કોથમડી ગામનું નામ એમ તો લગભગ એકાદ સદી પહેલાં જ વિદેશમાં પણ ચર્ચાતું હતું. અનેક લોકો એ સમયે પણ સાહસ કરીને વિદેશમાં વસ્યા હતા. પરંતુ એ પછી તો એંસી-નેવુંના દાયકામાં રાકેશ પટેલની પસંદગી ટીમ ઇન્ડિયામાં સ્ટેન્ડ બાય પેસ બોલર તરીકે થઇ ત્યારે આખા દેશમાં કોથમડી ગામનું નામ છવાઇ ગયું હતું. હા, એ જ કોથમડી. જલાલપોર તાલુકાનું આ ગામ નવસારીથી માંડ 7 કિલોમીટર દૂર છે. મીઠાના સત્યાગ્રહથી જાણીતા દાંડી ગામ જતાં માર્ગમાં જ આ નાનકડું ગામ આવે છે. 354 ઘર ધરાવતા આ ગામમાં કુલ વસતી 1410 છે. જો કે, જાતિની દૃષ્ટિએ જોઇએ તો ગામમાં કોળી પટેલોની મુખ્ય વસતી છે. ઉપરાંત હળપતિ, ધોડિયા, મુસ્લિમ અને હરિજનોની વસતી પણ છે. એક સમયે તો ગામમાં પારસીઓ પણ વસતા હતા, તો ધોબી અને લુહારનાં ઘર પણ હતાં. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. બદલાતા સમય સાથે લોકો નોકરી કરતા પણ થયા છે. ગામનો સાક્ષરતા દર 95 ટકા છે, જે ગામની શિક્ષણ ભૂખને પૂરવાર કરે છે.
ગામની ઊડીને આંખે વળગે એવી સિદ્ધિ એ પણ છે કે ગામ જાહેર શૌચમુક્ત ગામ છે. ગામમાં સો ટકા શૌચાલય હોવાને કારણે જાહેરમાં શૌચક્રિયાને તિલાંજલિ અપાઇ છે. તેને કારણે ગામમાં સ્વચ્છતા જળવાયેલી રહે છે. હાલમાં સરપંચ તરીકે હિતેશભાઇ પટેલ અને ઉપસરપંચ તરીકે હરીશભાઇ પટેલ સેવા આપે છે, તો તલાટી તરીકે ભાવેશ પટેલ વહીવટ સંભાળી રહ્યા છે. આ ટીમના શાસન દરમિયાન વિકાસનાં અનેક કામો થયાં છે. ખાંજણ ફળિયામાં આરસીસીના રસ્તા બન્યા છે, તો ગામમાં સ્ટ્રીટ લાઇટ, સુથાર ફળિયામાં બ્લોક પેવિંગ, કણબીવાડમાં આરસીસી રોડ, સુથાર ફળિયામાં ડામર રોડ, 15મા નાણાપંચ યોજના હેઠળ ગટરનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ઉપરાંત ગ્રામ પંચાયતનું નવું મકાન પણ બની રહ્યું છે. ગામમાં પીવાના પાણીની સુવિધાની વાત કરીએ તો બોરિંગમાંથી પાણી આપવામાં આવે છે. પડોશમાં આવેલા સામાપોર ગામને પણ અહીંથી જ પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે, વર્ષોથી ગામના ખાંજણ ફળિયામાં પીવાના પાણીની સમસ્યા સતાવતી હતી. પરંતુ હવે પીવાનું પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. એટલે એ સમસ્યા પણ ઉકેલાઇ જશે.
કોથમડીની પશ્ચિમે ખાંજણ આવેલી છે, તેથી એક સમય એવો હતો કે ત્યાંથી ખાસ કરીને ઉનાળામાં ખારી ધૂળ એટલી ઊડતી કે લોકોને ઘરનાં બારણાં બંધ રાખવા પડતાં. ખારી ધૂળને કારણે કેટલીય ખેતીલાયક જમીન પણ બંજર થઇ ગઇ. જો કે, 1962માં મટવાડ વિભાગ ખારી જમીન સુધારનારી સોસાયટીના નેજા હેઠળ મોખલા ફળિયા પાસે એક બંધ બંધાયો, તેને કારણે ગામને થતું નુકસાન અટકી ગયું. કદાચ, તેથી જ કોઠમડીનું અસ્તિત્વ આજે પણ અકબંધ રહ્યું છે. ગામમાં આસ્થાના કેન્દ્રસમાં ત્રણ મોટાં મંદિર છે, તો એ સિવાય ભવાની માતાનું મંદિર, માતા માયનું મંદિર સ્મશાન જવાના રસ્તા પર આવેલું છે, તો આટ નજીક સુરજી માતાનું મંદિર પણ આવેલું છે.
