Entertainment

કિર્તી કહે છે લગ્નનું ઠીક છે, કાંઇ બીજું વિચારો!

ફકત સ્ટાર્સથી ફિલ્મો નથી ચાલતી એ હવે અત્યારના સ્ટાર્સ પોતે પણ સમજી ચુકયા છે ને નિર્માતા દિગ્દર્શકો પણ વિચારે છે કે સ્ટાર્સ પર જુગાર ખેલવાના સમય હવે ગયા. આમીર ખાન જેવો સ્ટાર્સ હંમેશા વિષય અને દિગ્દર્શનના આધારે જ પોતાનું સ્ટારડમ આગળ વધારતો ગયો છે. તે સલમાનની જેમ નુસખાબાજી નથી કરતો. એવું કંગના રણૌત, આલિયા ભટ્ટ, તાપસી પન્નુ પણ કરે છે. હીરો સાથે બે-ચાર રોમેન્ટિક ગીતો કર્યા કરવાનો તો અર્થ પણ શું છે? કંગના, આલિયા, તાપસીના રસ્તે હવે બીજી અભિનેત્રીઓ પણ વિચારી રહી છે જેમકે રિચા ચઢ્ઢા અને કિર્તી કુલ્હારી. કિર્તી અત્યારે ‘શાદીસ્તાન’ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. પિંક ઇન્દુ સરકાર, મિશન મંગલ પછી તે આ વખતે લગ્ન વિશે મામલો ઉઠાવી રહી છે.

તે કહે છે કે આપણે ત્યાં લગ્નના નામે કારણ વિના વધુ પડતી વાતો થયા કરે છે. હવે તો લોકો લગ્ન કર્યા વિના પણ સાથે રહી શકે છે. મૂળ વાત એટલી છે કે હવે લગ્ન કરનાર યુવતીને પણ પ્રેમ, સન્માન જોઇએ છે. તે કાંઇ પુરુષથી દબાઇને બેસી રહે તેમ નથી. કોઇ સાથે લગ્ન કરતી વખતે તે પોતાના મા-બાપ શું કહેશે એટલું જ વિચારતી નથી. હવે મા-બાપને શું લાગશે એ મહત્વનો મુદ્દો રહયો જ નથી, પોતાને શું લાગે છે એજ મુદ્દો છે. એટલે લગ્ન બાબતે બહુ ડ્રામા ઉભા કરવાની જરૂર નથી.

કિર્તી કુલ્હારી ‘શાદીસ્તાન’ વિષયથી ખૂબ ઉત્સાહી છે કારણ કે લગ્ન વિશેના ખ્યાલ હવે સાવ બદલાવા માંડયા છે. મા-બાપોને એ છોકરીની બહુ ચિંતા થાય છે જે લગ્નની ઉંમરે પરણતી નથી પણ કિર્તી કહે છે કે એવી ચિંતાના કારણે ગમે તેની સાથે પરણાવી દેવી તે તો ખરાબ છે. એના કરતાં છોકરીને પગભર કરો. પોતે વિચારી શકે અને નિર્ણય લઇ શકે એવી કરો. લગ્ન હવે મરી રહેલી સંસ્થા છે. નવી પેઢી લગ્નને જૂદ રીતે વિચારતી થઇ ગઇ છે. કિર્તી અત્યારે આ ફિલ્મ સિવાય શેફાલી શાહ અને વિપુલ શાહ સાથે એક સિરીઝ કરી રહી છે.

તેને લાગે છે કે આ વેબસિરીઝ તેના વિષયને કારણે ખૂબ રસપ્રદ બનશે. કિર્તી અત્યારે ફૌર મોર શોટસ પ્લીઝની ત્રીજી સિઝનના શૂટિંગની તૈયારીમાં પણ છે. આ ત્રણે કામ બાબતે તેનો ઉત્સાહ સમાતો નથી. વિષય સારો હોય તો તે પોતાની રીતે ય ખૂબ વિચારે છે ને કહે છે કે જો સેટ પર જઇ દિગ્દર્શક કહે એટલું જ કરો તો અભિનયમાં અને પાત્રમાં જીવ આવશે નહીં. જાતે જ વિચારો ને પાત્રને જીવંત બનાવો.

Most Popular

To Top