Business

કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’મનોરંજનના ટ્રેક પર દોડે છે!

રાકેશ ઠક્કર

ગયા અઠવાડિયે રજૂ થયેલી બે ફિલ્મો અલગ વિષય પર હોવા છતાં સમાનતા એ વાતની રહી કે બંનેનું નિર્દેશન અભિનેતાએ કર્યું છે. એટલું જ નહીં બંનેએ લેખન પણ કર્યું છે. વળી રણદીપ હુડાએ તો નિર્દેશન સાથે ‘વીર સાવરકર’માં મુખ્ય ભૂમિકા ભજવી છે. જ્યારે કુણાલ ખેમુએ ‘મડગાંવ એક્સપ્રેસ’માં મહેમાન ભૂમિકા નિભાવી છે. ‘ગોલમાલ’માં કામ કરનાર અને ‘ગો ગોવા ગોન’ના સંવાદ લખનાર કુણાલની ‘મડગાંવ એક્સપ્રેસ’એક કોમેડી ફિલ્મ હોવાથી પ્રશંસા સાથે થોડી વધુ કમાણી કરી રહી છે. કુણાલ ફિલ્મમાં ગાયક-સંગીતકાર તરીકે ચમકતો હોવા છતાં બધાને ન્યાય આપ્યો છે. એમ પણ કહી શકાય કે એની પ્રતિભાની અવગણના કરનાર બોલિવૂડને જવાબ આપ્યો છે. આમ જોવા જોઈએ તો લાંબા સમય પછી થિયેટરમાં જૂની સ્ટાઇલની એક સંપૂર્ણ કોમેડી ફિલ્મ આવી છે એટલે ધીમે ધીમે આવકાર મળી રહ્યો છે. સામાન્ય રીતે મુંબઈથી ગોવાની ટ્રેનટિકિટ મળવી મુશ્કેલ હોય છે ત્યારે કોમેડી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ની ટિકિટ સરળતાથી મળી રહી છે. વીકએન્ડમાં રૂ.8 કરોડ મેળવનાર આ ફિલ્મ જોતી વખતે ક્યારેક એવું લાગે છે કે એને ધક્કા મારીને આગળ વધારવામાં આવી રહી છે પણ એ દર્શકોને મનોરંજનના છેલ્લા મુકામ પર જરૂર પહોંચાડી શકી છે. કેટલીક હોલિવૂડની ફિલ્મોમાંથી દ્રશ્યો પોતાની રીતે ઉધાર લીધા હોવાથી નકલ કરી હોય એવા લાગતા નથી. ફરહાન અખ્તરની ‘દિલ ચાહતા હૈ’ની યાદ અપાવતી આ ફિલ્મ જોતી વખતે એટલું હસાવે છે કે દર્શક એટલા સમય માટે એના દુ:ખ- દર્દ ભૂલી શકે છે. આમ પણ એમાં બોલિવૂડની ફિલ્મ તરીકે નવું કંઇ નથી છતાં જકડી રાખે છે. ‘દિલ ચાહતા હૈ’ દિલ અને દિમાગથી વિચારતા કરી મૂકે એવી હતી જ્યારે ‘મડગાંવ એક્સપ્રેસ’ની વાર્તા એવી ભાગે છે કે વિચાર કરવાનો સમય આપતી નથી. આ ફિલ્મ કોઈ સંદેશ આપતી નથી કે કશું શીખવતી નથી. માત્ર મનોરંજન પૂરું પાડવાની ફરજ પૂરી કરે છે. એમાં શારીરિક કોમેડી સાથે ‘અબ સિર્ફ હમારી મૌત કા લકી ડ્રૉ નિકાલના બાકી હૈ’ જેવા સંવાદ મજેદાર છે. વધુ સારી વાત એ છે કે એમાં સ્વચ્છ કોમેડી છે અને દ્વિઅર્થી સંવાદનો ઉપયોગ થયો નથી. કુણાલને નિર્દેશક તરીકેની આ પહેલી ફિલ્મમાં કલાકારોનો સારો સાથ મળ્યો છે. એક ગંભીર થિયેટર અભિનેતા તરીકે ‘સ્કેમ’થી જાણીતા રહેલા પ્રતીક ગાંધીએ બહુમુખી પ્રતિભા ધરાવતો હોવાની સાબિતી આપી છે. જ્યારે તે વધુ કોકિનનું સેવન કરે છે અને