તા.28/7નાં અંકમાં અનિલભાઈ શાહનું ‘ઢોંગી બાબાઓનાં અપકૃત્યો’સંદર્ભેનું ચર્ચાપત્ર વાંચ્યું. કહેવાતા માનસશાસ્ત્રીઓ અધ્યાત્મવિદ્યામાં પારંગત, સારાસારના વિવેકથી ઓતપ્રોત છે એમ માની લેવું અસ્થાને છે! તેમના શબ્દો જ દોહરાવુ: હજારો વર્ષથી કથા-કિર્તન પારાયણો, ધાર્મિક સત્સંગ સંમેલનમાં લાખોની મેદની ભેગી થાય અને નિયત સમયે વિખેરાય જાય પરંતુ ફલુશ્રુતિ-પરિણામ શૂન્ય!! માનવ સહજ સમાજમાં, કોઈપણ કાર્યકારણ-બાબત સંદર્ભે સારા-નરસાં પાસાં દ્વૈત-અદ્વૈત હોવાનાં જ. ધર્મ રહિત, અહંમશૂન્ય, સત્યવાદી, સત્યનિષ્ઠ, કામ-વાસનાના ચક્કરથી અલિપ્ત સંત-મૂનિ-મહંતો-ઉપદેશકો છે જ. સામે પક્ષે ઢોંગી, ધૂતારા, પ્રપંચો, કામાતૂર, લોભી-લાલચી, બાવા-બાવરાઓની પણ કમી નથી!
હંમેશાં સતને માર્ગે ચાલનારા ઉપદેશકો પાસે શબ્દો છે, જેનું શ્રવણ કરી, ચિંતન મનન થકી ભીતરમાં ઠારવાના છે, જેનું શ્રવણ કરી, ચિંતન મનન થકી ભીતરમાં ઠારવાના છે, જે થકી કરણી-કથની ઉર્ધ્વગતિ આપવાની જવાબદારી શ્રોતાઓની છે, વક્તાઓની નહીં મારા ભાઈ! ઉપદેશકો શ્રોતાઓની ભીતર પ્રત્યારોપણ કરી દરેકના દિલ-દિમાગમાં ઘૂસી જઈ, બધું સાફ-સુંથરૂં કોઈ જાદુઈ છડી-લાકડી પણ નથી જે શ્રોતાઓના માથે ફેરવી દેવાથી પરિવર્તન આવી જાય. શબદ કટારી: શબદે મારે મર ગયે, શબદે છોડા રાજ… ઉપદેશકો સમાજ પરિવર્તન માટે પોતાની પવિત્ર ફરજ બજાવે છે. સાચા માનવી મનુષ્યત્ત્વની પ્રાપ્તિની ગરજ આપણી (ટોળાંની) છે નહીં કે ધર્મગુરૂઓ, ઉપદેશકો, મુનિ-સંત-મહંતોની!!!
કાકડવા -કનોજ મહારાજ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
દાન યોગ્ય વ્યકિતને પહોંચે છે…??
હિન્દુ સંસ્કૃતિમાં પુરુષોત્તમ માસ અને શ્રાવણ માસનો મહિમા ઘણો છે. ભકિત, સાધના, પ્રાર્થનાની સાથે ‘દાન’ દ્વારા પાપમાંથી મુકત થવા સૌ કોઇ તત્પર રહે છે. આમ કરવું ખોટું પણ નથી. પૂજા-પાઠની સાથે દાન પણ જરૂરી છે. સવાલ એ છે કે તમે કોને દાન આપો છો…? જરૂરિયાતવાળી વ્યકિતને મળે છે? દાનનો યોગ્ય ઉપયોગ થાય છે ખરો…? કે પછી… ફકત દાન આપી ‘બ્રાહ્મણને લોટો આપ્યો છે તે સંખ્યા કરે કે સ્નાન કરે’ એમ વિચારીને છૂટી જઇએ છીએ? જો તેનો સદ્ઉપયોગ ન થાય તો કોઇ ફળ પ્રાપ્તિ ન થાય. કરેલું દાન વ્યર્થ ગણાય.
આ બંને માસમાં દાનનો પ્રવાહ વધુ રહેશે. ઘણી સંસ્થાઓ, આશ્રમોમાં, વૃધ્ધાશ્રમોમાં અઢળક દાન આવશે. (મંદિરોની તો વાત જ ન પૂછો!) આ સમયે ટ્રસ્ટીગણ કે સંચાલકોની પણ જવાબદારી વધી જાય. તેઓને બગડતી ચીજવસ્તુઓ કે અનાજને ફેંકવું પડે એવી સ્થિતિ પણ બને…! જો એમ થાય તો તમારા દ્વારા કરેલ દાનનો શું અર્થ…?? વળી એક જ જગ્યાએ વધુ પડતું દાન કરવાનો પણ કોઇ અર્થ નથી. એમ નથી લાગતું કે સમજી વિચારીને અને જરૂરિયાતમંદ વ્યકિતને જ દાન કરવું જોઇએ?
સુરત – જયોતિ ગાંધી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.