SURAT

કુમાર કાનાણીની એક કોમેન્ટના લીધે વરાછામાં ભાજપ ફિક્સમાં મુકાયું

સુરતઃ સુરતમાં (Surat) ચૂંટણી (Election) પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે વરાછા (Varacha) બેઠક પર હાર ભાળી ગયેલા ભાજપના (BJP) ઉમેદવાર કુમાર કાનાણીએ એક સભામાં હરીફ ઉમેદવારની માતા વિશે કરેલી ટિપ્પણીથી વિવાદ (Controversy) થયો છે. અને રાજકારણમાં આપના નેતાએ મોદીની (PMModi) માતા (Mother) પર કરેલી ટિપ્પણીના મુદ્દે આપને નિશાન બનાવી રહેલા ભાજપના જ કેન્દ્રીય નેતાઓ ફિક્સમાં મુકાઇ ગયા હતા.

વિસ્તૃત વિગતો મુજબ, શુક્રવારે સુરત આવેલાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વેડ રોડ ખાતે મહિલા મોરચાને સંબોધન કર્યુ તેમાં આપના ગોપાલ ઇટાલિયાએ મોદીની માતા વિશે કરેલાં નિવેદનોને ટાંકીને કહ્યું હતું કે, કોઇ ગુજરાતી અને સભ્ય તથા સંસ્કૃતિ લોકો કોઇની માતાનું અપમાન નહીં કરે. જો કે, આ જ અરસામાં વરાછા વિસ્તારમાં થયેલી એક સભામાં પોતાની ચૂંટણી જંગમાં કફોડી સ્થિતિ જોઈને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ પોતાના હરીફ ઉમેદવારની માતા બાબતે ટિપ્પણી કરતાં એવું નિવેદન કર્યુ હતું કે, મારી સામે ઊભેલાં ઉમેદવારની બાનાં ઘૂંટણ પણ મા કાર્ડમાં બદલાવ્યાં છે. જેના કારણે ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. કેમ કે, ગોપાલ ઇટાલિયાના આવા જ નિવેદનને ભાજપ વખોડતો આવ્યો છે. અને શુક્રવારે પણ સ્મૃતિ ઇરાનીએ આ જ મુદ્દે આપને આડે હાથ લીધી હતી.

વરાછાના સાવજને આવી કોમેન્ટ શોભે નહીં: હરીફ ઉમેદવાર
આ મુદ્દે હરીફ ઉમેદવારે જણાવ્યું હતું કે, હું જ્યારે જેલમાં હતો, એ દરમિયાન મારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. મારા માતાને ઘૂંટણમાં દુખાવો થતો હતો. ત્યારે અમે સરકારની આ યોજનાનો લાભ લીધો છે, પરંતુ આ રીતે કોઈકની માતાએ લીધેલી સારવારને જાહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો એ અયોગ્ય બાબત છે. એ એમ કહેતા હોય કે, હું વરાછાનો સાવજ છું, પરંતુ આ પ્રકારની વાતો એ મર્દને શોભે તેવી નથી.

તમને જણાવી દઈએ કે, સુરતની વરાછા બેઠક પર ભાજપ દ્વારા કુમાર કાનાણીને ટિકીટ આપવામાં આવી છે, તેમની સામે આપ પાર્ટી તરફથી પાસ આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા મેદાનમાં ઉતર્યા છે, તેથી આ બેઠક પર ખરાખરીનો જંગ છે. આ બેઠક પર ભાજપ માટે ઈજ્જતનો પ્રશ્ન છે ત્યારે અહીં કેન્દ્રીય નેતાઓ પણ પ્રચાર માટે ઉતરી આવ્યા છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરાછા વિસ્તારમાં જંગી રોડ શો યોજવાના છે.

Most Popular

To Top