આણંદ : કરમસદમાં રેલવે સ્ટેશન પાસે આવેલા સંત કૃપા મકાનમાં સાપ ઘૂસી ગયાનો મેસેજ મળતા સત્યમ ફાઉન્ડેશનના શૈલેષ માછી, કુણાલ પટેલ અને ઉમેશ પટેલ સ્થળ પર દોડી ગયા હતા. જયાં મકાનની બાજુમાં આવેલા તબેલા પાસે છૂપાયેલ સાપનું રેસ્કયુ કર્યુ હતું. જોકે, આ સાપ સ્વો સ્કેલ્ડ વાયપર હોવાની ઓળખ થઇ હતી. જે રણપ્રદેશમાં જોવા મળે છે અને અત્યંત ઝેરી આ સાપના એક દંશથી મૃત્યું નિપજે છે. આ અંગે સંસ્થાના કાર્યકર શૈલેષ માછી એ જણાવ્યું હતું કે, આ સાપ સ્વો સ્કેલ્ડ વાઇપર છે, જેને ગુજરાતીમાં ફુરસો, પૈડકુ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં જોવા મળતા અત્યંત ઝેરી ચાર પ્રજાતિ પૈકીની એક પ્રજાતિનો આ સાપ છે. ખૂબ નાનો સાપ હોવા છતાં અને ઝેરની માત્રા પણ ઓછી ઠાલવતો હોવા છતાં , તેના ઝેરની તીવ્રતાને લઇને આ સાપનાં દંશ ખૂબ ઘાતક બને છે .
ઘણા કિસ્સામાં તેના દંશ થકી માણસ તાત્કાલિક નથી મરતો ૨૪ કલાકથી ૨૦ દિવસ સુધીમાં મૃત્યુ પામે છે . જો યોગ્ય સારવાર મળે તો મોટા ભાગના કિસ્સામાં દરદી બચી જાય છે . આ સાપના દંશની યોગ્ય સારવાર ન મળે તો ધનુર થવાની સંભાવના પણ રહે છે , તે થકી દરદી મૃત્યુ પામી શકે છે . સવારનાં નરમ તડકામાં કે ઠંડીનાં દિવસોમાં બપોરનાં સમય દરમિયાન તડકામાં પડી રહેતો હોય છે . ભેજવાળા વરસાદી વાતાવરણમાં વધુ પ્રવૃત્ત અને આક્રમક હોય છે . તે ઝડપથી ચાલે છે ત્યારે તેનું શરીર સીધું ન રહેતાં ત્રાંસુ રહે છે . ત્રાંસાઇમાં ચાલે છે . જયારે આ સાપ છંછેડાય છે ત્યારે તરત જ આક્રમક બને છે . આવા સમયે તે ચોકકસ ગુંચળામાં ગોઠવાઇને શરીરનાં ભીંગડાં ઘસીને અવાજ ઉત્પન્ન કરે છે . આ અવાજ સળગતા પ્રાઇમસમાં જે રીતનો અવાજ આવતો હોય તેવો લાગે છે , અથવા કાચ પેપર ઘસાતું હોય ત્યારે , જેવો અવાજ થાય તેવો અવાજ લાગે છે . શરીર પડખેનાં બરછટ ભીંગડાંઓ એક બીજા સાથે ઘસવાથી આવો અવાજ ઉત્પન્ન થતો હોય છે , તેનાં અંગ્રેજી નામ મુજબ જોતાં Saw એટલે કરવત . Scale એટલે ભીંગડાં અથવા કરવતના દાંતાં . ટુંકમાં કરવતનાં દાંતા જેવા ભીંગડાં હોવાથી તે આવો અવાજ ઉત્પન્ન કરી શકે છે .