આ શહેર કયારેક એની મૂલ્યવાન વ્યકિતઓથી અને એની જાજવલ્યમાન સંસ્થાઓથી ઓળખાતું. એની પાસે ઊંચી પરંપરાઓ અને બૌધ્ધિક સંપત્તિ હતાં અને એના પ્રથમ કોટિનાં નાગરિકોની નિસ્બતભરી માવજતથી એ સંપન્ન હતું. આવી એક ઘેઘુર અને પ્રાણવાન સંસ્થા તે સાર્વજનિક એજયુકેશન સોસાયટી અને એમ.ટી.બી. કોલેજ. આ એમ.ટી.બી. કોલેજ સાથે અવિભાજયપણે સંકળાયેલા ઝળહળતાં નામોમાં એક તે આચાર્ય કુંજવિહારી મહેતાનું. કે.સી.ના હુલામણા સંબોધનથી આ શહેર જેમને ઓળખતું એ વિરલ હસ્તીએ પોતાનું ઉત્તમોત્તમ અહીંના શિક્ષણ અને સંસ્કારજગતને ધરી દીધું. એમના જન્મશતાબ્દી પર્વનો આજે પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આ વિસ્તારનાં શિક્ષણ, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે એમના સત્ત્વશીલ પ્રદાનને યાદ કરવાનો સમય ચૂકી જવા જેવો નથી, કારણ કે આપણે સહુ એમનાં ઋણી છીએ.
મહેતા સાહેબનો સમય એટલે એમ.ટી.બી.ની જાહોજલાલીનો યે સુવર્ણકાળ. ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, આચાર્ય કે.એલ. દેસાઇ કે ડો. જે.ટી. પરીખના કાળખંડમાં એમ.ટી.બી.ને જે ગરિમા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયાં હતાં તે મહેતા સાહેબ અને ઉપાચાર્ય ડો. બી.એ. પરીખના કાર્યકાળમાં પૂર્ણરૂપે વિકસ્યાં. આ કુંજવિહારી મહેતા પારકી છઠ્ઠીના જાગતલ. સાર્વજનિક એજયુકેશન સોસાયટી અને એમ.ટી.બી.ના બૃહદ પરિવારની સુખાકારી અંગે તો એ હંમેશા ચિંતિત રહેતા જ, પણ એથીયે આગળ કંઇ કેટલાંયે પરિવારો અને વ્યકિતઓની પીડાઓ અને સમસ્યાઓ માટે સહાનુભૂતિ રાખી એને યથાશકિત સહ્ય બનાવવા એ મથતા.
એમની આ વિરલ પ્રકૃતિને લીધે એ અનેકને માટે સ્વજન જેટલા નિકટ. સંબંધોની ઉત્તમ માવજત કરનારા ઉષ્માસભર મિત્ર, વહીવટી તંત્રના કુશળ જ્ઞાતા અને સંસ્કારજગતના સજાગ પ્રહરી એવા મહેતા સાહેબ સર્વત્ર ઊર્જાનો સંચાર કરી શકતા.
હોદ્દાએ આપેલી સત્તાનું કેટલી હળવાશથી અને લેશ પણ બરછટ બન્યા વગર વહન કરવું એ મહેતાસાહેબ પાસેથી ગ્રહણ કરવા જેવું. વહીવટીકામનો ગંજ ખડકાયો હોય અને અનેક પેચીદા પ્રશ્નોના ઉકેલ શોધવાના હોય ત્યારેય કોઇ છેવાડાનો આદમી એની પીડા ઠાલવવા અથવા એને બેચેન બનાવતી એકાદ સમસ્યાના સમાધાન માટે એમની ઓફિસે આવે તો એ એવા ભરોસા સાથે જ, એ સાહેબ એને માટે જેટલું થશે તેટલું સઘળું કરી છૂટવાના. સાવ અજાણ્યા માણસની લાચારીને તરત સમજી લેવાની સંવેદના અને એમાંથી ઉદ્ભવતી સક્રિયતા એ મહેતાસાહેબની મોટી ઓળખ.
સાર્વજનિક એજયુકેશન સોસાયટીનું મંત્રીપદ હોય કે પછી એમ.ટી.બી. કોલેજનું આચાર્યપદ, મહેતા સાહેબના વ્યકિતત્વમાંથી છલકાતા સામાજિક ઉત્તરદાયિત્વ અને સંચાલન – કુશળતા થકી આ હોદ્દાઓ શોભતા. કુશળ નેતૃત્વનાં અનેક ઉદાહરણો આપી શકાય, જેમાં મહેતાસાહેબે નિર્વિઘ્ને પ્રસંગો પાર પાડયા હોય અને ભિન્ન મતો ધરાવતી અનેક વ્યકિતઓને સાથે રાખીને, વિકટ પરિસ્થિતિમાં સુકાન સંભાળી, લક્ષ્ય સુધી પહોંચવાની ક્ષણ સાચવી લીધી હોય. એમની આ વિશેષતાને કારણે જ એ સંસ્થાને, સમાજને, અને સંસ્કારજગતને નેતૃત્વ પૂરું પાડનાર કર્મવીર બની શકયા. અધ્યાપકોના બૌધ્ધિક વિકાસની, ક્ષેમકુશળની, વાણી – વ્યવહારની તથા સંસ્થાકીય માળખાંની રજેરજ જાણકારી રાખતા મહેતા સાહેબ પાસે સહુને માટે સમય હતો.
