Gujarat

રૂપાલાના વિરોધમાં રાજકોટમાં રવિવારે ક્ષત્રિયોનું મહાસંમેલન, મોટી સંખ્યામાં રાજપૂતો ભેગા થશે

રાજકોટ(Rajkot): રાજકોટ લોકસભા (Loksabha) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Prasottam Rupala) સામે ક્ષત્રિયોનો (Kshtriya) રોષ દિનપ્રતિદિન વધી રહ્યો છે. રૂપાલાના વિરોધમાં હવે રાજ્યનો ક્ષત્રિય સમાજ એકજૂટ થયો છે. આવતીકાલે રવિવારે તા. 14 એપ્રિલના રોજ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરાયું છે. આ મહાસંમેલનમાં રાજ્યમાંથી 5 લાખથી વધુ ક્ષત્રિયો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 500થી વધુ લક્ઝરી બસો અને એક હજારથી વધુ ગાડીઓમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટ સંમેલનમાં પહોંચશે.

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને સમાજની મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીના લીધે ક્ષત્રિય સમાજ નારાજ થયો છે. રુપાલાએ બે થી ત્રણ વાર માફી માગી છતાં ક્ષત્રિય સમાજ માફી આપવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજની એક જ માગણી છે કે ભાજપ રુપાલાની ટિકિટ કેન્સલ કરે. પરંતુ ભાજપ પણ રુપાલાની ટિકિટ રદ કરવા તૈયાર નથી. ત્યારે હવે ક્ષત્રિય સમાજે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

ક્ષત્રિય સમાજ દ્વારા તા. 14 એપ્રિલને રવિવારે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ નજીક રતનપરમાં આ મહાસંમેલન યોજાશે. રવિવારે સાંજે 5થી 7 દરમિયાન મહાર્સંંમેલન મળશે. આ મહાસંમેલનમાં આખા રાજ્યમાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડશે. સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના 7000થી વધુ ક્ષત્રિય ભાઇ-બહેનો મહાસંમેલનમાં પહોંચશે.

મહાસંમેલનના સ્થળ નજીક 7 ઠેકાણે પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું કે મહા સંમેલન પછી સંકલન સમિતિની મીટિંગ મળશે જેમાં આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.

દરમિયાન પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે. ક્ષત્રિય સમાજના મહાસંમેલનને પોલીસની મંજૂરી મળી છે. પોલીસ દ્વારા ક્ષત્રિયોની ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. શહેરના સીનિયર અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા અને ટ્રાફિકની દ્રષ્ટિએ પોલીસે સર્વે કર્યો છે. સંમેલનમાં 250થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવશે.

Most Popular

To Top