ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. શુક્રવારે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે.
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં અત્યાર સુધીમાં 8થી વધુ આરોપીઓની ધરપકડ પોલીસે કરી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ બે મહિનાથી ફરાર હતો. એવી ચર્ચા હતી કે મુખ્ય આરોપી વિદેશ નાસી ગયો છે. જોકે બાતમીના આધારે છેવટે શુક્રવારે રાતે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેને પકડી પાડ્યો હતો.
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલના નામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ હતી. કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી. એવા દાવા કરાયા હતા કે તે પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી ત્યાંથી દુબઈ નાસી ગયો હતો. હવે ધરપકડ બાદ હાલમાં તેમને ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રખાશે.
ઘટના સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણતો હતો
છેલ્લા અનેક માસથી કાર્તિક પટેલ ફરાર હતો. ખ્યાતિકાંડની ઘટના સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હતો. ઓસ્ટ્રેલિયાથી દૂબઈ ભાગી ગયો હતો. પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન હોવાના કારણે કાર્તિક પટેલ ખ્યાતિકાંડ થયો ત્યારે ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો હતો. આ સમગ્ર કાંડ થતા પોલીસે કાર્તિક પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.કાર્તિક સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જો કે કાર્તિક પટેલની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી પૈકી માંથઈ એક આરોપી કાર્તિક પટેલ છે.
ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 3842 ઓપરેશન કરાયા
થોડા દિવસો પહેલા ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટો ખુલાસો કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યાની માહિતી અપાઈ હતી અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નિપજ્યાનો દાવો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી પર હોસ્પિટલના સ્ટાફને દબાણ કરીને પૈસા કમાઈ લાવી આપવાનો આરોપ હતો. ફ્રી કેમ્પના નામે ગતકડાં કરવામાં આવતા હતા.
