હથોડા: (Hathoda) એકતરફ લોકસભાની ચૂંટણીના (Lok Sabha Election) પડઘમ દેશમાં વાગી રહ્યા છે. ત્યારે કોસંબામાં રેલવે પાસધારકોએ ‘ટ્રેનોની સુવિધા નહીં તો વોટ નહીં’નાં બેનર રેલવે સ્ટેશનની બહાર શનિવારે લટકાવી દેતાં ખળભળાટ મચી ગયો છે.
કોરોના કાળ વખતે કોસંબા રેલવે સ્ટેશને બંધ કરવામાં આવેલી મુખ્ય ટ્રેનોનું સ્ટોપેજ ફરી શરૂ કરવા રોજિંદા મુસાફરોએ વિસ્તારના ધારાસભ્ય ગણપત વસાવા, સંસદ સભ્ય બારડોલી લોકસભાના પ્રભુભાઈ વસાવાને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. છતાં પ્રજાના નેતાઓના કાને રજૂઆતનો અવાજ નહીં સંભળાતાં અને આજે પણ રેલવેમાં નિયમિત મુસાફરી કરતા અને ટ્રેનોના અભાવે હાલાકી વેઠતાં રોજિંદા મુસાફરોએ લોકસભાની ચૂંટણી ટાણે જ કોસંબા રેલ્વે સ્ટેશનની બહાર ઝાડ પાસે ટ્રેન નહીં તો વોટ નહીં સાથે અન્ય લખાણવાળાં બેનર્સ લગાવી દીધાં હતાં.
આ બેનર્સમાં દર્શાવાયું છે કે, ‘આથી આપ નેતાશ્રીઓને જણાવવાનું કે કોસંબાના હજારો પેસેન્જર મિત્રોને અપ-ડાઉન કરવામાં પડતી તકલીફ કોસંબા રેલવે સ્ટેશનને સલાહકાર (કામ વગર)ની સમિતિને રૂબરૂ મળી અને અરજી આપીને જણાવી હતી. તથા આપણા ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને પણ રૂબરૂ મળી અને એમને હાથમાં અરજી આપી રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી આ બાબત પર કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. આથી હવે તમારે અમારી પાસે વોટ માંગવાની કોઈ જરૂર નથી. લિ. તમારા વહાલા પાસધારક મિત્રો તથા આજુબાજુનાં ગામના સામાન્ય મુસાફર મિત્રો.’ જ્યારે બીજું પણ એક બેનર લટકાવી જણાવ્યું હતું કે, લાખો-કરોડો રૂપિયાની આવક કરી આપતા કોસંબા રેલવે સ્ટેશનના મુસાફરો સાથે અન્યાય કેમ? અને બેનરમાં જણાવ્યું છે કે, કોરોના સમયમાં બંધ કરેલી ટ્રેન ફરીથી શરૂ કરો.
અને બેનરની નીચે કટાક્ષ મારી જણાવ્યું હતું કે, સંસદ સભ્યશ્રી તથા તેમના દ્વારા બનાવાયેલી કોસંબા રેલવે સલાહકાર રેલવે સમિતિ ખોવાયેલ છે. લોકસભાની ચૂંટણી ટાણે કોસંબા રેલવે સ્ટેશનની બહાર આ બેનરો લાગતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બેનર કોણે લગાવ્યાં છે એ નામ લખ્યું નથી. પરંતુ બેનર્સની નીચે તમારા વહાલા પાસધારક મિત્રો તથા આજુબાજુનાં ગામના સામાન્ય મુસાફર મિત્રો તેવું જણાવ્યું છે.
રેલવે સ્ટેશન માસ્તરે ફોન રિસીવ ન કર્યો
કોસંબા રેલવે સ્ટેશનની બહાર લગાવવામાં આવેલાં બેનર્સ બાબતે રેલવે સ્ટેશન માસ્તર નીરજકુમારનો વારંવાર ટેલીફોનિક સંપર્ક સાધવા છતાં તેમણે કોઈક કારણસર કોલ રિસીવ કર્યો ન હતો.