Comments

કાશ્મીર: દળી દળીને ઢાંકણીમાં?!

બંધારણની કલમ 370-એ ને ‘બિનકાર્યશીલ’ કરવાના પોતાનાં પગલાં (તેને નાબૂદ કરવામાં નથી આવી કે નાબૂદ કરવામાં નથી એવું વ્યાપકપણે માનવામાં આવે છે.) ને સમજાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019 ના ઓગસ્ટમાં કહ્યું હતું. જમ્મુ, કાશ્મીર અને લડાખનો વિકાસ કલમ 370 ને કારણે રૂંધાયો છે. હવે એ સમસ્યા દૂર કરાઇ છે અને નવા યુગનો પ્રારંભ થયો છે. કલમ 370 અલગતાવાદ, ત્રાસવાદ, સગાંવાદ અને ભ્રષ્ટાચારનું મૂળ હતી. આ પગલાંથી હવે ભવિષ્ય સુરક્ષિત કરાયું છે. આ પ્રવચન પછી છેલ્લાં બે વર્ષમાં શું બન્યું છે તે આપણે જોઇએ.

પહેલી વાત તો એ છે કે કાશ્મીરમાં બિલકુલ લોકશાહી નથી. ભારતમાં એ એકમાત્ર એવો ભાગ છે જયાં ચૂંટાયેલી સરકાર નથી અને ગવર્નર મારફતે દિલ્હીથી સીધું શાસન ચલાવાય છે. બીજી વાત એ છે કે આ સીધા શાસન સાથે જાહેર સુરક્ષા ધારા જેવા કાશ્મીર માટે વિશિષ્ટ કાયદા જોડાયેલા છે. આ કાયદા હેઠળ કોઇ પણ વ્યકિતને કોઇ પણ ગુના વગર અટકાયતમાં લઇ શકાય. બંધારણની કલમ 370 નાં પગલાં માટે ‘એક રાષ્ટ્ર એક બંધારણ’નું સૂત્ર અપનાવાયું હોવા છતાં આ કાયદો માત્ર કાશ્મીરલક્ષી છે.

ત્રીજી વાત એ છે કે ગયા બે વર્ષમાં કાશ્મીરમાં માત્ર બે જ લોકોએ જમીન ખરીદી છે. બંધારણની કલમ 35 દૂર કરાઇ છે પણ તેમાં કાશ્મીરના કાયમી નિવાસીની વ્યાખ્યા કરવામાં આવી હતી અને તે ભારતના મોટા પગલાં પાછળનું મોટું કારણ હતું પણ તેનાથી પરિસ્થિતિ બદલાઇ નથી. ચોથી વાત એ છે કે કાશ્મીરી પંડિતો ખીણમાં પાછા ફર્યા નથી. એક શિક્ષિત અને શહેરી કોમને રોજગારી ઓછી હોય અને ઘણી વાર ઇન્ટરનેટ પણ ન હોય ત્યાં શા માટે જવું છે તે સહેલાઇથી સમજી શકાય તેમ નથી. જયારે તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખાએ કાશ્મીર ખીણમાં પાછા ફરવા માટે રસ નહીં બતાવવા બદલ પંડિતોને દોષ દીધો ત્યારે તેમની સમજમાં આ પાસું નહીં આવ્યું હોય.

પાંચમું કારણ એ છે કે લડાખના દરજ્જામાં ફેરફાર કરાયો અને આ કેન્દ્રશાસિત પ્રદેશનો નવો નકશો બહાર પડાયો તે ચીનના ત્યાંના આક્રમણનું કારણ લાગે છે. અલબત્ત ચીની સરકારે તે સ્વીકાર્યું નથી પણ ચીને કહ્યું છે કે અમારો આ ભૂમિ પરનો 1959 નો દાવો લાદવામાં આવ્યો છે. આ મોરચા પર બે લાખ સૈનિકો રાખવાનું ભારતે ચાલુ રાખ્યું છે. ગયા જાન્યુઆરીમાં ભારતીય સૈન્યે પાકિસ્તાન સામે 25 ડિવિઝન મૂકાયા હતા અને 12 ચીન સામે મુકાયા હતા તેમાં ફેરફાર કરી 16 ડિવિઝન ચીન સામે મૂકયા છે. છઠ્ઠું એ છે કે કાશ્મીરમાં ત્રાસવાદનું મરણના આંકથી માપ કાઢવામાં આવે તો મનમોહનસિંહના રાજમાં દર વર્ષે સરેરાશ 150 માણસ મરતા હતા.