મંદિર ઉપરાંત ગામમાં ત્રણ તળાવ પણ ગામમાં પાણીનું તળ જાળવી રાખવામાં મહત્ત્વનાં રહ્યાં છે. ગામ તળાવ, કાન તળાવ અને જાવ તળાવ એમ ત્રણ તળાવમાંથી ગામ અને કાન તળાવમાં કપડાં ધોવા માટેના ઓવારા પણ બનાવાયા છે, જ્યારે જાવ તળાવનું પાણી ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. ગામમાં બેન્ક ઓફ બરોડા તથા પોસ્ટ ઓફિસ પણ સેવા આપે છે. ગામના વિકાસમાં અનેક દાતાઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે. શાળામાં બેન્ચો, શાળાની ફરતે કમ્પાઉન્ડ વોલ, કમ્પ્યૂટરો અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવા જેવાં કામો માટે પણ દાતાઓએ ઉદાર દિલે દાન આપ્યાં છે. 1976માં ગામ સુધારણા ફંડ પેટે વિદેશમાંથી 5 હજાર પાઉન્ડનું દાન મળ્યું હતું, તો તેમાં 78 હજારનો ગામ ફાળો ઉમેરીને સરકારી ગ્રાન્ટ મેળવી 2.32 લાખનો મેટલનો રોડ પણ બનાવાયો હતો. જ્યારે ગામની ગુજરાતી સ્કૂલમાં 1968માં બાબુભાઇ ધીરૂભાઇ અને તેમના ભાઇ છગનભાઇએ વિજ્ઞાનગૃહ માટે ઓરડો બંધાવી આપ્યો હતો. સ્વ.ધીરૂભાઇ ફકીરભાઇ તરફથી માતા ફળિયાના પાદરે હવાડો અને સ્વ.રમેશભાઇ દયાળભાઇના સ્મરણાર્થે બીજો હવાડો બનાવાયો હતો. ગામ તમામ સુવિધાથી સંપન્ન હોય લોકો સુખ અને શાંતિથી રહી શકે છે. નવસારી નજીક જ હોવાને કારણે આરોગ્ય સહિતની આધુનિક સેવાઓ પણ તેમને મળી રહે છે.
આસ્થાનાં ચાર કેન્દ્ર : કોમી એકતાનાં પ્રતીક
કોથમડી ગામમાં આજે પણ હિન્દુ અને મુસ્લિમો હળીમળીને રહે છે અને એ જ કારણે ગામમાં મુસ્લિમોની ઇબાદત માટે એક મસ્જિદ પણ આવેલી છે. હિન્દુઓનાં ત્રણ મંદિર આવેલાં છે. ગામમાં રાધાકૃષ્ણનું મંદિર, રામજી મંદિર અને ચાંચળમાતાનું મંદિર આવેલું છે. ગામમાં મંદિર બન્યાં, એમાં પણ કોમી એકતાની મિશાલ જોવા મળે છે. 1994માં મંડળની વાર્ષિક સભામાં મહંમદ હુસેન જાગીરદારે દરખાસ્ત કરી હતી કે, ગામમાં મુસલમાનોની થોડી વસતી હોવા છતાં પણ એક મસ્જિદ છે, ત્યારે હિન્દુઓ ઘણા હોવા છતાં એકેય મંદિર નથી, તો મંદિર બનાવવું જોઇએ. એ સાથે જ ગામ લોકોની આસ્થા જાગી ઊઠી અને મંદિર બનાવવા માટે બોલ્ટનથી દાનની શરૂઆત થઇ. સ્ટેલીબ્રેજથી સ્વ.બાબુભાઇ ધીરજભાઇ પટેલના સ્મરણાર્થે તેમના પત્નીએ 2201 પાઉન્ડના દાનની જાહેરાત કરી હતી. એ જ વર્ષે ગોવિંદભાઇ રામભાઇએ શ્રી રાધાકૃષ્ણ મંદિર મંડળની સ્થાપના કરી. લાલભાઇ પરસોત્તમભાઇના હસ્તે ભૂમિપૂજન પણ થયું. પરંતુ કેટલાક લોકોની વાંધાઅરજી આવતાં જ્યાં સુધી એકરાગીતા ન આવે ત્યાં સુધી મંદિર નહીં બનાવવાનું નક્કી થયું. આખરે, દસ વર્ષ બાદ 1994ની મીટિંગમાં ગામના તળાવ પર મંદિર બનાવવાનું નક્કી થયું અને સુથાર ફળિયામાં મોટું મંદિર બનાવવાનો નિર્ણય થયો અને આજે ગામમાં ત્રણ મંદિર આસ્થાનાં કેન્દ્ર બની ગયાં છે. જો કે, ગામમાં આવેલું ચાંચળ માતાનું મંદિર કદાચ દક્ષિણ ગુજરાતમાં ચાંચળ માતાનું એકમાત્ર મંદિર હશે એમ લાગે છે.
