વલસાડ : કપરાડાના (Kaprada) અકસ્માત (Accident) ઝોન કુંભઘાટ નજીક માર્ગની બાજુમાં ટ્રકનું (Truck) પંકચર બનાવી રહેલા ચાલક સહિત 2 ઈસમોને અન્ય ટ્રક ચાલકે અડફેટે ચઢાવતા ગંભીર ઈજાઓને પગલે બંનેના કમકમાટીભર્યા મોત (Death) નીપજ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકે પણ સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક બાજુની ભેખડ સાથે અથડાઈ પલટી ખાઈ જતાં તેના ચાલકનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની માહિતી મળતા જ કપરાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
- એક ટ્રકમાં પંક્ચર થતાં ચાલક અને અન્ય એક ઇસમ ટાયર બદલી રહ્યા હતા તે સમયે અન્ય ટ્રકે અડફેટે ચઢાવ્યા
પોલીસ સૂત્રો અને ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ કુંભઘાટ નજીક ટ્રક નંબર ટી.એન.52 જે. 8579 માં પક્ચર થતાં ચાલક સુરેશ કુમાર શિવ શકિતવેલ (રહે. પાચમ પાલન, તમિલનાડુ) અને સાથી મનિ શંકર કૃષ્ણકુમાર (રહે.શિમાનુંકાંડું પ્લાની, ગોડાપાલા, તા. કિલન પાટી, તમિલનાડુ) પંક્ચર બનાવી રહ્યા હતા, તે દરમિયાન અન્ય એક ટ્રક નબર કે.એ. 56 4945ના ચાલક ગણેશ શંકર ગુજલે (રહે, હનમત વાડી, બસવા, કલ્યાણી, તા. બિદર, કર્ણાટક)એ ટ્રકનું પંક્ચર બનાવી રહેલા ચાલક સહિત બેને અડફેટે ચઢાવતા બંનેને શરીરે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક માર્ગની નજીક ભેખડ સાથે અથડાવી દેતા ચાલક ગણેશ શંકર ગજરેનું પણ ગંભીર ઈજાને લઈ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રકમાં બેસેલા શંકર સિદાપ્પાને ઇજા પહોંચતા સારવાર માટે ધરમપુર ખસેડાયો હતો. ઘટનાની વધુ તપાસ કપરાડા પોલીસ કરી રહી છે.
જોગવેલ ત્રણ રસ્તા નજીક ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
વલસાડ : નાનાપોંઢા-કપરાડા માર્ગ ઉપર જોગવેલ ત્રણ રસ્તા નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં તિસ્કરી જંગલ ગામના યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતક અગરબત્તીની કંપની ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડા તાલુકાના તિસ્કરી જંગલ ગામના કસારપાડા ફળીયામાં રહેતા બુધિયાભાઈ કાળાતનો પુત્ર નિતેશ કાળાત (ઉવ.25 25) જૂનના રોજ બાઈક લઈ કપરાડા તરફ જઈ રહ્યો હતો. તે સમયે જોગવેલ ત્રણ રસ્તા નજીક પૂરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે ચઢાવતા બાઈક સવાર નિતેશનું ગંભીર ઈજાને લઈ મોત નિપજ્યું હતું. મૃતક વાંસદા તાલુકામાં અગરબત્તીની કંપની ચલાવતો હતો. ઘટનાની તપાસ નાનાપોંઢા પોલીસ સ્ટેશનના જમાદાર એસ.એસ.પટેલ કરી રહ્યા છે.