પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરની હત્યાના મામલામાં બંગાળ પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે. સોમવારે તેમણે કહ્યું કે પોલીસને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે. જો પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ લાવી શકશે નહીં તો અમે કેસ સીબીઆઈને સોંપીશું.
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે મને કોલકાતા પોલીસ કમિશનર પાસેથી ઘટનાની જાણ થઈ ત્યારે મેં તેમને તાત્કાલિક અને ઝડપી પગલાં લેવા સૂચના આપી. હું સમજી શકતી નથી કે હોસ્પિટલમાં નર્સો અને સુરક્ષાકર્મીઓ હતા, તો આ ઘટના કેવી રીતે બની. પોલીસે મને કહ્યું કે કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં હતો.
તેમણે કહ્યું કે આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. પોલીસ, ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક વિભાગ અને અન્ય ટીમો કામ પર છે. આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. પોલીસ રવિવાર સુધીમાં મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. જો આમ નહીં થાય તો અમે આ કેસ અમારા હાથમાં નહીં રાખીએ. અમે તેને સીબીઆઈને સોંપીશું.
ડીસીપી નોર્થ અભિષેક ગુપ્તાનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ થનારા લોકોના નામ હવે એક રજિસ્ટરમાં નોંધવામાં આવશે. કોઈ અનિચ્છનીય વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થશે નહીં. ડોક્ટરોએ સુરક્ષા વધારવાની માંગ કરી છે. હોસ્પિટલની આસપાસના રક્ષકોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે જે તેઓ ફરજ પર હોય ત્યારે હંમેશા પહેરશે.
શું છે સમગ્ર મામલો
આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં એક જુનિયર ડૉક્ટર સામે નિર્દયતાની ઘટના ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે બની હતી. મૃતક મેડિકલ કોલેજના ચેસ્ટ મેડિસિન વિભાગની બીજા વર્ષની અનુસ્નાતક વિદ્યાર્થીની અને તાલીમાર્થી ડોક્ટર હતી. ગુરુવારે પોતાની ડ્યુટી પુરી કર્યા બાદ રાત્રે 12 વાગે મિત્રો સાથે જમી હતી ત્યારપછી મહિલા તબીબનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
શુક્રવારે સવારે ચોથા માળે આવેલા સેમિનાર હોલમાંથી ડોક્ટરની અર્ધ નગ્ન લાશ મળી આવતાં મેડિકલ કોલેજમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાસ્થળેથી મૃતકનો મોબાઈલ ફોન અને લેપટોપ મળી આવ્યો હતો. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મહિલા ડૉક્ટર સાથે બળાત્કારની ઘટના બની હતી. જુનિયર મહિલા ડોક્ટરની લાશ ગાદલા પર પડી હતી અને ગાદલા પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા.
પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મૃતક મહિલા ડૉક્ટરના મોં અને બંને આંખો પર ઘા હતા. પ્રાઈવેટ પાર્ટ પર લોહીના નિશાન અને ચહેરા પર નખના નિશાન જોવા મળ્યા હતા. હોઠ, ગરદન, પેટ, ડાબા પગની ઘૂંટી અને જમણા હાથની આંગળી પર ઈજાના નિશાન હતા. મહિલા ડોક્ટરની હત્યા બાદ મેડિકલ કોલેજના ડોક્ટરો અને વિદ્યાર્થીઓ સતત રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જુનિયર ડોકટરો, તાલીમાર્થીઓ અને અનુસ્નાતક તાલીમાર્થીઓ આ સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ તપાસની માંગ સાથે હડતાળ પર છે. આ ભયાનક ઘટના બાદ આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલના પ્રિન્સિપાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.