વર્ષ-1954માં દાનથી વિકાસનો પાયો નંખાયો
કોથમડીની મધ્યમાંથી ખાડી પસાર થાય છે. ચોમાસામાં આ ખાડીમાં પૂર આવી જતાં સ્મશાનમાં જવામાં ભારે પરેશાની પેદા થતી હતી. મૃતકની અંતિમ વિધિ માટે સ્મશાને જવું મુશ્કેલ બની જતું હતું. તેને કારણે જ 1955માં ગામમાંથી ફાળો એકત્ર કરીને ચાંચળ માતાના મંદિરથી સ્મશાન સુધીનો રસ્તા બનાવવામાં આવ્યો હતો. દાનથી વિકાસના કામનો પાયો તો છેક 1954માં નંખાયો હતો. એ વખતે દાજીભાઇ લાલાભાઇએ દાન આપીને તેમાંથી ખાડી પર પિચિંગ બનાવી આપી હતી, તેને કારણે ચોમાસા પછી ખાડી ઓળંગવામાં ખૂબ જ સવલત મળતી હતી. એ ઉપરાંત સ્વ.કાનજીભાઇ પાંચીયા તરફથી ગામ તળાવ પર ઓવારો, સ્વ.રવજીભાઇ ગોંસાઇ તરફથી લીલા લાઈબ્રેરી, ભીખાભાઇ કાળાભાઇએ ગાયત્રી વારિગૃહ બનાવી આપીને ગામને પીવાના પાણીની સુવિધા પણ કરી આપી હતી.
સહકારી મંડળી
સ્વ. લલ્લુભાઇ મોરારભાઇ પટેલના સ્મરણાર્થે તેમના પુત્ર દીનુભાઇ, કરસનભાઇ, ગોવિંદભાઇ તથા રમણભાઇએ સહકારી મંડળીનું મકાન બાંધી આપવામાં આવ્યું છે. સહકારી મંડળીમાં સસ્તા અનાજની દુકાન તથા બિનસહકારી કરિયાણાની ચીજોનું વાજબી ભાવે વેચાણ કરવામાં આવે છે.
મ.સં.કોથમડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી : પશુપાલકોની જીવાદોરી
કોથમડીમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો માટે આવક માટેની ધૂરા સંભાળે છે. આ મંડળીના સભાસદોની સંખ્યા 66 છે. વર્ષ દરમિયાન ગાયનું 120581 લીટર દૂધ એકત્ર થાય છે. વર્ષ દરમિયાન સરેરાશ ભાવ ચૂકવવામાં આવે છે અને આખર ભાવ તરીકે પ્રોત્સાહક કિંમત પણ ચૂકવવામાં આવે છે. ગામમાં ગાય અને ભેંસ પણ પાળવામાં આવે છે. વર્ષ દરમિયાન ભેંસનું 61223 લીટર દૂધ એકત્ર કરવામાં આવે છે. વર્ષ 2021-22 દરમિયાન મંડળીએ પશુપાલકોને દૂધના આખર ભાવ પેટે ગાય-ભેંસના દૂધની ખરીદી પેટે 0.13 પૈસાની જોગવાઇ કરી 870400 રૂપિયા ચૂકવ્યા હતા. વર્ષ દરમિયાન મંડળી વસુધારા ડેરી દાણ તથા મિક્સ દાણ અને મિરલ પાઉડરની ખરીદી કરીને પશુપાલકોને વેચી પશુપાલકોને ઘરબેઠા સુવિધા મળે એ દિશામાં સતત કાર્યરત રહી છે. મંડળનાં પ્રમુખ ડાહીબેન પટેલ તથા તેમની ટીમ પશુપાલકોના હિતમાં સતત સક્રિય રહીને મંડળીને પ્રગતિની દિશામાં લઇ જઇ રહ્યાં છે. ડાહીબેન તથા અન્ય 8 મહિલા વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ સતત પ્રગતિશીલ કાર્યો કરીને મંડળીનું રિઝર્વ ફંડ 324379 રૂપિયા ઉપર પહોંચાડ્યું છે, તો મકાન ફંડ પેટે પણ 162048 રૂપિયાનું ફંડ ઊભું કર્યું છે. સાથે સાથે વર્ષ દરમિયાન એક લાખની સહાય પણ કરી છે.
