Comments

કોઈ માણસ બહાદુર અને પ્રમાણિક છે તો તેમની પત્ની અને સંતાનોનું સન્માન કરો

આપણા દરેકના જીવનના અલગ અલગ તબક્કા હોય છે, જયારે આપણે સ્કુલ કોલેજમાં હોઈએ છીએ ત્યારે મોટા ભાગે આપણા શીરે કોઈ જવાબદારી હોતી નથી, જીંદગી સરસ વહેતી નદીની જેમ વહેતી હોય છે.આ સમયગાળામં આપણે સહજ રીતે છળ કપટ અને મોટા થઈ જઈએ તે બાબતથી પોતાને અજાણપણે દુર રાખી શકીએ છીએ, સમયનું ચક્ર બદલાય છે, નોકરી ધંધો શરૂ થાય છે જીવનમાં પત્ની અને સંતાનો આવે છે ત્યારે આપણે જીવનના એક એવા મોડ ઉપર આવી ઉભા રહીએ છીએ આગળ કયા રસ્તે જવુ તે નિર્ણય આપણો હોવા છતાં તમારા નાના મોટા તમામ નિર્ણય ઉપર તમારી પત્ની અને સંતાનો તેમની છાપ છોડી જતા હોય છે,.

પત્ની સંતાન અને જીવનના એક એવા પાત્રો છે, ઘરનો પુરુષ દુનિયા સામે લડી લે છે પણ જયારે ઘરે આવે છે ત્યારે તે પોતાની પત્ની સંતાન સામે હારવા માગતો નથી, સમય બદલાયો છે, હું જયારે સ્કુલમાં ભણતો અને મારા માતા પિતા પાસે કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે તેઓ મને કહેતા પગાર આવે એટલે લાવી આપીશ બેટા, પણ હવે મારા સંતાનો સામે મારી આવી કહેવાની હિમંત નથી જયારે આપણે સંતાન અને પત્ની સામે નથી હારવુ તેવુ નક્કી કરી લઈએ છીએ ત્યારે સમાધાનનો તબ્બકો શરૂ થાય છે.

મેં ઘણા સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જોયા છે તેઓ પોતાના કેરીયરના પાંચ દસ વર્ષ ખુબ પ્રમાણિક રહ્યા છે અને આવેલી સ્થિતિનો બહાદુરીપુર્વક સામનો પણ કર્યો છે પણ એક તબ્બકે તેમણે ત્યારે જ સમાધાન કર્યુ જયારે તેમના પ્રમાણિક અને બહાદુરીના રસ્તામાં તેમનો પરિવાર તેમની સાથે ન્હોતો, પ્રમાણિક અધિકારીની પત્ની સતત એવા અપ્રમાણિક અધિકારીઓના પરિવારને જોઈ રહી હતી અને પોતાની જાતને કમનસીબ માની રહી હતી તેનો પતિ કઈ કરતો જ નથી જયારે પેલા અધિકારી અને તેનો પરિવાર કેવી જાહોજલાલીમાં જીવે છે.

પ્રમાણિક અધિકારી જયારે પણ ઘરે પાછો ફરે ત્યારે તેની પત્ની સતત એવા લોકોના ઉદાહરણ આપતી હતી કે જેમની પાસે હવે અપ્રમાણિક રસ્તે આવેલી અમાપ સંપત્તી છે. જેઓ પ્રમાણિક છે તેઓ પણ આખરે તો તો પોતાના પરિવારને ખુશ જોવા માગે છે. પણ પરિવારે જ બીજાનું સુખ જોઈ દુખી થવાનો નિર્ણય કર્યો હોય ત્યારે તેને કોઈ બચાવી શકે નહીં. ગુજરાતના એક આવા જ આઈપીએસ અધિકારી જેઓ પ્રમાણિક અને બદાહુર હતા તેમના નામનો લોકો ઉદાહરણ આપતા હતા, પણ તેમની પત્ની અને સંતાનોની સતત ફરિયાદ હતી કે તેઓ બીજા જેવા પૈસા કમાતા નથી, પરિવારના ટોળાથી કંટાળી આખરે તેમણે બીજા જેવો રસ્તો અખત્યાર કર્યો પણ આ અધિકારીનું મન સતત તેમને કોસતુ રહ્યુ ભીતરમાં પ્રમાણિકતા અને અપ્રમાણિકતા વચ્ચે દ્વંધ ચાલતો ગયો જેના પરિણામ સ્વરૂપ આ અધિકારીને દારૂની લત લાગી.