છેલ્લાં ત્રણ વર્ષથી આ સરેરાશ આંકડો વાર્ષિક 250 પર પહોંચ્યો છે. લાગે છે કે આપણે બંધારણની કલમ 370 ને મૂર્છિત કરી નાંખી હોવાથી ત્રાસવાદ ઘટતો નથી. સાતમી વાત એ છે કે કાશ્મીરમાં છેલ્લાં બે વર્ષથી કોઇ વિકાસ નથી અને આ અનપેક્ષિત નથી. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી અર્થતંત્ર નબળું પડી રહ્યું છે. મહામારી અને વધેલી હિંસા પ્રવાસનને પણ અસર કરશે. અમેરિકી સામયિક ‘હાર્પર્સ’માં તાજેતરમાં હેવાલ હતો કે કાશ્મીરમાં દર 3060 માણસે એક ડોકટર છે, જયારે સૈનિકોની સંખ્યા દર સાત નાગરિકે એકની છે. આમાં વિકાસની વાત કયાંથી થાય?

આઠમો મુદ્દો એ છે કે પાંચ દાયકા પછી સંયુકત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિઓ કાશ્મીરનો પ્રશ્ન હાથ ધર્યો. તા. 16 મી ઓગસ્ટ, 2019 ના દિને સંયુકત રાષ્ટ્ર સંઘની વેબસાઇટમાં સમાચાર હતા કે સંયુકત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિએ કાશ્મીરની ચર્ચા કરી અને ચીને ભારત અને પાકિસ્તાનને તનાવ હળવો કરવા જણાવ્યું છે. 1965 પછી આ બન્યું છે. ભારતે અગાઉ સુષુપ્ત રહેલા કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક રસ જગાવ્યો છે. નવમો મુદ્દો એ છે કે કાશ્મીરમાં 2019 પછી જે કંઇ થઇ રહ્યું છે તે બદલ અન્ય વૈશ્વિક સંસ્થાઓએ ભારતની ટીકા કરવાનું શરૂ કર્યું છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય પરત્વેના અમેરિકી પંચે પોતાનું મંતવ્ય વ્યકત કર્યું છે. 2002 માં મોદીના અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ મૂકનાર આ પંચે પોતાના હેવાલમાં જણાવ્યું છે કે મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીરમાં અવરજવર અને સભાઓના સ્વાતંત્ર્ય પર મૂકાયેલાં નિયંત્રણોની ધાર્મિક પવિત્ર દિવસોનું પાલન અને પ્રાર્થના માટે જવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડી છે. કોઇ પણ લોકશાહી માટે સૌથી લાંબો સમય કહી શકાય તેવા 18 માસના ગાળા માટે ઇન્ટરનેટ પર મુકાયેલો પ્રતિબંધ અને સંદેશ વ્યવહાર પરનાં અન્ય નિયંત્રણોએ ધાર્મિક સ્વાતંત્ર્યને ખલેલ પાડી મર્યાદિત કર્યું છે.

આ પંચે ભારતની કેટલીક વ્યકિતઓ પર નિયંત્રણો લાદવાની રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનને ભલામણ કરી છે. લડાખમાં ચીનના આક્રમણ પછી ભારતે પાકિસ્તાન સામે યુદ્ધવિરામની માંગણી કરી છે અને તે ચાલુ છે. કાશ્મીરમાં સક્રિય થવા માટેનું કારણ એ છે કે પહેલાં ભારત કહેતું હતું કે પાકિસ્તાન સમસ્યા છે અને હવે તે ઉકેલ માટે પાકિસ્તાન સામે ધા નાંખે છે કારણ કે દેખીતી રીતે ખરી સમસ્યા ચીન છે! ત્રીસ વર્ષ પહેલાં પણ શું હતું? ત્યારે પણ કાશ્મીરમાં રાજયપાલનું શાસન હતું.રાજકીય નેતાગીરીને અવગણીને જેલમાં પૂરી દેવાઇ હતી અને લોકોને વિરોધ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો અને કયાંય કોઇ વિકાસ નહતો. ભારતને આંતરિક રીતે જ મોટું સૈનિક દળ ઉતારવું પડેલું. તો પ્રશ્ન એ થાય છે કે 2019 માં આપણે જે પગલાં લીધાં હતાં તેણે આપણને અને કાશ્મીરીઓને કયાં લાવીને મૂકયાં?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top