આઝાદીની લડતમાં પણ યોગદાન
ગાંધીજીએ આઝાદીની લડત ઉપાડી હતી. દાંડીકૂચ નિમિત્તે આટમાં પણ તેઓ આવ્યા હતા. ગાંધીજીની આઝાદીની લડતથી પ્રેરાઇને ગામના ઘણા લોકોએ લડતમાં ભાગ લીધો હતો. જો કે, મોટામાં મોટું બલિદાન તો સ્વ. ફકીરભાઇ પરાગભાઇનું હતું. તેમણે કોંગ્રેસમાં કાર્યકર તરીકે ભેખ લીધો હતો. એ ઉપરાંત કારાવીરા, લલ્લુભાઇ કારા અને વલ્લભભાઇ ગોપાળે ભાગ લીધો હતો. ઉપરાંત સુથાર ફળિયામાં રહેતા સુખાભાઇ સોમાભાઇ પટેલે સ્વતંત્રતાસેનાની તરીકે દેશની સેવા પણ કરી હતી.
શિક્ષણ ભૂખથી ઝળહળતું ગામ
ખેતીના મુખ્ય વ્યવસાય છતાં શિક્ષણની ભૂખ લોકોમાં સારી એવી હતી અને તેને કારણે શિક્ષણનું સ્તર અને વ્યાપ બંને હતાં. જાણીને નવાઇ લાગે એવી વાત એ છે કે, 1930માં સ્વ.મોરારભાઇ મીઠાભાઇ પટેલે અહીંથી શિક્ષણ લઇને લંડન જઇને ઓટો મોબાઇલમાં ઇજનેર થયા હતા. ઉપરાંત 1939માં નાથુભાઇ છીતાભાઇ બી.એસસી.માં ફર્સ્ટક્લાસ પાસ થયા હતા, તો 1952માં એલએલબી થઇને સ્વ.કલ્યાણજી ઉકાભાઇ અમેરિકા ભણવા ગયા હતા. આ તો કેટલાંક ઉદાહરણો છે, એ સિવાય પણ કેટલાય લોકો ઉચ્ચ શિક્ષણ મેળવીને સારા પદ ઉપર બિરાજમાન થયા છે.
જ્ઞાનની જ્યોત એટલે લાઈબ્રેરી
કોથમડી ગામના સર્વાંગી વિકાસ માટે અનેક લોકોએ ફાળો આપ્યો હતો. ગામ માટે કશું કરી છૂટવાની ભાવના થકી જ ગામનો વિકાસ થઇ શક્યો. વિકાસ માટે જ્ઞાન મહત્ત્વનું છે, એ પણ દાયકાઓ પહેલાં કોથમડીવાસીઓને સમજાઇ ગયું હતું. સામાન્ય વ્યક્તિ પણ ગામની કેવી સેવા કરી શકે તેનાં કેટલાંય ઉદાહરણો કોથમડીમાં મળી આવે છે. વર્ષો પહેલાં ગામમાં એક લુહાર હતો. ગામ પા પા પગલી ભરી આગળ વધી રહ્યું હતું, ત્યારે જ્ઞાનની જ્યોત પ્રગટે એ માટે એ લુહારે દુર્લભભાઇ લુહારના નામે એક લાઈબ્રેરી શરૂ કરવા ઘર અને જમીન દાનમાં આપી. એ લાઇબ્રેરીમાં આજે પણ સ્વ. ભાણાભાઇ પરસોત્તમભાઇ અને સ્વ, ભાણાભાઇ જસમતભાઇ પેન્ટર તરફથી દાનમાં મળેલા કબાટો જોવા મળે છે. જો કે, સમય જતાં લુહારવાળા ઘરમાંથી લાઈબ્રેરી બંધ થઇ. એ મકાન જર્જરીત થઇને તૂટી પડ્યું. નવી લાઈબ્રેરી લીલા લાઈબ્રેરી નવા મકાનમાં શરૂ થઇ છે. જ્ઞાનની જ્યોત આ રીતે કોથમડીમાં પ્રગટી એ પણ વિકાસની એક નિશાની જ કહી શકાય.
