Business

દીકરો જન્મે તો ખમ્મા અને દીકરી જન્મે તો મિસકોલ!

સોશ્યલ મિડિયામાં દીકરી એટલે આંખની કીકી અને દીકરા અને દિકરીમાં કોઈ ભેદ નથી એવાં બડાઈ સાથે સંદેશા ફેરવતાં લોકો અંગત જીવનમાં કેટલો ભેદભાવ રાખે છે તેનો દાખલો રાજસ્થાનમાં જોવાં મળ્યો છે. રાજસ્થાનના કેટલાંક ગામડાં અને જાતિઓમાં દીકરી જન્મે તો મા-બાપ રોષે ભરાય છે, દીકરો આવશે એવી આશા રાખી મનમાં રાજી થતાં માવતરને ત્યાં દીકરી આવે તો તેનું નામ એવું રાખે છે કે દીકરીને નામ કોઈને કહેતાં શરમાવું પડે. આવા અસમ્માનજનક વર્તાવ પછી પણ ચોખવટ અને ખુલાસા પણ થાય છે.

એક વાત સ્પષ્ટ છે કે તેમને બીજી કે ત્રીજી દીકરી અનિચ્છનીય છે પણ બીજી કે ત્રીજી દીકરી જન્મે છે દીકરાની આશામાં એટલે તે દીકરીને તેમના માતાપિતા તેમને અટપટા નામ આપે છે, જેનો અર્થ તેમની વેદના દર્શાવે છે કે ઈચ્છા પુત્રની હતી’ને પુત્રી આવી. બીજા શબ્દોમાં અણગમી આવી! પહેલો અન્યાય તો એ છે કે પુત્રની લાલસામાં ત્રણ, ચાર કે એનાથી વધુ સંતાનો જન્મે છે, દીકરો જોઈએ અને દીકરી આવે એટલે ફરી સંતાપ! આવી કેટલીક લાડકવાયી દીકરીના નામ કેટલાં વિચિત્ર રાખવામાં આવ્યાં છે.

દેશી નામો ધાપુ (અર્થાત્ ‘ માતાપિતા – કંટાળી ગયા છીએ’), રામઘાની (રામ, તમે અમને પૂરતી પુત્રીઓ આપી છે), હૈચુકી (પૂરતી), અંતિમા (બસ, છેલ્લી) અને રામનારી (રામ, ઘણી છોકરીઓ આપી છે).  અને આધુનિક યુગને પ્રતિબિંબિત કરવા માટે, છોકરીઓને મિસ્ કૉલ, નારાજી, ફાલ્તુ અને ગેરંટી એવા નામો રાખ્યા છે! જે અપ્રિય અને અણગમતી લાગણીઓ સાથે સંભળાય છે.  દીકરીઓ પ્રત્યે આટલી ચીડનું કારણ પણ દીકરીની માતા જ કહે છે જે પોતે કોઈની દીકરી છે.

ત્રણ સંતાનોની ૨૫ વર્ષની માતા રામઘણી કહે છે કે દીકરી જન્મે એટલે દહેજની ચિંતા રોગની જેમ લાગી જાય, દીકરીને પરણાંવવા રોકડા ત્રણ લાખ જોઈએ, તે ઉપરાંત દાગીના, જરીવાળા ઝગમગતાં સાડી-સાડલા, માથે ઘર વસાવા ફર્નિચર આપવું પડે છે. કોણ દીકરી જન્મે તેવી આશા રાખે? ગ્રામીણ વિસ્તારોમાં લોકો એવું અનુમાન લગાવે કે વર સરકારી નોકરી કરતો હશે તો દહેજ, દાન ત્રીસ લાખનું આપવું પડશે!

