૂ.23.51 કરોડમાં વેચી હતી. તેના બાના પેટે ટોળકીએ બેન્ક ઓફ બરોડા નાનપુરા શાખાના વિમલભાઈ પટેલ તથા શીલાબેન જરીવાલાના ફેવરના રૂ.15-15 લાખના બે અલગ અલગ ચેકો પણ લીધા હતા.
ઉમરા પોલીસે આ અંગે વિમલભાઈના મોટા ભાઈ બિલ્ડર પીયૂષભાઈ રણછોડભાઈ પટેલ (ઉં.વ.43) (રહે.,બંગલા નં.એ/35, સર્જન સોસાયટી, સરગમ શોપિંગ સેન્ટરની સામે, ડુમસ રોડ, સુરત)ની ફરિયાદના આધારે હિતેષ ગોહિલ, ઈક્ષિતસિંહ પરમાર, નાથાભાઈ ભરવાડ અને વિમલભાઈ પટેલના નામનો ફોટો ધારણ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી હતી. ગયા મહિને હિતેશભાઈને આ બોગસ સાટાખત બનાવી આપી વેચાણ કરનાર અને સાક્ષીના બોગસ સહી સિક્કા કરાવનાર માસ્ટર માઈન્ડ મહિલા જમીનદલાલ રીટાબેનની ધરપકડ કરી હતી.
ઉમરા પોલીસે આ કેસમાં કાર લે-વેચનું કામ કરતા 55 વર્ષીય જફરખાન ઉર્ફે જાફરછત્રી અનવરખાન પઠાણ (રહે.,બહાદુર એપાર્ટમેન્ટ, કાદરશાહની નાળ, તથા ફ્લેટ નં.૩૦૪, શાલીભદ્ર એપાર્ટમેન્ટ, કાદાશાહની નાળ, સગરામપુરા)ની ધરપકડ કરી હતી. જફરખાનના ફોટોનો ઉપયોગ કરાયો હતો. તથા તેની બોગસ સહી કરી બોગસ જમીનમાલિક બન્યો હતો.