ગામમાં રહેનારાઓ પ્રતિ અનોખો પ્રેમ!
આજે તો કોથમડીમાં લગભગ દરેક પરિવારમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ વિદેશમાં વસતો હશે. પરંતુ એંસીના દાયકામાં વિદેશમાં રહેનારાઓ ઓછા હતા. એ સમયે ઉદારીકરણ ન હોવાને કારણે વિદેશી ચીજો પ્રતિ એક લગાવ પણ રહેતો. સ્વાભાવિક છે કે, જેમના પરિવારમાંથી કોઇ વિદેશમાં રહેતું હોય, તેથી તેઓ જ્યારે વિદેશથી કોથમડી આવે ત્યારે સંબંધીઓ માટે તો અનેક વિદેશી ચીજો લઇ આવે. પરંતુ બધા જ પરિવારમાં કાંઇ વિદેશમાં રહેનારાઓ ન હતા, તેથી વિદેશમાં ન હોય એવા પરિવારોને પણ વિદેશી ચીજોની ભેટ આપવી જોઇએ એવી લાગણી એનઆરઆઇઓને થઇ આવી. બસ, એ વિચાર થતાં જ 1981માં ગામના એકે એક પરિવારને કપડું મોકલવાનું નક્કી થયું. સાડી, સ્વેટર અને શર્ટ્સના 2751 નંગ આવ્યા અને ગામના દરેક વ્યક્તિને એ ભેટ અપાઇ. જાણે સાચા અર્થમાં સમાજવાદ જ જોઇ લો ને !
માતૃભૂમિનું ઋણ: યુ.કે.માં ચાલતું કોથમડી ગામ હિતવર્ધકમંડળ
આઝાદી પહેલાંથી કોથમડી ગામના અનેક સાહસિક યુવાનોએ વિદેશની વાટ પકડી હતી. વિદેશમાં જઇને મહેનત કરીને તેઓ બે પાંદડે થયા, ત્યારે પણ ગામને ભૂલ્યા ન હતા. ગામ પ્રતિ અપાર પ્રેમને કારણે જ કોથમડી ગામમાં ઊડીને આંખે વળગે એવો વિકાસ દાયકાઓ પહેલાંથી થયો જોવા મળે છે. માતૃભૂમિનું ઋણ ચૂકવી શકાય એવા એકમાત્ર હેતુથી યુ.કે.માં કોથમડી ગામ હિતવર્ધકમંડળ ચાલે છે. ભલે એનું નામ યુ.કે. સાથે જોડવામાં આવ્યું હોય, પણ તેમાં યુગાન્ડા, ઝાંબીઆ જેવા આફ્રિકાના તથા બીજા અનેક દેશોમાં રહેતા ગામવાસીઓ પોતાનો ફાળો આપીને કોથમડીને મદદરૂપ થતા રહ્યા છે. એક એવી પરંપરા રચાઇ છે કે આ મંડળની વાર્ષિક સભા વખતે તમામ સભ્યો હાજર રહે. મોટા ભાગના સભ્યો આજે પણ મંડળની વાર્ષિક સભામાં ઉપસ્થિત રહીને માતૃભૂમિનું ઋણ ઉતારવાનો પ્રયાસ કરે છે.
