કામરેજ: (Kamrej) મોર આંબલી ગામના આધેડ પરબ ગામે (Village) દીકરીને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે વિહાણ પાસે નાસ્તો કરીને બાઈક (Bike) પાસે ઉભા હતાં ત્યારે પીકઅપના ચાલકે ટકકર મારતાં તેમનું મોત નીપજયું હતું. રોડની બાજુમાં બાઈક પાર્ક કરીને માતા અને પુત્ર શેરડીનો રસ પીવા માટે બેઠા અને પિતા રાયમલભાઈ ભુખ લાગતા રસવાળાની બાજુમાં દાબેલી ખાવા માટે ગયા ત્યારે આ ઘટના બની હતી.
- દીકરીને મળવા જઈ રહેલા મોર આંબલીના આધેડનું પિકઅપની ટક્કરે મોત
- પત્ની-પુત્ર સાથે બાઈક પર ગયા અને નાસ્તો કરી બાઈક પાસે ઊભા હતા ત્યારે પિકઅપ ચાલક ટક્કર મારી ફરાર
માંગરોલ તાલુકાના મોર આંબલી ગામે નવીનગરી ફળીયામાં રહેતો સાગર રાયમલભાઈ વસાવા શનિવારના રોજ સવારે 10.30 કલાકે માતા તથા પિતા રામયમલભાઈ કનુભાઈ વસાવા(ઉ.વ.45) સાથે કામરેજ તાલુકાના પરબ ગામે રહેતી મોટી બહેન સરસ્વતીના ઘરે જવા માટે પોતાની બાઈક લઈને નીકળ્યા હતાં. બપોરના 12.30 કલાકે વિહાણ ચાર રસ્તા પર રોડની બાજુમાં બાઈક પાર્ક કરીને માતા અને પુત્ર શેરડીનો રસ પીવા માટે બેઠા અને પિતા રાયમલભાઈ ભુખ લાગતા રસવાળાની બાજુમાં દાબેલી ખાવા માટે ગયા હતાં.
દાબેલી ખાઈને રાયમલભાઈ બાઈકની બાજુમાં ઉભા હતાં તે દરમિયાન શામપુરા તરફથી મહિન્દ્ર પીકઅપ નંબર જીજે 05 બીઝેડ 8137ના ચાલકે રાયમલભાઈને ટકકર મારતા નીચે પડી જતા બેભાન થઈ ગયા હતા. પીકઅપનો ચાલક બારડોલી તરફ નાસી છુટયો હતો. 108માં સારવાર માટે કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા કામરેજ પોલીસે પીકઅપના ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દેલાડની જીવનરક્ષા હોસ્પિટલ સામે અકસ્માતમાં ઘાયલ એકનું મોત
સાયણ: ઓલપાડના દેલાડ ગામે જીવનરક્ષા હોસ્પિટલના ગેટ સામે એક અજાણ્યા ટેમ્પોચાલકે મો.સા. ઉપર જતા સૌરાષ્ટ્રીયનવાસી રત્નકલાકારની બાઈકને પાછળથી ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું. મૂળ સૌરાષ્ટ્રના અમરેલીનો વતની અને હાલ દેલાડ ગામે મણીપુષ્પક સોસાયટી પાસેના કલ્પતરુ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૨૦૬માં રહેતા વિપુલ શામજી ગેરણીયા હીરા ઘસવાનું કામ કરતા હતા. ગત તા.૬ મેના રોજ તેઓ બપોરે ૧:૨૫ કલાકના સુમારે ઓલપાડ-સાયણ રોડ ઉપર દેલાડ ગામે કાર્યરત જીવનરક્ષા હોસ્પિટલના ગેટ પાસેથી બાઈક હંકારી પસાર થઈ રહ્યા હતા. એ સમયે રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતા એક અજાણ્યા ટેમ્પોચાલકે તેનો ટેમ્પો ગફલતભરી રીતે હંકારી વિપુલની બાઈકને પાછળથી ટક્કર મારી અડફેટે લીધી હતી. આથી વિપુલને સારવાર અર્થે સુરત ખાતેની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.