ખેરગામ: (Khergam) ખેરગામ-વલસાડ રોડ ઉપર જનતા હાઈસ્કૂલ નજીક રહેતા ધર્મેશ શંકર પટેલની રેડીમેઈડ કપડાંની દુકાન (Shop) માય ક્લોથ્ઝમાં ગત તા.16 જાન્યુઆરીના રોજ રાત્રીના બારેક વાગ્યા બાદ દુકાનની પૂર્વ દિશાની બારી તોડીને કોઈક ચોર ઇસમ દુકાનમાં પ્રવેશ કરી દુકાનની અંદરથી 109 થી વધુ જર્સી-ટીશર્ટ (T-Shirt) જેની કિં.રૂ. 55 હજારની ચોરી કરી તેમજ ટેબલ પર રાખેલી ગણેશની મૂર્તિ પણ ઉઠાવી ગયા હતા. દુકાનમાં ગલ્લો ખુલ્લી હાલતમાં હતો, પરંતુ ગલ્લામાંથી કઈ ગાયબ જણાયું ન હતું. સમગ્ર ઘટના બાબતે દુકાન માલિક ધર્મેશ પટેલે ખેરગામ પોલીસ મથકે (Police Station) ફરિયાદ અરજી આપતા પોલીસે આ મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વાપીનો પરિવાર સોમનાથ મંદિરે દર્શને ગયો ને તસ્કરોએ બંધ ઘરમાં ચોરી કરી
વાપી : વાપીના ચલા વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતો પરિવાર દ્વારકા સોમનાથ મંદિરના દર્શને ગયો અને બંધ મકાનનું તાળું તોડીને તસ્કરોએ લોખંડના કબાટની તિજોરી તોડીને સોનાના ઘરેણાં ચોરી ગયા હતા. દ્વારકાથી પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાનું તાળું તોડી ચોરી થઈ હોવાનું જાણતા વાપી ટાઉન પોલીસ મથકમાં ચોરી અંગે ફરિયાદ આપતા પોલીસે રૂપિયા ૧૭૦૦૦ની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીના ચલામાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા સુનિતાબેન અવિનાશ ઠંડીલાલ મીણાના પરિવારના સભ્યો ટ્રેન દ્વારા દ્વારકા તેમજ સોમનાથ મંદિરે દર્શન માટે ગયા હતા. ત્યાંથી પરત આવતા ઘરના દરવાજાનું તાળું તોડીને કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘરમાં લોખંડના કબાટની તિજોરીનો લોક તોડીને તિજોરીની અંદર મૂકેલી સોનાની વીટી તેમજ સોનાની ચેનને તસ્કરો લઈ ગયા હતા. આ ઘરેણાંની કિંમત રૂપિયા ૧૭૦૦૦ બતાવવામાં આવે છે. વાપી ટાઉન પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.