લોકશાહીમાં લોકોની ઇચ્છા સર્વોપરી હોવી જોઈએ. સંસદ દ્વારા કોઈ પણ કાયદાઓ ઘડવામાં આવે તો તે સંબંધિત લોકોને વિશ્વાસમાં લઈને જ ઘડવા જોઈએ. જો કોઈ કાયદો સંસદમાં પસાર થઈ જાય અને લાગતાવળગતા લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવે તો સરકારે તે કાયદા રદ કરવા જોઈએ. ભારતની લોકશાહી કંઈક અલગ જ રીતે કામ કરી રહી છે. ભારતની સંસદ દ્વારા કેટલાક મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના ફાયદા માટે ત્રણ કૃષિ કાનૂનો ઘડવામાં આવ્યા હતા.
કાયદાઓ ઘડતાં પહેલાં કોઈ કિસાન સંગઠનનો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો. કાયદાઓ અમલમાં આવ્યા તે પછી ભારતભરના કરોડો કિસાનોનું વિરાટ આંદોલન તેની સામે પેદા થયું હતું. આ આંદોલન દસેક મહિના ચાલ્યું તે પછી પણ સરકાર કાળા કાયદાઓ પાછા ખેંચવા તૈયાર નથી. કિસાનોની વાજબી ચિંતાનો જવાબ આપવાને બદલે સરકાર હવે જુલમી બની રહી છે. પોતાની તમામ તાકાત વાપરીને તે કિસાન આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશના લખીપુરમાં રવિવારે જે ઘટના બની તે સરકારના ઘમંડનું ઉદાહરણ છે. ઉદ્યોગપતિઓના દલાલ તરીકે કામ કરી રહેલી સરકાર કિસાન આંદોલનને કચડવાના પ્રયાસો કરી રહી છે તેના દેશવ્યાપી પડઘા પડી રહ્યા છે.
કિસાનોની વિટંબણા સમજવાને બદલે કેન્દ્રના પ્રધાનો તેમને દેશદ્રોહી કે ખાલિસ્તાનવાદી ઠરાવીને તેમનો જુસ્સો તોડી પાડવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. આ પુરુષાર્થના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી અજય મિશ્રા દ્વારા કિસાનોને બેફામ ગાળો ભાંડવામાં આવી હતી. તેનો વિરોધ કરવા લખીમપુર ખેરીમાં ભેગા થયેલા કિસાનો પર મંત્રીપુત્ર આશિષ મિશ્રાએ પોતાની મોટર કાર ચડાવી દીધી હતી અને ચાર કિસાનોને કચડી નાખ્યા હતા. પાંચમા કિસાનને મંત્રીપુત્રે પોતાની બંદૂકથી ઠાર માર્યો હતો. આ હુમલાથી ઉશ્કેરાયેલા કિસાનોએ તેની કારને આગ ચાંપી હતી અને ત્રણને રહેંસી નાખ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નજીક આવી રહી હોવાથી આંદોલન રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
કિસાનો દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ રવિવારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્ય અને કેન્દ્રના પ્રધાન અજય મિશ્રા લખીમપુર ખેરીની મુલાકાતે આવવાના હોવાથી કિસાનો દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મંત્રીપુત્ર આશિષ મિશ્રા પોતાના ૨૦-૨૫ સાગરીતો સાથે ત્રણ વાહનોમાં આવ્યો હતો. આશિષ પોતાની કાર મહિન્દ્રા જીપમાં ડાબી તરફ બેઠો હતો. તેણે બનવારીપુર મીટિંગના સ્થળે જઈ રહેલા કિસાનો પર આડેધડ ગોળીબાર કરવાનું ચાલુ કરી દીધું હતું. તેના ડ્રાઇવરે કિસાનોનાં ટોળાં પર કાર ચલાવી દીધી હતી. કિસાનોમાં નાસભાગ મચી જતાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ખાડામાં જઈને પડી હતી. મંત્રીપુત્ર કારમાંથી ઊતરીને ભાગી ગયો હતો. આ હુમલામાં ચાર કિસાનો અને તેમનો હેવાલ લેવા આવેલો એક પત્રકાર પણ કચડાઈને મરી ગયા હતા.
મંત્રીપુત્ર દ્વારા બંદૂક વડે કિસાનની હત્યા કરવામાં આવી તેના તમામ પુરાવાઓ ઉપલબ્ધ હોવા છતાં ઉત્તર પ્રદેશની પોલીસ હવે પોતાની તમામ તાકાતથી મંત્રીપુત્રને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. ગોળીબારનો ભોગ બનેલા કિસાનનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું તેના રિપોર્ટમાં પણ ઘાલમેલ કરીને તેને આંતરિક ઇજાથી મરેલો જાહેર કર્યો હતો. કિસાનના પરિવારે આ રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને ફરીથી પોસ્ટ મોર્ટમ કરવાની માગણી કરી છે. હજુ સુધી મંત્રીપુત્રની ધરપકડ કરવામાં આવી નથી. દરમિયાનમાં પ્રિયંકા ગાંધી સહિત જેટલા વિપક્ષી નેતાઓએ લખીમપુર ખેરી જઈને જાતતપાસ કરવાની કોશિષ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના આરોપીની ધરપકડ કરવામાં સંકોચ અનુભવતી ઉત્તર પ્રદેશની પોલીસ રાજકીય આગેવાનોની ધરપકડ કરીને પોતાની શૂરવીરતા સાબિત કરી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે કિસાન આગેવાનો સાથે સોદાબાજી કરી છે. તેણે કિસાન આગેવાનોને ન્યાયાલીન તપાસનું વચન આપ્યું છે.
