National

કાનપુરમાં વેપારીના કબાટમાંથી મળ્યો ‘કૂબેરનો ખજાનો’, નોટો લઈ જવા માટે મોટું કન્ટેઈનર મંગાવવું પડ્યું

કાનપુર: (Kanpur) કાનપુરના એક બિઝનેસમેનના ઘરમાંથી રૂપિયા 150 કરોડથી વધુની રોકડ આવકવેરા (Income Tax) અને જીએસટીના (GST) અધિકારીઓને મળી આવી છે. અહીં અધિકારીઓએ એક કબાટ ખોલ્યો ત્યારે ચોંકી ગયા હતા. તેમાં નોટોના બંડલો હતા.  તિજોરીમાં નોટોનાં બંડલો પેક કરીને રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. 500 રૂપિયાની નોટોના બંડલ બનાવીને રોકડ રાખવામાં આવી હતી. આ બંડલોને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને કુરિયર કરી શકાય. આ નોટો ગણવા માટે 8 કરન્સી કાઉન્ટિંગ મશીન મંગાવવી પડી હતી. નોટો ગણવા 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો. નોટો લઈ જવા માટે અધિકારીઓએ મોટું કન્ટેઈનર મંગાવવું પડ્યું હતું.

વાત એમ છે કે અમદાવાદની (Ahmedabad) ડીજીજીઆઈના (DGGI) અધિકારીઓએ એક ટ્રક પકડ્યો હતો. આ ટ્રકમાં જઈ રહેલાં સામાનના બિલ બોગસ કંપનીના (Bogus Company) નામ પર બન્યા હતા. તમામ બિલ 50 હજાર રૂપિયાથી ઓછી કિંમતના હતા. જેથી ઈ-વે બિલ બનાવવા નહીં પડે. ત્યાર બાદ ડીજીજીઆઈએ કાનપુરના ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા (Raid) પાડ્યા હતા. અહીં ડીજીજીઆઈને 200 બોગસ બિલ મળ્યા હતા. જ્યાંથી પિયૂષ જૈનનું બોગસ બિલનું કનેક્શન મળ્યું હતું.

  • અમદાવાદમાં જીએસટીની ટીમે એક ટ્રક રોકી હતી, જેમાંથી 50 હજારની નીચેની કિંમતના બોગસ કંપનીના બિલ મળ્યા હતા
  • કૌભાંડની આશંકાએ અમદાવાદ જીએસટીના અધિકારીઓએ કાનપુરના ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા પાડ્યા અને તેનો છેડો પિયૂષ જૈન સુધી પહોંચ્યો
  • પિયૂષ જૈનના ઘરે અધિકારીઓ પહોંચ્યા અને ત્યાં કબાટ ખોલ્યો તો તેઓની આંખો ખુલીની ખુલી રહી ગઈ હતી. કબાટમાં નોટોના બંડલ પડ્યા હતા.

આથી ડીજીજીઆઈએ પરફ્યૂમના આ બિઝનેસમેન પિયૂષ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. પિયૂષ જૈનના ઘરે અધિકારીઓ પહોંચ્યા અને ત્યાં કબાટ ખોલ્યો તો તેઓની આંખો ખુલીની ખુલી રહી ગઈ હતી. કબાટમાં નોટોના બંડલ પડ્યા હતા. ત્યાર બાદ ડીજીજીઆઈએ સ્થાનિક આવકવેરા વિભાગને સૂચના આપી હતી. તેથી આઈટીની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. આઈટીની ટીમ નોટો ગણવા માટે 5 મશીન લઈને પહોંચી હતી. ત્યાર બાદ નોટો ગણવાનું શરૂ થયું હતું. જેમાં કલાકોના કલાકો નીકળી ગયા હતા. અત્યાર સુધીના અંદાજ અનુસાર 90 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

