Dakshin Gujarat

કામરેજમાં મહિલા બુટલેગરના પુત્રના લગ્નમાં બબાલ, પોલીસ પર હુમલો

કામરેજ: (Kamrej) ખોલવડ ગામે (kholwad Village) રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગરના (Bootlegger) પુત્રના લગ્નમાં બે પક્ષ વચ્ચે મારામારી થતાં મામલો થાળે પાડવા પહોંચેલા કામરેજ પોલીસમથકના બે પોલીસકર્મી (Police) ઉપર પણ હુમલો કરીને પોલીસકર્મીને પણ ઈજાગ્રસ્ત કરી દીધા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજના ખોલવડમાં રહેમતનગરમાં રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગર ફાતેમા નૈની મજીદખાન પઠાણના પુત્ર સેફુનાં લગ્ન શનિવારે હોવાથી શુક્રવારે સાંજે જમવા અને ડી.જે.નો કાર્યક્રમ હોવાથી ડી.જે. આર.કે.કોલોની ભાડે રાખ્યું હતું. રાત્રિના આશરે લગ્નના જમણવારમાં ડી.જે.ના સંચાલક તેમજ લિસ્ટેડ બુટલેગર ફાતેમાના પરિવાર સાથે માથાકૂટ થઈ હતી. ઝઘડો મોટો થતાં કામરેજ પોલીસને જાણ કરતાં પોલીસમથકમાં ખોલવડ બીટના જમાદાર હે.કો. હેમંતભાઈ ઈશ્વરભાઈ પરમાર તેમજ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ ચોથાભાઈ ઘટનાની ગંભીરતા જાણી તુરંત જ ખોલવડ ગામે બનાવવાળી જગ્યાએ પહોંચી ગયા હતા.

બે પક્ષ વચ્ચે માથાકૂટમાં વચ્ચે પડી બીટ જમાદાર તેમજ કોન્સ્ટેબલ બંને પક્ષને છૂટા પાડી રહ્યા હતા. ત્યારે ટોળામાંથી અમારા બંને પક્ષ વચ્ચેની લડાઈ છે તેમાં તમે શું કામ વચ્ચે પડો છો. તમે પોલીસ અહીંથી જતા રહો તેમ કહી વિપુલભાઈ સોમાભાઈ ગામીતે હાથમાં લોખંડનો પાઈપ તથા શિવમ ફકીરભાઈ વસાવા લોખંડનો સળિયો લઈ એકદમ ઉશ્કેરાઈ જઈ જાવેદ ઉર્ફે નૈની મજીદખાન પઠાણ, આલુ ઉર્ફે આરિફ, ફાતેમા જાવેદ ઉર્ફે નૈની પઠાણ, જુલેખાબીબી બૂમો પાડી આ પોલીસવાળાને મારો… મારો… કહીને ટોળાંએ ઉશ્કેરી રહી હતી. નિલેશ રાજુ વસાવા, વિશાલ ફકીર વસાવા, મનીષ ઝાલા, લાલુ ઉર્ફે ઈમરાન અમીર વસાવા, અબુ તેમજ બીજા પંદર-વીસ ઈસમ લોખંડના પાઈપ તેમજ સળિયા લઈને દોડી આવ્યા હતા. જેમાં વિપુલ ગામીત લોખંડના પાઈપ જમાદારને મારવા જતાં શશીકાંત ડુબેડીએ પાઈપ પકડી લીધો હતો. શશીકાંતને પગમાં લોખંડનો પાઈપ મારી દીધો હતો.

સુજીત જેસીંગ વસાવા રોડની બાજુમાં પડેલા પથ્થરો મારવા લાગતાં જમાદારને ડાબા કાનના ભાગે વાગતાં ઈજા થઈ હતી. તેમજ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈને પણ માર મારવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ કામરેજ પીઆઈ એમ.એમ.ગીલાતરને થતાં આખા પોલીસ સ્ટેશનની ફોજ ખોલવડ ગામે ખડકી દીધી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મી હેમંતભાઈ તેમજ વિષ્ણુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસે લિસ્ટેડ બુટલેગર ફાતેમા સહિત 13 સામે રાયોટિંગની ફરિયાદ નોંધી હતી. એ સાથે પોલીસે જાવેદ ઉર્ફે નૈની તેમજ જુલેખાબીબીની ધરપકડ કરી હતી. ખોલવડમાં રહેમતનગરમાં રાત્રિના લિસ્ટેડ મહિલા બુટલેગરના પુત્રનાં લગ્નમાં થયેલી મારામારીની ઘટના ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

Most Popular

To Top