ઉત્તર પ્રદેશમાં આવતા ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી વિપક્ષોને ભાજપનો વિરોધ કરવા માટેનું ધારદાર હથિયાર મળી ગયું છે. કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધી ઉપરાંત સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ સૂંઠ ખાઇને સરકાર પાછળ પડી ગયા છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કિસાન નેતા રાકેશ ટિકૈત ત્યાં પહોંચી ગયા હતા અને ભાજપને હરાવવા માટે જોરદાર પ્રચાર કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં તેઓ અત્યારથી ભાજપને હરાવવાની વાતો કરી રહ્યા છે. તેમની કિસાન પંચાયતમાં લાખોની મેદની ઉમટી રહી છે.
ગયા નવેમ્બર મહિનામાં કિસાન આંદોલન શરૂ થયું ત્યારથી ભાજપનું વલણ કિસાનોની માગણીઓ માટે સહાનુભૂતીથી વિચારવાને બદલે તેને બદનામ કરવાનું રહ્યું છે. ભાજપના મીડિયા સેલ દ્વારા સતત કિસાનોને દેશદ્રોહી ગણાવતા સંદેશાઓ પ્રસારિત કરાઈ રહ્યા છે. હરિયાણાના કર્નાલમાં પ્રદર્શન કરવા ભેગા થયેલા કિસાનોનાં માથાં ફોડી નાખવાની સૂચના જિલ્લા અધિકારી દ્વારા આપવામાં આવી હતી. પોલીસ દ્વારા ખરેખર કિસાનો પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
કિસાનો દ્વારા તેની સામે ઉગ્ર આંદોલન કર્યું હતું. છેવટે હિંસાનો આદેશ આપનારા અધિકારીની બદલી કરવામાં આવી તે પછી મામલો શાંત પડ્યો હતો. હમણાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનહરલાલ ખટ્ટર દ્વારા તોફાનીઓને કિસાનોને લાકડીથી મારવાની સલાહ આપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મંત્રીપુત્રે તો ગોળીબાર કરીને તેનાથી મોટું દુસ્સાહસ કર્યું હતું. કિસાન કાયદાઓ જેમના લાભાર્થે ઘડવામાં આવ્યા હતા તેઓ પડદા પાછળ રહીને તમાશો જોઈ રહ્યા છે. તેમની પાસેથી કરોડો રૂપિયા લઈને ચૂંટણી લડનારા નેતાઓ તેમની દલાલી કરી રહ્યા છે.
ભારતની સંસદ કે સરકાર લોકશાહીની હત્યા કરતી હોય કે પ્રજાના બંધારણીય અધિકારો પર આક્રમણ કરતી હોય ત્યારે તેનું રક્ષણ કરવાની જવાબદારી સુપ્રિમ કોર્ટને સોંપવામાં આવી છે. કિસાનોના અધિકારો બાબતમાં સુપ્રિમ કોર્ટ દુર્યોધનની ભૂમિકા ભજવી રહી છે. લાખો કિસાનો ટાઢ, ગરમી અને વરસાદની પરવા કર્યા વિના જીવ પર આવીને આંદોલન કરી રહ્યા છે. તેમને ન્યાય આપવાને બદલે સુપ્રિમ કોર્ટ તેમના આંદોલન કરવાના અધિકાર સામે સવાલ ખડા કરી રહી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આંદોલન કરી રહેલા કિસાન સંગઠનોને નોટિસ આપવામાં આવી છે, પણ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાવામાં આવેલા કાયદાઓની સમીક્ષા કરવા સુપ્રિમ કોર્ટ તૈયાર નથી.
કોઈ પણ સ્પ્રિંગને થોડી દબાવવામાં આવે છે ત્યારે તે દબાઈ જાય છે, પણ વધુ દબાવતા તે રિબાઉન્ડ થાય છે. કિસાનો મહિનાઓથી શાંત આંદોલન કરી રહ્યા હતા. તેને કારણે ભયભીત થયેલા ભાજપના નેતાઓ હવે બેબાકળા થયા છે. તેમને ઉત્તર પ્રદેશમાં સત્તા ગુમાવવાનો ડર પેદા થયો છે. આ કારણે તેઓ કિસાનોને દબાવીને નમાવવાની કોશિષ કરી રહ્યા છે. લખીમપુરની ઘટના કિસાન આંદોલનનો ટર્નિંગ પોઈન્ટ બની જાય તેવી છે. કિસાનોની ધીરજની અને સહનશક્તિની હવે હદ આવી ગઈ હોવાનું જણાય છે. ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ ગમે ત્યારે જાગી ઊઠશે. કેન્દ્ર સરકાર કિસાન આંદોલનને કચડી નાખવા તેની જ રાહ જોઈ રહી છે. આવનારા દિવસો અજંપાના રહેવાના છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.