આવકવેરાના અધિકારીઓ પણ નોટો ગણવા બેસી ગયા

સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે ડીજીજીઆઈની ટીમને બિઝનેસમેનના ઘરે મોટી રકમ મળી ત્યારે આવકવેરા વિભાગને બોલાવવું જરૂરી બન્યું હતું. નિયમો અનુસાર આટલી મોટી જપ્તીમાં માત્ર આવકવેરા વિભાગ જ રકમની ગણતરી કરીને જપ્ત કરી શકે છે. આ રકમ બે હજાર, પાંચસો અને એકસો રૂપિયાની નોટોના રૂપમાં મળી આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ખાસ વાત એ છે કે સ્થાનિક આવકવેરા અધિકારીઓની સાત સભ્યોની ટીમ દરોડામાં પહોંચી હતી. રકમ ગણીને બેંકમાં મોકલી આપી. જેમાં ડેપ્યુટી, જોઇન્ટ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર રેન્કના અધિકારીઓ હતા. આમાંના એક વરિષ્ઠ અધિકારીએ દરોડા અને જપ્તીની પુષ્ટિ કરી હતી પરંતુ તરત જ દરોડા સાથે આવકવેરા વિભાગના કોઈપણ જોડાણનો ઇનકાર કર્યો હતો.

પાન મસાલાની કંપની પરના દરોડામાંથી કનેક્શન મળ્યું
અમદાવાદમાં ટ્રક પકડાયા બાદ બુધવારે શિખર પાન મસાલા કંપની પર GST અને આવકવેરાની ટીમે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારે પીયૂષ જૈન અને સોપારીના વેપારી કેકે અગ્રવાલ દ્વારા ટેક્સ ચોરીની વાત મળી આવી હતી. તેથી ITની ટીમે ગુરુવારે પીયૂષ જૈન અને કેકે અગ્રવાલના સ્થળો પર દરોડા પાડ્યા હતા. 

અમદાવાદના અધિકારીઓએ ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડ્યું

દરોડો એટલો ગુપ્ત રાખવામાં આવ્યો હતો કે DGGIના સ્થાનિક અધિકારીઓને પણ જાણ કરવામાં આવી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની ટીમે બે સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી હતી. દક્ષિણ કાનપુરના બિગ બજારનું નામ લીધા પછી તેમને ત્યાં બોલાવવામાં આવ્યા. અધિકારીઓ પહોંચ્યા ત્યારે અમદાવાદની ટીમે તેમને સીલબંધ પરબીડિયું આપ્યું હતું. કારમાં બેઠા પછી પરબિડીયાઓ ખોલવામાં આવ્યા હતા. તેમાં કાર્યવાહી માટેની માર્ગદર્શિકા હતી. આ પછી ટીમે પરફ્યુમના વેપારીના ઘરે દરોડા પાડ્યા હતા.

પિયૂષ જૈને સમાજવાદી પાર્ટી માટે પરફ્યૂમ લોન્ચ કર્યું હતું, ભાજપે સપાને ભાંડવાનું શરૂ કર્યું

દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પિયૂષ જૈનના સમાજવાદી પાર્ટી સાથેના કનેકશન પર નિશાન સાધવા માંડ્યું છે. તમને જણાવી દઈએ કે, બિઝનેસમેન પીયૂષ જૈન સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના છે. થોડા દિવસો પહેલા પીયૂષ જૈને સમાજવાદી પાર્ટી નામનું પરફ્યુમ લોન્ચ કર્યું હતું. આ માટે તે ચર્ચાઓમાં પણ રહ્યા છે. અધિકારીઓનામ જણાવ્યા મુજબ પીયૂષ જૈનની લગભગ 40 કંપનીઓ છે. આમાં ઘણી શેલ કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓ દ્વારા કરચોરી કરવામાં આવી છે. સપાના એમએલસી પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પી જૈન સાથે પિયૂષ જૈનને સંબંધ હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. જોકે, સમાજવાદી પાર્ટી આ વાતનો ઈનકાર કરી રહી છે. બીજી તરફ ભાજપના નેતાઓએ નોટો થી ભરેલા કમરાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંડી છે. સપા સાથે અખિલેષ યાદવ પર પણ આક્ષેપ કરવા માંડ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકૂરે કહ્યું કે, આ નવી નહીં, તે જ ભ્રષ્ટ સપા છે.

Most Popular

To Top