આટલી સજજ અને સક્ષમ વ્યકિત અજાતશત્રુ હોય તો આશ્ચર્ય. દ્વેષભાવથી એમની પીઠ પાછળ ઘસાતું બોલનારા અને ખતરનાક રમતો રમનારા નહોતા એમ નહીં, પણ સ્વચ્છ અને નિર્ભીક ચિત્ત ધરાવતા મહેતા સાહેબ સામે પ્રવાહે તરનારા હતા અને એમ કરવામાં કેટલી અને કેવી તાકાત જરૂરી છે એની એમને પૂરી જાણ હતી. એમની સામાજિક પ્રતિબધ્ધતા અને સંસ્થા – સમર્પણના ઉચ્ચ ભાવને એમના આલોચકોએ પણ કબૂલ કરવો પડે એવું વાતાવરણ એ સર્જી શકેલા.
શિક્ષણ સંસ્થાના વડા કેવા હોવા જોઇએ તેનો આદર્શ ખોળવા માત્ર સુરતે નહીં, આ સમસ્ત પ્રદેશે કયાંયે દૂર જવાની જરૂર ન પડે એવી પોષક આબોહવા હતી એમ.ટી.બી.ની. ગુજરાતને હચમચાવી દીધું હોય એવાં જલદ આંદોલન હોય કે પછી સંસ્થાના હીરક મહોત્સવ જેવો ઉજવણીનો પ્રસંગ હોય, મહેતાસાહેબની કુનેહભરી આયોજનશકિત એમાં ઢાંકી રહેતી નહીં. વિદ્યાર્થીવત્સલ પણ એ ભારે, માત્ર દ્રષ્ટા લેખે ઊભાં રહેલાં વિદ્યાર્થીટોળાં સામે લાઠી લઇને ધસી જતી પોલીસ સામે ખડા થઇ જતા મહેતા સાહેબને એ સમયના અનેક વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ દીઠા છે.
એ મતાગ્રહી ખરા, પણ ટીકા ટિપ્પણી સંદર્ભે ઉદાર. એમની સાથે ચર્ચા માંડી શકાય. આપણો મત એમના અભિપ્રાયથી સાવ અલગ પડતો હોય તો પણ. ખુશામતખોરીથી જોજનો દૂર એવી આ વ્યકિતમાં સહુને વિશ્વાસ કે પોતાનો અભિપ્રાય મહેતા સાહેબના વિચાર સાથે મેળ ખાતો નહીં હોય ત્યારે પણ એને કોઇ કડવાશ કે દુર્ભાવનો ભોગ નહીં બનવું પડે.
મહેતા સાહેબના નેતૃત્વમાં એમ.ટી.બી.ના અધ્યાપકગણે સામાજિક પ્રદાનની એક આગવી ઓળખ ઊભી કરી હતી. એ સમયના સુરત શહેરની સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો આલેખ તપાસતાં આ હકીકત સ્પષ્ટ થશે. કોલેજના અધ્યાપકોનું જાહેર જીવનમાં કેવું પ્રદાન હોય એ બાબતે એમના વિચારો સ્પષ્ટ હતા.
‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થતી એમની કટાર ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’નો વ્યાપ અને વિષયવૈવિધ્ય જોતાં સમજાય કે એક વ્યકિત કેવળ નિજી ક્ષમતાને આધારે કેવડા મોટા સમુદાયનું ઘડતર કરી શકે! રાજકીય કે શૈક્ષણિક ક્ષેત્રની શિથિલતાઓ કે પછી નગરમાં જ નજરે ચડતી વહીવટી લાપરવાહી કે નફફટાઇ, અધ્યાપક સમુદાયની પ્રમાદગ્રસ્ત અવદશા કે વિદ્યાર્થી સમૂહની બેહૂદી માગણીઓ અને અશિસ્ત – મહેતા સાહેબનો પ્રતિભાવ ત્વરિત અને તીક્ષ્ણ. એમાં કોઇને નારાજ કરવા પડે તો યે એ દૃઢ રહેતા અને બુલંદ સ્વરે વ્યકત થતા. આમ પણ એ કાળમાં સત્તાની ખુશામત કરવાનો રિવાજ બહુ પ્રચલિત નહોતો.
સ્પષ્ટવકતા પણ અઢળક સ્નેહાદરને પાત્ર હોઇ શકે એનું જવલંત ઉદાહરણ તે મહેતા સાહેબ. કોલેજ-પ્રાંગણમાં એમનો પગ પડે કે આમન્યા જાળવવાનું આપોઆપ બને એવો કડપ ધરાવતા આ ગુરુને ચાહનારાં ત્યારે અનેક અને આજેય અનેક. આજની પ્રદૂષિત આબોહવામાં અને મંદપ્રાણ થતી જતી વિદ્યાવ્યાસંગની વૃત્તિ-પ્રવૃત્તિમાં આ શહેરના એક સજાગ, સક્ષમ અને પ્રતિભાવંત નાગરિકને એની જન્મશતાબ્દી નિમિત્તે સાદર સ્મૃતિ-વંદન તો હોય જ, પણ તે સાથે એવી અપેક્ષા પણ જન્મે કે ફરી મળે એમના જેવાં પ્રભાવક વ્યકિતત્વો, કારણ કે વર્તમાન પેઢી જો અનુસરવા ધારે તો એમની પાસે છે એક આદર્શ વ્યકિતમત્તાનું ઉજજવલ દૃષ્ટાંત, જે આરોગ્યપ્રદ હવામાન સર્જવામાં ચાલક અને પ્રેરક પરિબળ બની શકે.
– હિમાંશી શેલત