 આ કુપ્રથાને કારણે કેવી કરૂણા સર્જાઈ છે કે તેમણે દીવાલો પર ચિત્ર દોરી પોતાના નામ લખ્યાં છે. ટોંક જિલ્લાના દેવરી ગામમાં રહેતાં ભરતજીને ત્રણ દીકરીઓ છે. પહેલી દીકરી પછી બીજી સુવાવડમાં પણ દીકરી જ જન્મી તો તેનું નામ રાખ્યું અંતિમા! તેમણે મનોમન માની લીધું કે આ છેલ્લી છોકરી આવી એટલે અંતિમા પણ ત્રીજીવાર પણ દીકરી જ જન્મી અને ન ઇચ્છતાં આવી એટલે તે દીકરીનું નામ પાડયું મિસકોલ! કેટલી નબળી માનસિકતા કે તે પછી પુત્ર જન્મ્યો તો માતા ફોરનતીએ લાડથી નામ રોહિત પાડ્યું.  ગેરમાન્યતા એવી છે કે ત્રણ કે ચાર સંતાનો પછી પણ દીકરો જોઈએ, દીકરી હવે નહીં અને આમ ચાલતું રહે છે!  સવાઈ માધોપુર જિલ્લાના લખનપુરગામની પંદર વર્ષની સુશીલ કન્યા હૈચુકી શર્મા તો જાહેરમાં કહે છે કે વયસ્ક થતાં જ નામ બદલી નાખીશ, તેની મનોવ્યથા જાહેર કરે છે કે નામ પરથી એવું ફલિત થાય કે અમે  માં-બાપ પર બોજ છીએ, અમારા જન્મથી તેઓ ખુશ નથી. તેની ત્રીજી બહેનનું નામ ધાપુ છે.

 ઘણાં કહેવાતા સુધારકોની એવી માન્યતા છે કે છોકરીઓ સમજણી છે, શહેરમાં કોલેજમાં ભણવા જશે એટલે આપમેળે નામ બદલી નાખશે.    આવી પીડા ઓગણીસ વરસની મનચિતાને છે તેણીએ પોતાની માતાને આજીજી કરી કે બહેનનું નામ રામઘણી બદલી નાખો, લોકો શું વિચારશે, તેને સારું સન્માનજનક નામ આપો લોકો અનર્થ કરશે રામઘણી નામ સાંભળીને? પણ દાદા અને દાદી પહેલાં જ નક્કી કરી ચૂક્યા હતાં કે ત્રીજી પણ દીકરી આવી તો ભગવાનને હાથ જોડી નામ પાડીશું રામઘણી! માનચિતાનું ચાલ્યું નહીં દસ્તાવેજ પણ બની ગયા અને રામઘણી નામ ગવાઈ ગયું. બાળક પ્રત્યે માતા-પિતા અને સંબંધીઓની વિચારસરણી કેવી હોય છે. તેના દાખલા આજના આધુનિક ગણાવતાં સમાજ માટે શરમજનક છે. કેટલાક સમુદાયોમાં, બીજી, ત્રીજી અને ચોથી પુત્રીઓના નામ એવી રીતે રાખવામાં આવે છે કે તે સ્પષ્ટપણે જણાવે છે કે તેઓ ‘અનિચ્છનીય’ છે.  

ઘણાં પરિવારોમાં એવી આંધળી માન્યતા છે કે કમ સે કમ બે દીકરા તો હોવા જ જોઈએ, જો એક દીકરાને કોઈ અનહોની થઈ જાય તો બીજો તેની જગ્યા પૂરે. વિચિત્ર ગણિત છે. જેમાં જો અને તો વચ્ચે જગ્યા પૂરવાની કાલ્પનિક જિદ્દ છે. લાસડીયા ગામના સંપત મીણાંને એક દેવનો દીધેલો દીકરો હતો તો બીજો દીકરો જન્મે તેવી લાલસા હતી પણ જોગાનુજોગ એક પછી એક ચાર દીકરીઓ જ જન્મી, ત્રીજી દીકરી આવી ત્યારે નાખુશ પરિવારે રોષમાં તેનું નામ નારાજી રાખ્યું, રાજીખુશી ન્હોતી આવી એટલે અને હદ કરી તેમણે ફરી સુવાવડનો સમય આવ્યો ત્યારે તેમને પૂર્વાભાસ થયો કે દીકરી જ આવશે, આભાસ સાચો સાબિત થયો અને હવે દીકરી જન્મી તો તેનું નામ ગેરેન્ટી રાખ્યું!

