નવી દિલ્હી: કિસ ડે (Kiss Day) દર વર્ષે વેલેન્ટાઈન ડે (Valentine’s Day) પહેલા ઉજવવામાં આવે છે. પ્રેમમાં પાર્ટનરને કિસ (Kiss) કરવી ખૂબ જ સામાન્ય વાત છે. અતૂટ સંબંધ અને પ્રેમ વ્યક્ત કરવા માટે ઘણીવાર પાર્ટનર એકબીજાને કિસ કરે છે. પ્રેમમાં કિસ કરવાથી આનંદની લાગણી થાય છે. પરંતુ શું તમને ખબર છે કે કિસ કરવાથી કેટલીક ખતનાક બીમારીઓ (Serious Diseases) પણ થઈ શકે છે. વૈજ્ઞાનિક પુરાવા છે કે કિસ કરવાથી ઘણા ખતરનાક ચેપ અને રોગોનું જોખમ વધી જાય છે. તો ચાલો જાણીએ એવી પાંચ ગંભીર બીમારીઓ વિશે જે કિસ કરવાથી થાય છે.
હર્પીસ (Herpes)
સામાન્ય રીતે હર્પીસ વાયરસ બે પ્રકારના હોય છે, HSV-1 અને HSV-2. હેલ્થલાઈન રિપોર્ટ અનુસાર, HSV-1 વાયરસ કિસિંગ દ્વારા ખૂબ જ સરળતાથી ફેલાઈ શકે છે. આ વાયરસની અસર 50 વર્ષથી ઓછી ઉંમરના 67 ટકા લોકોમાં થવાની સંભાવના છે. મોં કે ગુપ્તાંગમાં લાલ કે સફેદ રંગના ફોલ્લા તેના મુખ્ય લક્ષણો માનવામાં આવે છે. ઘણી વખત આ ચેપ લક્ષણો વગર પણ વ્યક્તિને ઘેરી લે છે.
HSV-2 હર્પીસનો બીજો પ્રકાર છે. તેને જીનીટલ હર્પીસ પણ કહેવામાં આવે છે. જો કે તે મુખ્યત્વે શારીરિક સંબંધ બાંધવાથી ફેલાય છે, પરંતુ કિસ કરવાથી પણ તેની ફેલાવવાની શક્યતાઓ છે. HSV-2 ના લક્ષણો પણ HSV-1 જેવા જ છે. જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી ન હોય તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
સાયટોમેગાલોવાયરસ (Cytomegalovirus)
સાયટોમેગાલોવાયરસ (CMV) એક વાયરલ ચેપ છે જે લાળ સાથે સંપર્ક દ્વારા ફેલાય છે. આ સિવાય આ વાયરસ પેશાબ, લોહી, વીર્ય અને માતાના દૂધ દ્વારા પણ સરળતાથી ફેલાઈ શકે છે. તે ઘણીવાર મોં અથવા જનનાંગોના સંપર્ક દ્વારા પણ ફેલાય છે. આથી તેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) પણ કહેવામાં આવે છે. થાક, ગળામાં દુખાવો, તાવ અને શરીરમાં દુખાવો એ સીએમવીના મુખ્ય લક્ષણો માનવામાં આવે છે.
સિફિલિસ (Syphilis)
સિફિલિસ એ બેક્ટેરિયલ ચેપ છે, જે કિસ અથવા સેક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન થઈ શકે છે. સિફિલિસના સંપર્કમાં આવવાથી મોંની અંદર ચાંદા અથવા ફોલ્લા જેવી સમસ્યાઓ થાય છે. જોકે આ ઈન્ફેક્શનને એન્ટી બાયોટીક્સથી કંટ્રોલ કરી શકાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે. તાવ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, થાક, ધૂંધળું દેખાવવું, હૃદય સંબંધિત સમસ્યાઓ, મગજને નુકસાન અથવા યાદશક્તિમાં ઘટાડો તેના કેટલાક મુખ્ય લક્ષણો માનવામાં આવે છે.
મેનિન્જાઇટિસ (Meningitis)
કિસ કરવાથી લોકો મેનિન્જાઇટિસનો શિકાર પણ બની શકે છે. આ બેક્ટેરિયલ ચેપ સામાન્ય રીતે કિસ દ્વારા ફેલાય છે. તાવ, માથાનો દુખાવો અથવા ગરદનમાં જકડતા તેના કેટલાક મુખ્ય લક્ષણો છે. જો તમને શરીરમાં આવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
રેસ્પિરેટરી વાયરસ (Respiratory virus)
સામાન્ય રીતે રેસ્પિરેટરી વાયરસ ગળામાં ખાખણી આવવી, શરદી અથવા ફ્લૂને જવાબદાર ગણવામાં આવે છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે રૂમમાં રહેવાથી અથવા તેની વસ્તુઓનો ઉપયોગ કરીને પણ ફેલાય છે. જોકે, કિસ કરવાથી તેના ફેલાવાની શક્યતા વધી જાય છે.