સુરત (Surat): કતારગામ (Katargam) ખાતે રહેતા યુવકને કિરણ હોસ્પિટલમાં (KiranHospital) એક ગઠિયો ભેટી ગયો હતો. તેણે યુવકને કિડનીની બિમારી (Kidney Patient) આયુર્વેદિક (Ayurvedic) દવાથી સારી કરી આપવાના બહાને અઠવાગેટ ખાતે અઠવા આર્કેડમાં આવેલા આયુરધારા હર્બલ સ્ટોરના (AayurDhara Herbal Store) માલિક સાથે મળી અલગ અલગ જડીબુટ્ટીનો પાઉડર આપી રૂપિયા 1.04 લાખ પડાવી છેતરપિંડી (Fraud) કરી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- કિરણ હોસ્પિટલમાં ભેટેલા ગઠિયાએ આયુર્વેદિક દવાથી કીડનીની બિમારી સારી કરી આપવાનું કહીને 1.40 લાખ પડાવી લીધા
- અઠવાગેટની આયુરધારા હર્બલ સ્ટોરના માલિક સાથે મળી અલગ અલગ જડીબુટ્ટીનો પાઉડર બનાવી પૈસા પડાવી ફોન અને દુકાન બંધ કરી ગઠિયા નાસી ગયા
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ઉદયનગર વિભાગ-૨ નીલકંઠ રેસીડેન્સીમાં રહેતા 24 વર્ષીય અશોક મોહનભાઈ પારધીની છેલ્લા સાતેક વર્ષથી બંને કિડની ફેઈલ છે. ગત 3 ઓગસ્ટે અશોક સારવાર માટે કિરણ હોસ્પિટલમાં આવ્યો હતો. ત્યારે ત્યાં ડોકટરે રિપોર્ટ કરાવવા માટે ચિઠ્ઠી લખી આપી હતી. તે હોસ્પિટલમાં આવેલી લેબોરેટરીમાં રિપોર્ટ કઢાવવા જતો હતો. ત્યાં એક અજાણ્યા સાથે તેનો ભેટો થયો હતો.
અજાણ્યાએ તારા જેવી તકલીફ મારા સંબંધીને પણ હતી અને તેની સારવાર આયુર્વેદિક રીતે કરાવતા દોઢ મહિનામાં સારૂ થઈ ગયું હતું. જો તમારે પણ સારવાર કરાવવી હોય તો કહો તેમ કહેતા અશોકે વિચારીને જવાબ આપું તેમ કહીને મોબાઈલ નંબર આપ્યો હતો. ઘરમાં પરિવાર સાથે ચર્ચા કરીને તેને આયુર્વેદિક સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું.
દરમિયાન રાત્રે જ અશોક પર અજાણ્યાનો ફોન આવ્યો અને તેને પોતાની શંકર તરીકેની ઓળખ આપી હતી. અને તેના નાના ભાઈ રાહુલે નંબર આપ્યાનું કહ્યું હતું. બાદમાં અશોકને બીજા દિવસે અઠવાગેટ પાસે બોલાવ્યો હતો.
અશોક તેની માતા સાથે અઠવાગેટ ખાતે પહોંચ્યો હતો. શંકર તેમને અઠવા આર્કેટમાં આવેલા આયુરધારા આયુવૈદિક હર્બલ સ્ટોરમાં લઈ ગયો હતો. ત્યાં અશોકને અલગ અલગ જડીબુટ્ટીના પાઉડર આપી રૂપિયા ૯૨,૨૦૮ લીધા હતા. ત્યારબાદ બીજા દિવસે એક જડીબુટીના 8 ગ્રામના રૂપિયા ૪૮ હજાર મળી કુલ રૂપિયા 1.40 લાખ લીધા હતા.
બે-ત્રણ દિવસ પછી અશોકના સંબંધીએ અમદાવાદમાં આ રીતે છેતરપિંડી થયાની વાત કરતા તેને શંકા ગઈ હતી. આથી અશોકે શંકરને ફોન કરતા બંધ હતો. અઠવા આર્કેટમાં આવેલા આયુરધારા આયુવૈદિક હર્બલ સ્ટોરમાં જઈ તપાસ કરી તો તે પણ બંધ હતું. બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.