સ્લ્મ ફ્રી સીટી અને ઝીરો દબાણ એ બધી વાતો અને તેના વડા તથા અધૂરા દીવા સ્વપ્ના છે! સંકલનના અભાવે એ શક્ય પણ નથી! વિદેશો ઘણા ફરવા જાય છે પણ ત્યાંથી શીખી, જાણી, જોઇને આવતા જ નથી! વિકાસ / પ્રગતિશીલ દેશોમાં રખડતાં ઢોરઢાંખર, કૂતરા – બિલાડા, ગાય – ભેંસ વિગેરે જોવા જ મળતાં નથી! ખેર, અત્રે આડેધડ રીતે પાર્ક થયેલાં વાહનો, જાહેર ફૂટપાથ અને રસ્તા પર દબાણો, વિકટ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. ભિખારીઓ, ગાંડાઓ, દારૂડિયાઓ પણ રસ્તે રખડતા ઠેર ઠેર જોવા મળે છે કિન્તુ સંકલનના અભાવે બધું ચોકખે-ચોખ્ખું થતું જ નથી! અલબત્ત, સમસ્યા ઝીરો દબાણ પૂરતી સીમિત કે મર્યાદિત નથી, પણ બધા જ વિભાગોનું સંકલન, એકરાગિતા, એકસૂત્રતા,સમન્વય પણ એટલું જરૂરી છે.
જેમ કે સંબંધિત સત્તા મંડળ તરફથી દબાણ દૂર કરવા સક્ષમ વિભાગ જાય ત્યારે તેમની સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનો ઉપાડવા ટ્રાફિક વિભાગ જોડાય અને ભિખારીઓને પકડવા ભિક્ષુક ગૃહ તંત્ર સામેલ હોય તેમજ ગાંડાઓ અને દારૂડિયાઓને ઝબ્બે કરવા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હોય. આમ પ્રધાનમંત્રીના આગમન ટાણે રસાલો નીકળે છે જેમાં સેના, વિવિધ અમલદારો અને દરેક વિભાગોનાં સરકારનાં સરદારો જોડાય છે એ જ પદ્ધતિ અને કાર્યરીતિ મુજબ દરેક ખાતાઓનું સંકલન એકત્રિત થાય તો શહેરના વિકાસમાં અવરોધરૂપ બધો કચરો અતિક્રમણ, જાહેર દબાણ, ટ્રાફિક સમસ્યા અને અન્ય ઉપદ્રવ અને ત્રાસદાયક કૃત્યો આપોઆપ દૂર થઇ જાય.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
હાઇ વે જ સારા ને શહેરો, ગામના રસ્તા ધારા-ધોરણ વિનાના?
વાજપેયી જયારે વડા પ્રધાન હતા ત્યારે આ દેશના રસ્તાઓ વિશે વ્યાપક રીતે વિચારવાનું શરૂ થયું અને હવે તેને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એક મિશનની રીતે આગળ વધારી રહ્યા છે. અત્યારની કેન્દ્ર સરકારે મોટા વિઝન સાથે એવા નવા રસ્તાઓ બનાવી રહી છે કે જેથી એકથી બીજે જવાનો સમય ઓછો થાય ને ઇંધણ ઓછું વપરાય. દરેક રાજયો એકબીજા સાથ વ્યાપક ઉદ્યોગ રીતે જોડાય. આમ થવાથી રાજય રાજય વચ્ચેનાં લોકોમાં પણ એકબીજા માટેની દૂરતા ઓછી થશે. ગડકરીએ હમણાં કહ્યું છે કે ખામીયુકત રોડના કારણે વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે.
તેમની વાત સાચી છે. રસ્તાઓ બનાવનારાઓના ભ્રષ્ટાચાર પર નિયંત્રણ જરૂરી છે અને દરેક રસ્તાઓની ભૂમિના વૈજ્ઞાનિક પરીક્ષણ સાથે ત્યાંના રસ્તા બનાવવામાં કેવી કેવી સામગ્રી હોવી જોઇએ તે નક્કી કરવું જોઇએ. અન્ય એક વાત એ છે કે સરકાર અત્યારે હાઇ વે સુપર એકસપ્રેસ રોડ વગેરે પર જ ધ્યાન આપે છે. શહેરો, ગામડાંઓમાં આંતરિક રસ્તાઓ સ્થાનિક તંત્રો પર છોડી દેવાયા છે જયાં કોઇ ધારાધોરણ વિના રસ્તા બને છે અને લોકો હેરાન થાય છે. મરે છે. તેમનાં વાહનો બગડતાં રહે છે અને સમય પણ ખૂબ બગડે છે. આ બધા પર સમાંતરે ધ્યાન આપવાની જરૂર છે. ગડકરીજી વ્યાપક રીતે દેશના બધા માર્ગો વિશે યોજના અમલમાં લાવે એવું અપેક્ષિત છે.
સુરત – ખંડુભાઇ દેસાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.