 પુત્રની ઈચ્છામાં પુત્રીઓ સાથે અન્યાય કરતાં લોકો નામની વિચિત્રતાને કઈં અયોગ્ય નથી માનતા, કહેવાય છે સ્ફૂલોમાં બધી છોકરીઓના નામ આવા જ છે, તેમને તેનું રહસ્ય પણ ખબર છે એટલે કોઈ ટીકા કે હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થતી નથી. કેવી નબળી વિચારધારા છે જ્યાં કુમળા મનની વાત સમજવા જ કોઈ તૈયાર નથી. પશ્ચિમ રાજસ્થાનમાં દીકરી એટલે માફી?, બાડમેરની સરકારી શાળાના શિક્ષક બલરામ ચૌધરી મુદ્દાને નવો રંગ આપે છે તેમની નિરીક્ષણ શક્તિ મુજબ સ્કૂલની ઘણી છોકરીઓના નામ ‘માફી’ છે તેનું કારણ એ છે કે માં અને બાપે ભગવાન સામે અરજી કરી છે, માફી, હવે દીકરી નહીં! એટલે દીકરીનું નામ માફી રાખે છે. દીકરીઓનું નામ માફી ભગવાનને મોકલેલો સંદેશ છે. માફી માંગીએ હવે દીકરી નહીં.

  નારાજીની મા કાજોડી કહે છે ચાર કે પાંચ દીકરીઓ જન્મે પછી મોટાભાગની સ્ત્રીઓ પુત્રની આશા છોડી દે છે પણ પાસેના બેગમપુરા ગામમાં એક દંપતીને દસ દીકરીઓ છે, છેવટે દીકરો ન મળ્યો તો ભત્રીજાને દત્તક લીધો. તેની પાછળ પણ એક કુરિવાજ આ પંથકમાં પ્રચલિત છે કે સંપત્તિ અને વારસો દીકરાને જ મળે, દીકરીનો કોઈ અધિકાર નહીં, તે પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે જે વારસાગત હકદાર દીકરીને બનાવે છે.   જ્યાં દીકરી પરિવાર માટે ભાર ગણાતી હોય ત્યાં દીકરી જન્મે તે કોને ગમે? શું દીકરી ગર્વથી દીવાલ પર પોતાનું ચિત્ર દોરી નામ લખે હું અંતિમા કે મિસકોલ! કે પછી આ વ્હાલનો દરિયો કહેવાતી દિકરીઓએ પોતાની દર્દ કથા દીવાલ પર ચીતરી છે!   અહીં ચિંતકો, સુધારકો, સંશોધકો, અધિકાર વિવેચકો કે રાજસ્થાનના બાળ અધિકારોનું કમિસન એકમત નથી કે આ કન્યાઓ સાથે સુસંગત વ્યવહાર નથી બલ્કે મિથ્યા ઘેલછા હેઠળ કન્યાઓ અપમાનિત થઈ રહી છે.

  જગતની સ્ત્રીઓ જ્યારે પોતાની દક્ષતાના આધારે અવકાશ યાત્રી બની શકે છે, કોઈ વિશ્વકક્ષાની કંપનીની CEO થઈ શકે છે, દેશની નાણાં પ્રધાન થઈ શકે છે, દેશની સેનામાં સામેલ થઈ શકે છે, મિસ યુનિવર્સ બની શકે છે, તેનું નામ શિવાની, અંબા, દુર્ગા, રમા કે અનુષ્કા, દીપિકા, હરનાઝ કે સાયના રાખે તો શક્ય છે કિસ્મત બદલાય અને દીકરા કરતાં સવાગણી સાબિત થાય!  જે સમાજ, ન્યાત આ સંકુચિત માનસને પોષી રહ્યાં છે તેમણે પહેલ કરવી પડશે, આ રીત રિવાજ ભલે દાયકાઓથી ચાલ્યા આવતાં હોય તેને બદલવામાં એક નિર્ણયની જરૂરત છે, બસ શરૂઆત થવી જોઈએ પછી કોઈ પોતાની દીકરીનું નામ જાહેરમાં બોલતાં શરમાય તેવું નહીં રાખે બલ્કે ઘેર ઘેર ઉત્તરા, સુભદ્રા, ઊર્મિ કે શર્મી જેવાં નામના પડઘા પડશે!

Most Popular

To Top