એક ગામમાં એક મોટા વેપારીના બે દીકરા મોટા થયા. વેપારીએ બંને દીકરાઓને મિલકતમાંથી થોડો થોડો ભાગ આપ્યો અને બાકીનો પોતાની પાસે રાખ્યો અને કહ્યું, ‘તમે તમારી રીતે વેપાર કરો અને જીવન જીવો. હું આ મારી પાસેના ભાગમાંથી સમાજસેવા કરીશ.દાન ધર્મ કરીશ.ભક્તિ ભજન કરીશ.’ મોટા દીકરાએ પિતાની આજ્ઞા માથે ચઢાવી ધંધા અને વેપારને આગળ લઇ જવામાં ધ્યાન પરોવવાનું અને મહેનત દસ ગણી વધારવાનું નક્કી કર્યું અને પિતાજીને કહ્યું, ‘પિતાજી, તમારો નિર્ણય મને મંજૂર છે, પણ એક જ વિનંતી છે જીવનમાં કે વેપારમાં કૈંક મૂંઝાવ ત્યારે માર્ગદર્શન આપજો અને તમારા આશિષ સદા આપજો.’
નાના દીકરાને પિતાજીનો આ નિર્ણય ન ગમ્યો. તેણે વાંધો ઉઠાવ્યો, ‘આ મિલકત પર અમારો હક્ક છે.તમારે તે અમને જ આપવી જોઈએ.આટલી મિલકત હોવા છતાં અમે નાના વેપાર કરી શરૂઆત કરીએ ,મહેનત કરીએ શું કામ? તમે આ બધી મિલકત દાન ધર્મમાં ન વાપરી શકો.દાનધર્મ ઠીક છે, બધી મિલકત અમને આપો.’ વેપારીએ કહ્યું, ‘મોટાને મારી વાત મંજૂર છે.તમે જાત મહેનતે આગળ આવશો, જીવનમાં બધા અનુભવો મેળવી શકશો.’નાનો દીકરો વાત કાપતાં બોલ્યો, ‘પિતાજી, મોટાભાઈને મંજૂર હોય તો ભલે,મને મંજૂર નથી.મોટાભાઈ થોડી મિલકતમાં ખુશ હોય તો ભલે રહે, બાકીની બધી મિલકત મને આપી દો.’
વેપારી શેઠ બોલ્યા, ‘દીકરા આવી વૃત્તિ રાખીશ તો જીવનમાં કયારેય આગળ નહિ આવી શકે, કયારેય સુખી નહિ થઇ શકે.’નાના દીકરાએ કહ્યું, ‘આટલી મિલકત હોય તો પછી કામ કરવાની શું જરૂર છે? બેઠા બેઠા સુખ જ સુખ છે.’વેપારી શેઠ બોલ્યા, ‘દીકરા, બેઠા બેઠા ખજાનો ખાલી થઇ જાય અને સાચું સુખ શેમાં છે તેનું તને ભાન જ નથી.’ મોટા ભાઈએ પૂછ્યું, ‘પિતાજી, આપ સમજાવો, સાચું સુખ શેમાં છે?’ વેપારી શેઠે કહ્યું, ‘સાચું સુખ હાથને ઉલટા કરવામાં છે. ઉલટી દિશામાં ચાલવામાં છે.’
મોટા દીકરાએ પૂછ્યું, ‘એટલે?’ વેપારીએ કહ્યું, ‘મારી વાત બંને જણ સાવધાન થઈને સાંભળજો અને સમજજો.હાથ ઉલટા કરવા એટલે કયારેય સીધા હાથ રાખી હાથ લંબાવો નહિ, કોઈની પાસે માંગો નહિ.હંમેશા ઉલટો હાથ રાખી આપતાં શીખો.જેટલું આપશો એટલા વધુ સુખી થશો, જેટલું લેશો એટલા નહિ.ઉલટી દિશામાં ચાલો એટલે મહેનત કરવાથી દૂર રહી આરામ અને સુખ ચેનનાં સાધનોમાં સુખ નહિ મળે, સાચું સુખ તો જાત મહેનત કરવામાં મળશે. સાચું સુખ સ્વાર્થ સાધવામાં નથી ; પરમાર્થ કરવામાં છે. જે મળે છે અને જે છે તેમાં ખુશ રહો. મહેનતથી આગળ વધો અને જે મેળવો તેમાંથી પણ આપતા રહો, જે આપતાં શીખે છે તેને સાચો આનંદ આપોઆપ મળે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.