રાજ્યમાં એક તરફ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં બેસી ગયું છે ત્યારે 2021 વર્ષ માટેની ખરીફ મોસમની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. રાજ્યના અંદાજે ૫૩ લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહીં આ યોજના માટે ખેડૂતે કોઇ જ પ્રીમિયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં. આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોમખથી થતા પાક નુક્સાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરાયેલી આ કિસાન સહાય યોજનામાં ખરીફ ઋતુમાં થયેલા પાક નુક્સાનની ટકાવારી 33 થી ૬૦ ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૦,૦૦૦ની સહાય અને નુક્સાન ૬૦ ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૫,૦૦૦ની સહાય મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં અપાશે. તદઉપરાંત વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને પણ લાભ મળશે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા ડેડિકેટેડ પોર્ટલ પણ તૈયાર કરાશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહશે. ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં તેમજ અરજીની ડેટા એન્ટ્રી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચ ચૂકવશે.
સહાયની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જામ થશે
આ મુખ્યમંત્રી સહાય યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજનાના સુચારુરૂપ અમલીકરણ તેમજ ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સુવિધા પણ આપવામાં આવી છે. આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.