મંડળની સ્થાપના તો પહેલાં થઇ ગઇ, પણ ગામના હિતમાં કામ કરવાનું તો છેક 1974માં શરૂ થયું એમ કહીએ તો ચાલે. એ વર્ષે સ્વ.ધીરૂભાઇ ફકીરભાઇના સ્મરણાર્થે વિજ્ઞાન હોલ માટે 1466 પાઉન્ડનું દાન મળ્યું હતું. એ વખતે જ વિચાર ઝબક્યો હોવો જોઇએ કે આ પ્રકારના દાનથી તો ગામની સિકલ બદલી શકાય. એ પ્રેરણાની જ્યોતે ગામ સુધારણા માટેનું ફંડ એકત્ર કરવાનો વિચાર આપ્યો અને તેમાંથી શરૂ થઇ એક અનોખી વિકાસ ગાથા.
1976માં મંડળે નક્કી કર્યું કે કોથમડીમાં સારા રસ્તા, ખાડીના પાણીના નિકાલની સુવિધા, લાઇબ્રેરીનો વિકાસ અને જાહેર શૌચાલયનાં કામો કરવા એવું નક્કી થયું. એ માટે ફંડ એકત્ર કરવાનું કામ શરૂ થયું અને વિદેશમાં વસતા કોથમડીના લોકોએ ઉદાર હાથે દાન આપ્યાં અને એ જમાનામાં 9448.75 પાઉન્ડ દાનમાં એકત્ર થયા. એ દાનમાંથી નિર્ધારીત કામો હાથ ધરાયાં, એ જ પૂરવાર કરે છે કે કોથમડીના વિદેશમાં વસતા લોકોએ ગામના વિકાસનું કેવું વિઝન જોયું હશે! આ મંડળ આજે પણ કાર્યરત છે અને ગામના હિતનાં કામો કરવા માટે સદાય તત્પર રહે છે.
શિક્ષણની જ્યોત પણ દાતાઓએ જ પ્રગટાવી
કોથમડીમાં શાળા મધ્યમાં ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પરેશાની ભોગવવી પડતી હતી. ગુજરાતી સ્કૂલ એટલે કે સરકારી સ્કૂલને ગામની મધ્યમાં બનાવવી જોઇએ એવી વિચારણા સાથે જ 1945માં દક્ષિણ આફ્રિકામાં શાળા બનાવવા માટે ફંડ એકત્ર કરવાનું શરૂ થયું. સ્વ.જેરામભાઇ ગોપાળભાઇએ દાનમાં આપેલી જમીન પર 1956માં શાળા બની. એ શાળા પાછળ પૂર્વ આફ્રિકા અને દક્ષિણ આફ્રિકામાં રહેતા કોથમડીવાસીઓનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. આ શાળામાં શિક્ષણનો પાયો એવો મજબૂત બન્યો કે 1953માં ગામમાંથી 31 શિક્ષક બન્યા હતા, જે કાંઠા વિભાગનાં જુદાં જુદાં ગામોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી બેઠા હતા.
સાચા અર્થમાં ગુરુદક્ષિણા આપી !
આજકાલ શિક્ષકોનો પગાર ઘણો છે. પરંતુ જૂના જમાનામાં શિક્ષકોના પગાર ખાસ ન હતા. હા, તેમનું માન-સન્માન ગામમાં અવશ્ય ઊંચું હતું. કોથમડીમાં ગુજરાતી સ્કૂલમાં શિક્ષણની ધૂણી ધખાવનારા એ વખતના હેડ માસ્ટર ગણપતરાવ બાપુજી હતા. તેમના પ્રયાસ અને પુરુષાર્થથી જ ગામના અનેક લોકો ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી શક્યા હતા. હેડ માસ્ટર ગણપતરાવ બાપુજી નિવૃત્ત થયા, ત્યારે ટૂંકા પગારને કારણે ખાસ બચત ન હતી. આર્થિક સ્થિતિ સારી ન હોવાની જાણ ગામવાસીઓને થઇ અને એ વાત ઊડતી ઊડતી વિદેશમાં રહેતા ગામવાસીઓને થઇ. એ સાથે જ તે બધાએ યથાયોગ્ય ફાળો આપીને 1978માં એક લાખ રૂપિયા મોકલાવ્યા. ગામ લોકોએ એક જાહેર કાર્યક્રમ યોજીને ગણપતરાવ બાપુજીને 75 હજાર અને તેમના જમણા હાથસમાન ગણાતા શિક્ષક રણછોડજી કાળાભાઇને 25 હજારની થેલી અર્પણ કરીને ગામલોકોએ સાચા અર્થમાં તેમનું નિવૃત્ત જીવન સાચવી લીધું હતું.