હથોડા: કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશનથી પાંચેક કિલોમીટરના અંતરે આવેલ કઠવાડા ગામે લિસ્ટેડ બુટલેગર (Bootlegger) દારૂના નવ કેસમાં વોન્ટેડ (Wanted) રહેવા છતાં તાજેતરમાં સ્ટેટ વિજિલન્સે બુટલેગરના ઘરેથી તેમજ ખેતરમાંથી રૂ.5 લાખનો ઇંગ્લિશ દારૂ (Alcohol) ઝડપી પાડતાં અને આ કેસમાં પણ વોન્ટેડ જાહેર થતાં આખરે ચોંકી ઊઠેલી કોસંબા પોલીસે તરખાટ મચાવનાર બુટલેગરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
- કોસંબા પોલીસે ધર્મેન્દ્રને ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો
- તાજેતરમાં સ્ટેટ વિજિલન્સે બુટલેગરના ઘરેથી તેમજ ખેતરમાંથી 5 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો
- ઇંગ્લિશ દારૂના નવ જેટલા કેસમાં નાસતો ફરતો હતો કઠવાડાનો લિસ્ટેડ બુટલેગર
ગણનાપાત્ર ઇંગ્લિશ દારૂના નવ જેટલા કેસમાં નાસતા ફરતા કઠવાડાના લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઠાકોર વસાવા ખુદ કોસંબા પોલીસમથકમાં પાંચ તેમજ અંકલેશ્વર, માંડવી અને ઝંખવાવ પોલીસમથકમાં પણ દારૂના કેસ નોંધાયા બાદ નવ જેટલા દારૂમાં કેસમાં વોન્ટેડ હતો. આવી બાતમી સ્ટેટ વિજિલન્સને મળતાં તાજેતરમાં વિજિલન્સે કઠવાડા ગામે રેડ કરીને રૂપિયા પાંચ લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી કેસ કર્યો હતો. અને તેમાં પણ આ બુટલેગર વોન્ટેડ જાહેર થયો હતો. વિજિલન્સની રેડ બાદ ચોંકી ઊઠેલી કોસંબા પોલીસે આખરે ધર્મેન્દ્ર વસાવાને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.
કરજણ સિંચાઈ યોજનાની સરકારી ગાડીમાંથી દારૂનો જથ્થો પકડાયો
રાજપીપળા: રાજપીપળાના વિસવગા વિસ્તારમાં રહેતાં ગાડીના ડ્રાઈવર તેજશ નાગજી રાવળ ટાટા સુમો ગાડી નં.(GJ-22-G- 0128)માં ગાડીની વચ્ચે આવેલી સીટની નીચેના ભાગે દારૂ બોટલ નંગ-12 કિં.રૂ.1800 લઈ જઈ રહ્યો હતો. દરમિયાન પોલીસની રેડમાં એ ઝડપાઈ ગયો હતો. બાદ પોલીસે ટાટા સુમો ગાડી કિંમત રૂ.3,00,000 અને વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ.3,01,800નો પ્રોહિ.નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે. જો કે, પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ દારૂમાં જે ગાડી ટાટા સુમો પકડાઈ છે તે ગાડી કરજણ સિંચાઇ યોજના, રાજપીપળાની સરકારી ગાડી છે અને આ સરકારી ગાડીમાં દારૂની 12 બોટલ મળી આવી હતી. આ બોટલો કોના માટે લઈ જવાતી હતી અને સરકારી ગાડીનો કેમ ઉપયોગ કરવામાં આવ્યો સહિતના અનેક સવાલો ઊઠ્યા છે. ત્યારે હાલમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.