સુરત: કોસાડ આવાસમાં (Kosad Aavas) એચ-૨ના શોપિંગ સેન્ટર પાસે નંદઘરની સામે યુવકને મોપેડનું ટાયર અડી જતાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. મોપેડસવાર (Moped rider) યુવકે તેના મિત્રોને બોલાવતાં બે ટોળાં સામસામે આવી જતાં વચ્ચે પડેલા મુકેશ પરમારને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હતો. મુકેશનો જન્મદિવસ (Birthday) હોવાથી તેના મિત્રો સાથે ઉજવણી કરીને આવ્યો હતો. અમરોલી પોલીસે હત્યાનો (murder) ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
જન્મ દિવસે જ યુવકની હત્યાથી સનસની
નિતેશ દત્તુ કંદરે (ઉ.વ.૨૩) ડાયમંડમાં નોકરી કરે છે. તેને અમરોલી પોલીસ સ્ટેશનમાં તેના મિત્રની હત્યા અંગે કુલદીપ ઉર્ફે છોટુ યાદવ, શંકર સઇલ પાંડે, રફીક ઉર્ફે ગોંજા ઉર્ફે રફિયા, આમીન ઉર્ફે પંજી, અસરફ ચીપા, ભીકન તથા હિરંજ રાઠોડની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે નિતેશના મિત્ર મુકેશ ઉર્ફે બોક્સરનો જન્મદિવસ હતો. જેથી મુકેશ, અમીત નેપાળી, મુન્ના, બબલુ, કમલ ભટારા, પપ્પુભાઈ ઓડ, ભુરિયો તથા સોનુકુમાર સાથે અમરોલી તાપી નદીના પાળા પર ભેગા થયા હતા. જ્યાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. બાદ ત્યાંથી તમામ મિત્રો કોસાડ આવાસ ઘરે આવી ગયા હતા. પપ્પુના ઘરે ચા બનાવવાની હોવાથી સોનુકુમાર, કમલ ભટારા અને કમલનો એક મિત્ર ત્રણેય જણા કોસાડ આવાસ એચ-૨માં મોપેડ લઇને દૂધ લેવા માટે ગયા હતા. એ સમયે કોસાડ આવાસમાં રહેતા કુલદીપ ઉર્ફે છોટુ યાદવને મોપેડ અડી ગઈ હતી. તેઓ સાથે બોલાચાલી થતાં સોનુએ નિતેશ તથા તેના મિત્રોને ફોન કરી બોલાવ્યો હતો.
પોલીસ ત્યાં આવી પહોંચતાં તમામ ભાગી છૂટ્યા હતા.
નિતેશ તેના મિત્રો સાથે કોસાડ આવાસમાં એચ-૨માં શોપિંગ સેન્ટર નંદઘર પાસે પહોંચી ગયા હતા. ત્યાં જતાં શંકર સઇલ પાંડે અને અસરફ ચીપાએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે મુકેશ ઉર્ફે બોક્સર પરમારને ડાબા પગના સાથળના પાછળના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. તથા કુલદીપ ઉર્ફે છોટુ યાદવે પાઇપથી મોંના ભાગે ઘા માર્યા હતા. આમીન ઉર્ફે પંજીએ પણ પોતાની પાસે રહેલી તલવાર નિતેશને ડાબા પગના ઢીંચણના નીચેના ભાગે તથા સાથળના ભાગે એમ બે ઘા માર્યા હતા. દરમિયાન અમીત નેપાળીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ ત્યાં આવી પહોંચતાં તમામ ભાગી છૂટ્યા હતા. મુકેશને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. અમરોલી પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.