વડોદરા : વડોદરા શહેરના માંજલપુર દીપ ચેમ્બર્સ લિટલ ફ્લાવર ખાતેના વેક્સિનેશન સેન્ટર પર અવ્યવસ્થા સર્જાઈ હતી. વેક્સિનનો સ્ટોક ખૂટી જતા બીજો ડોઝ મુકાવા આવેલા લોકો વેક્સિનથી વંચિત રહી જતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.અને સરકાર રજીસ્ટ્રેશન કર્યા વિના વેક્સિન મુકાવી શકાશેની ખોટી જાહેરાતો કરી રહી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
શહેરના માંજલપુર ખાતે આવેલા લિટલ ફ્લાવર સ્કુલ ખાતેના કોરોના રસીકરણ કેન્દ્ર ખાતે રસીકરણ માટે સવારથી જ લાંબી લાંબી કતારોમાં લોકો ઉભા રહી પોતાના રસી માટે રાહ જોતા હતા. પરંતુ તે દરમિયાન સ્ટાફ દ્વારા કોવેક્સિનનો સ્લોટ જે પચાસ અન-રજીસ્ટર્ડ માટે તથા પચાસ રજીસ્ટ્રેશન કરાવેલા લોકો માટે કેન્દ્ર ખાતે આપવામાં આવ્યો હતો.તે સ્લોટ પૂરો થયો હોવાનું જણાવતા પોતાના કામધંધા નોકરી,ઘરકામ છોડી સવારથી લાઇનમાં ઉભેલા લોકો ભડક્યા હતા અને તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રસીનો બીજો ડોઝ લેવા આવેલા સંજયભાઈએ જણાવ્યું હતું કે સવારના 11 વાગ્યાથી અહીં ઉભા છે.વેક્સિનનો બીજો ડોઝ લેવા આવ્યો છે.કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા ત્યાર બાદ ના પાડવામાં આવી કે નહીં મળે.જેણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.તે વ્યક્તિઓને જ મળશે. તંત્રની ઘણી બેદરકારી કહેવાય. ખોટી જાહેરાતો ના કરવી જોઈએ.જ્યારે રસી મુકાવા આવેલા જીગરભાઈ પંચાલે જણાવ્યું હતું કેહું બીજો ડોઝ મુકાવા માટે આવ્યો હતો.પરંતુ તંત્રની બેદરકારીને કારણે મુકાવી શક્યો નહીં તેમ જણાવ્યું હતું.