SURAT

સુરત એરપોર્ટ પર ટેક્સીના ભાડાં ટ્રેનની ટિકીટ કરતાં મોંઘા

સુરત: સુરતનાં કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ (Surat Airport) પર પ્રીપેડ ટેક્ષી (Prepaid Taxi) બુથની સુવિધાનાં અભાવે ખાનગી ટેક્ષી ચાલકોને જાણે પેસેન્જરોને (Passenger) લૂંટવાનો પરવાનો મળ્યો હોય એમ આડેધડ ભાડું (Taxi Fair) વસૂલી રહ્યાં છે. સુરત એરપોર્ટના ટેક્ષી માફિયા તરીકે જાણીતા બનેલાં ખાનગી ટેક્ષી ચાલકો એરપોર્ટ નજીક આવેલાં વેસુનાં 200, પીપલોદ 400, પારલે પોઇન્ટ 500, અડાજણ 600 અને કતારગામનું 1500 રૂપિયા ભાડું વસૂલી રહ્યાં છે છતાં એમને રોકનાર કોઈ નથી. આ ટેક્ષી માફિયાઓ એરપોર્ટ પર હાજર ઓલા, ઉબેર જેવી એજન્સીઓનાં ડ્રાઈવરોને ધમકાવી એમનાં પેસેન્જર કારમાં ન બેસે ત્યાં સુધી એપ બંધ રખાવે છે.

  • સુરત એરપોર્ટ પર પ્રીપેડ ટેક્સી બુથનાં અભાવે ખાનગી ટેક્ષી ચાલકોની ઉઘાડી લૂંટ
  • એરપોર્ટ નજીક આવેલાં વેસુનાં 200, પીપલોદ 400, પારલે પોઇન્ટ 500, અડાજણ 600 અને કતારગામનું 1500 રૂપિયા ભાડું

ગઈકાલે રાતે 8.15 કલાક દરમિયાન એરપોર્ટ પર મુખ્યમંત્રીનાં બંદોબસ્તનો કાફલો પાર્કિંગમાં હોવાં છતાં ટેક્ષી ચાલકો એરિયા વાઇઝ ભાડાની બૂમો પાડી પેસેન્જર બેસાડી રહ્યાં હતાં. આ માથાભારે ટેક્ષી ડ્રાઈવરોએ અઘોષિત યુનિયન બનાવી ઉબર, ઓલાનાં ટેક્ષી ડ્રાઈવરોને પાર્કિંગ એરિયાની અંદર આવી પેસેન્જર બેસાડવા દેતા નથી. આ એજન્સીઓનાં ડ્રાઈવરોને એપ મારફત બુકિંગ મળ્યું હોય તો તેઓ પેસેન્જરોને બહાર આવી બેસવાનું કહે છે. પાર્કિંગ એરિયાની અંદરથી એજન્સીઓના ડ્રાઈવરો ત્યારે જ પેસેન્જર લઈ જાય છે. જ્યારે ખાનગી ટેક્ષીનાં કહેવાતાં યુનિયનનાં માથાભારે લોકોએ પેસેન્જર સાથે ભાવ નક્કી કર્યા હોય એવા પેસેન્જર ઓલા, ઉબેરમાં બેસાડી તગડું કમિશન મેળવી રહ્યાં છે.

500 થી 1500 રૂપિયાના ભાડામાં યુનિયનગીરી કરતાં માથાભારે તત્વો 200 રૂપિયા જેટલું કમિશન રાખતાં હોય છે. નવાઈની વાત એ છે કે પાર્કિંગ એરિયામાં ફરજ બજાવતી પોલીસ પણ પેસેન્જરની ફરિયાદ છતાં મામલો એરપોર્ટ પ્રિમાઈસીસનો હોવાથી એરપોર્ટ મેનેજમેન્ટને ફરિયાદ કરવાનું જણાવે છે. સુરત એરપોર્ટ મેનેજમેન્ટ એડવાઇઝરી કમિટીનાં સભ્ય અને ચોર્યાસી બેઠકનાં સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે, હજી સુધી અમને કોઈ પેસેન્જરની ફરિયાદ મળી નથી. પેસેન્જર પાસે વધુ પડતાં ભાડા માંગનાર ખાનગી ટેક્ષી ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સુરત એરપોર્ટ પર નિર્ધારિત ભાડા સાથેની કિમી. દીઠ પ્રીપેડ ટેક્ષી બુથ સર્વિસ શરૂ થાય એ માટે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ આ મુદ્દો ઉપાડીશું.

Most Popular

To Top