ગાંધીનગર: કચ્છના (Kutch) ખેડૂતોના (Farmer) જળ સંચય, ખેતીની સમૃદ્ધિ માટેના પ્રયાસો અનેરા છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ અવનવા પ્રયોગો થકી કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી દીધી છે. કચ્છની વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં અનાજ અને ફળોનું વાવેતર કરીને ખેડૂતોએ સમગ્ર પ્રદેશને હરિયાળો બનાવ્યો છે. રાજ્યપાલએ મંચ પરથી કૃષિક્ષેત્રે ઈતિહાસ બનાવવા બદલ કચ્છના ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છના ખેડૂતો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નવા વિક્રમો સર્જી રહ્યા હોવાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભુજના મિરજાપર ખાતે ૧૩માં કૃષિ ડેરી પ્રદર્શન-૨૦૨૩ને ખુલ્લુ મૂકતાં જણાવ્યું હતું. આ કૃષિ પ્રદર્શન ૭ એપ્રિલથી ૧૦ એપ્રિલ સુધી યોજાશે.
કૃષિ અને ડેરી પ્રદર્શનના શુભારંભ પ્રસંગે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલએ રાજ્યભરમાં વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને નિરોગી જીવન જીવે એ દિશામાં કામગીરી કરવા સૂચન કર્યું હતું. આચાર્ય દેવવ્રતએ ગૌમુત્ર-ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ વગેરે બાબતોને ઉદાહરણ સાથે સમજાવી હતી. તેઓએ પ્રાકૃતિક ખેતીથી કેવી રીતે કોઈપણ પ્રકારના ખર્ચ વિના ઉત્પાદન વધારી શકાય તેના વિશે સમજણ આપી હતી.