પોતાનું વ્યક્તિત્વ આખું બદલી નાખે છે કે પછી પોતાની એક આંગળી ગુમાવે છે જેવાં દ્રશ્યોમાં તો કમાલ કરી જાય છે. એને બે ભૂમિકા મળી હોવાથી વધારે હસાવે છે. નોરા ફતેહી પોતાનો ગ્લેમરનો તડકો નાખવાનું કામ કરવા સાથે ભૂમિકાને ન્યાય આપી જાય છે. દિવ્યેન્દુએ ‘ડોડો’ના રૂપમાં કોમેડીના પંચ સાથે ધમાલ મચાવી દીધી છે. રેમો ડિસોઝાની ભૂમિકા બહુ મહત્ત્વની ના રહી. ઉપેન્દ્ર લિમયે અને છાયા કદમ પોતાના અજીબોગરીબ પાત્રોમાં હસાવી જાય છે. અવિનાશ તિવારી પોતાની ભૂમિકામાં સરળતાથી ઊતરી ગયો છે. કોમેડી ગમતી હોય અને કુણાલને પ્રોત્સાહન આપવું હોય તો ‘મડગાંવ એક્સપ્રેસ’ની મુસાફરી કરી શકાય. જ્યારે આઝાદીની લડાઈમાં રસ હોય અને સ્વાતંત્ર્યવીરો વિશે જાણવું હોય તો ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’લઈને અભિનેતા રણદીપ આવ્યો છે. એણે નિર્માણ અને નિર્દેશન સાથે 3 કલાક લાંબી અને ક્યાંક પ્રોપેગેન્ડા લાગે એવી ફિલ્મ બનાવી છે પણ પોતાના અભિનયથી આશ્ચર્યચકિત કરી દીધા છે. એમાં સાચું-ખોટું શું છે એવો વિચાર કરવા કરતાં માત્ર એક ફિલ્મ તરીકે જોવા જેવી છે. સાવરકરના જીવનના અનેક પડાવોમાં અલગ રૂપમાં એણે વાર્તાને કેટલો ન્યાય આપ્યો છે એ તો જાણકારો જ કહી શકે પણ એમના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. તેણે એટલી મહેનત કરી છે કે પડદા પર સાવરકર જ લાગે છે. કાળાપાણીની સજાનું દ્રશ્ય બહુ લાંબું છે પણ એમાં એનો અભિનય શ્રેષ્ઠ લાગશે. આ ફિલ્મના શૂટિંગ માટે એ મોતના મુખ સુધી પહોંચી ગયો હતો એ વાત જાણ્યા પછી એક અભિનેતા તરીકે એના માટે માન વધી જશે. ફિલ્મના પહેલા નિર્દેશક મહેશ માંજરેકર ન્યાય આપી શકે એમ ન હોવાથી છોડી ગયા હતા એ જાણ્યા પછી રણદીપના નિર્દેશનના સાહસ માટે આદર ઊભો થશે. અંકિતા લોખંડે સહિત બીજા કેટલાક કલાકારોનો અભિનય સારો છે પરંતુ ગાંધીજી સહિતની કેટલીક ઐતિહાસિક વ્યક્તિઓ માટે કાસ્ટિંગ બરાબર લાગતું નથી. સાવરકરના જીવન વિષે ના જાણતા હોય એ પણ ફિલ્મની કેટલીક બાબતો અંગે શંકા જરૂર વ્યક્ત કરશે.
100 વર્ષ જૂના જમાનાને પડદા પર સાકાર કરવાનું કામ સરળ ન હતું. એ સમયને સફળતાથી બતાવ્યો છે. એ કારણે ફિલ્મમાં અંધારાનાં ડાર્ક દ્રશ્યો છે. એ વધુ પડતાં છે. સિનેમેટોગ્રાફી સારી છે પણ દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકાય એવું હોવું જોઈતું હતું. બીજા ભાગમાં વાર્તાની ગતિ બહુ ધીમી થઈ જાય છે અને દેશભક્તિની ફિલ્મ છે છતાં ગીત-સંગીત જોશ ભરી દે એવું નથી.

Most Popular

To Top