કામરેજ: કામરેજના (Kamrej) નનશાર રોડ પર આવેલી શીવદર્શન સોસાયટીના એક બંધ મકાનના અંડરગ્રાઉન્ડ (Underground water tank) પાણીના ટાકા માં ગાય (Cow) પડી જવાની ઘટના સામે આવી હતી. જે બાદ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા ફાયર ટીમને જાણ કરાતા ફાયર ઓફિસરો (Fire Officer) ઘટનાસ્થળે દોડતા થયા હતા. તેમજ દોઢ કલાકની ભારે જહેમત બાદ ફાયરના જવાનો ગાયને પાણીના ટાંકામાંથી રેસ્ક્યુ (Rescue) કરી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખુલ્લી ઢાંકણ વગરની ટાંકીમાં ભારી ભરખમ ગાય પડી કઈ રીતે તે એક પ્રશ્ન હતો. જોકે ઘણી મહેનત બાદ ગાયને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ફાયર ઓફિસર પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે ઘટના સવારે લગભગ 11 વાગ્યાની હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ દોડી ગઈ હતી. બંધ મકાનના અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ઢાંકણ ન હોવાને કારણે ગાય પડી ગઈ હોય એમ કહી શકાય છે. વારંવારની કોશિશ બાદ પણ 5×5 ના પાણીના ટાંકામાંથી ગાયને બહાર ન કાઢી શકાતા આખરે સીસી રોડ ને તોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ દોરડાની મદદથી ગાય ને બહાર કાઢવામાં સફળ થયા હતા. જેનો વીડિયો પણ બનાવવમાં આવ્યો છે. સ્થાનીક લોકોએ ફાયરની કામગીરી ને વધાવી લીધી હતી.
આ ઘટના અંગે સ્થાનિક પૂજા ચૌહાણે જણાવ્યું હતું કે સવારે ઉઠયા બાદ બાલ્કનીમાં જતા તેણીએ જોયું કે સામેના બંધ મકાન બહાર કેટલાક લોકો ભેગા થયા હતા. નીચે ઉતરી ને તપાસ કરતા ખબર પડી હતી કે પાણીના ઢાંકણ વગરના ટાકામાં ગાય પડી હતી. તમામ લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. આટલા નાના ઢાંકણ માથી ગાય ટાકા માં પડી કઈ રીતે? માનવતા ના ધોરણે તાત્કાલિક ફાયર ટીમને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ ગાય નું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. તેણે વધુમાં જણાવ્યું હતું કે આખી સોસાયટીએ ફાયરની કામગીરીને વધાવી હતી તેમજ ગાયને ઘાયલ કર્યા વગર બહાર કાઢી એ પ્રશંસનીય કામગીરી છે. આખા રેસ્ક્યુ નો લાઈવ વિડીયો બનાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ પહેલીવાર સોસાયટીના મકાનના પાણીના ટાંકામાં પશુ પડી જવાની ઘટના બની હતી. જે બાદ તાત્કાલિક બંધ મકાનની ખુલ્લી પાણીના ટાંકા વાળી જગ્યા પર પતરા લગાડી પશુઓ ને જ નહીં પણ બાળકો ને પણ સુરક્ષિત કરી દેવાયા છે.