દારૂ પણ મફત મળતો હતો, અપ્રમાણિક થવાના ગમને દુર કરવા તે એટલી હદે દારૂ પીવા લાગ્યા કે પચાસી વટાવે તે પહેલા તેમનું નિધન થયુ, આવા અસંખ્ય ઉદાહરણ છે જેમા ઉમંરના એક ચોક્સ પડાવે માણસ પોતાનો રસ્તો બદલવાનો નિર્ણય કરે છે, આ બહુ જ વ્યકિતગત બાબત છે જેમણે રસ્તો બદલ્યો છે તેમને આરોપીના પાંજરામાં ઉભા કરી દેવાની વાત નથી પણ જેઓ પ્રમાણિક અને બહાદુર છે તેમની પ્રમાણિકતા અને બહાદુરીની જો કદર કરવી હોય તો તેમની પત્ની અને સંતાનોની કરવી જોઈએ કારણ તેઓના કારણ આ બધુ શકય બન્યુ છે.

જેઓ અન્ય કોઈ માર્ગે કમાય છે ત્યારે તેમના ઘરમાં આવેલી સમૃધ્ધીમાં ખુશ થવાને બદલે જો કોઈ સ્ત્રી પોતાના પતિને એવો સવાલ કરે કે તમારો પગાર તો પચાસ હજાર રૂપિયા છે તમે કઈ રીતે દર મહિને આટલી મોંધી વસ્તુઓ લાવી આપો છો તો કદાચ પુરૂષ અટકી પણ જાય પણ મોટા ભાગના કિસ્સામાં સ્ત્રીઓ અને સંતાનો આવો સવાલ પોતાના પતિ અને પિતાને પુછતા નથી, જેઓ બહાદુરીપુર્વક કામ કરે છે, અહિયા બહાદુરીનો અર્થ હાથમાં માત્ર બંદુક લઈ ફરવુ તેવુ પણ નથી, પણ જે રસ્તે બધા ચાલે છે તેના કરતા જુદા રસ્તે ચાલવા માટે પણ બહાદુરીની જરૂર પડે છે કારણ તમે જયારે સામા પ્રવાહે ચાલો છો ત્યારે સામેથી આવનાર તમામ તમને દુશ્મન માની બેસે છે, આવી સ્થિતિમાં ઉભા રહેવા માટે પણ બહાદુરીની જરૂર પડતી હોય છે જયારે સામા પ્રવાહે ચાલવાને કારણે જે સ્થિતિ નિર્માણ થાય ત્યારે તો પરિવાર સાથે ના હોય તો પરિવારના સાથ વગર માણસ લાંબો સમય સામા પ્રવાહે ચાલી શકતો નથી મારા વ્યકિતગત જીવનમાં પણ આવી સ્થિતિ અનેક વખત નિર્માણ થઈ.

મારા પત્રકારત્વથી નારાજ લોકો મારી સામે કેસ કર્યા અને મને જેલમાં મોકલી આપવાની વ્યવસ્થા પણ કરી, આવી સ્થિતિમાં કાયદાકીય રક્ષણ મેળવવા તત્કાલ ઘર છોડી દેવુ જરૂરી હતી, પણ હું ઘર છોડી ગયો તે બાબત મારા પત્ની સંતાનાને કયારે પસંદ આવી નહીં, તેમનો કાયમ આગ્રહ રહેતો કે ઘર છોડી દેવુ તે કાયરતા છે, લખ્યુ છે તો જેલમાં પણ જવુ જોઈએ, મારી કેરીયરમાં પત્રકારત્વને કારણે એક ડઝન કરતા નાના મોટા પોલીસ કેસ થયા છે,, અનેક યાતનાઓમાંથી મારે અને મારા પરિવારને પસાર થવુ પડયુ છે, પણ તેમણે તે અંગે કયારે હરફ ઉચ્ચાર્યો નથી, મને કોઈ દિવસ એવુ કહ્યુ નથી બસ થયુ હવે આ ઉધામા બંધ કરો 2008માં મારી ઉપર રાજદ્રોહની ફરિયાદ થઈ ત્યારે હું થોડો ચીંતીત હતો, કારણ મને સંભવીત જેલવાસ દેખાતો હતો, મેં મારી પત્ની સાથે ચર્ચા કરી મારો દિકરો ત્યારે બાર વર્ષનો હતો તેણે મારી વાત કાપતા કહ્યુ જેલમાં જઈ આવો હવે હું મોટો થઈ ગયો છુ. હું મને સદ્દનસીબ સમજુ છે કદાચ હું આ બાબતમાં બીજા કરતા વધુ ધનવાન છુ કે પરોક્ષ રીતે મારી લડાઈમાં તેઓ મારી સાથે હતા, જો તેમનું આવુ વલણ ના હોત તો મેં પણ કયારનો રસ્તો બદલી નાખ્યો હોત.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top