ગાંધીનગર: મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે તાજેતરમાં વિધાનસભામાં પસાર કરાયેલા વિધેયકની કડક જોગવાઈ સામે માલધારી સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરાયો છે. એટલું જ નહીં માલધારી સમાજ દ્વારા આ કાયદો પાછો ખેંચવાની માંગ કરાઈ છે.
- મુખ્યમંત્રીએ ઢોર નિયંત્રણ માટેના વિધેયકને મોકૂફ રાખવાની ખાતરી આપી : રણછોડ દેસાઈ
- દાદા અને માલધારી સમાજના અગ્રણીઓ વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ
આ મુદ્દે ગુરૂવારે સવારે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા માલધારી સમાજના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકના અંતે ભાજપના માલધારી સમાજના અગ્રણી તથા પૂર્વ મંત્રી રણછોડ દેસાઈએ કહ્યું હતું કે ચર્ચાના અંતે મુખ્યમંત્રીએ વિધેયકને મોકૂફ રાખવાની ખાતરી આપી છે. જેમાં મહાનગરોમાં રખડતાં ઢોરની સમસ્યા નિવારવા માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા નવા વિધેયક સામે માલધારી સમાજ દ્વારા વિરોધ કરાયો હતો. બેઠકમાં દંડની તથા કેદની જોગવાઈ વધારે હોવાથી આ વિધેયક રદ કરવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત શહેરની ફરતે જમીન આપવા માંગ કરી હતી. રાજ્ય સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન ઈશ્યુ થયું નથી, જો કે ભાજપના પૂર્વ મંત્રી રણછોડ દેસાઈએ કહ્યું હતું કે સરકાર વિધેયકને મોકૂફ રાખવા સંમત થઈ ગઈ છે.